નવસારી કૃષિ યુનિવર્સીટીના વિદ્યાર્થી આપઘાત મામલો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.1
- Advertisement -
નવસારી કૃષિ યુનિવર્સિટીમાં એગ્રો ફોરેસ્ટ્રીમાં પીજીમાં અભ્યાસ કરવા અર્થે આવેલા મૂળ રાજકોટના ચિરાગ વઘાસીયાએ વર્ષ-2019માં અધ્યાપકના ત્રાસથી કંટાળીને આપઘાત કરી લીધો હતો. તેણે પોતાના આપઘાત અંગે સ્યુસાઇડ નોટ પણ લખી હતી. જે કેસમાં પોલીસે તપાસ હાથ ધરી હતી. જોકે પોલીસે એફઆઇઆર નહીં નોંધતા મૃતકના પિતાએ હાઇકોર્ટમાં અપીલ કરી હતી. સતત છ વર્ષની કાનૂની લડાઇ બાદ આખરે જલાલપોર પોલીસને ફરિયાદ નોંધવા કોર્ટે તાકિદ કરતા મૃતક છાત્રના પિતાની ફરિયાદના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જૂનાગઢ રહેતા અને મદદનીશ પશુપાલન નિયામક તરીકે દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા અને હાલ નિવૃત્ત ડો.સવજીભાઈ વઘાસીયાએ જલાલપોર પોલીસમાં ફરિયાદ આપતા જણાવ્યું કે તેમનો 26 વર્ષીય દીકરો ચિરાગ વઘાસીયા નવસારી કૃષિ યુનિવર્સિટીમાં ચાર વર્ષનો ફોરેસ્ટ્રીનો કોર્સ કર્યા બાદ ઓક્ટોબર-2018માં એમએસસી ઇન એગ્રો ફોરેસ્ટ્રીમાં પ્રવેશ લીધો હતો. દરમિયાન ચિરાગે પ્રવેશ મેળવ્યા બાદ મેજર ગાઈડ તરીકે ફાળવેલા પ્રાધ્યાપક ડો. દિલેશ્વર નાયકની વર્તણૂક સારી નથી અને તેઓ છાત્રને ખૂબ હેરાન કરતા હોવાની વાત પિતાને ફોન પર કરી હતી. સવજીભાઈએ જણાવ્યું કે તું તારો અભ્યાસ બદલી નાંખ પણ ચિરાગે તેના પિતાને આ વિષયમાં રૂચિ છે અને નોકરીની તક વધુ હોવાનું જણાવી વિષય બદલ્યો ન હતો. ચિરાગને હેરાન કરતા હોવાથી પ્રા.ડો. દિલેશ્વર નાયકને બદલવા એડમિશન કમિટીમાં જણાવ્યું પણ એક જ ગાઇડ બાકી હોય બદલી શકાય તેમ ન હોવાથી મેનેજ કરી લેવાનું કહ્યું હતું. ચિરાગ જ્યારે પણ ઘરે જતો ત્યારે માતા પિતાને તેમના ગાઇડની વર્તણૂક સારી ન હોવાનું અને અભ્યાસમાં ત્રાસ આપી ગમે તે સમયે ફિલ્ડમાં બોલાવી હેરાન પરેશાન કરે છે, જાહેરમાં ભુલો કાઢી અન્ય પ્રાઘ્યાપકો સામે અપમાનિત કરતો હતો અને તું અક્કલ વગરનો છે, મજૂરી કરવાને લાયક છે, તને પરીક્ષામાં પાસ થવા નહીં દઉ, તારું એમ.એસ.સી પૂરું કરવા નહીં દઉ તેમ જણાવતો હતો. ચિરાગે હેડ ઓફ ડિપાર્ટ.ને પણ ગાઇડ બદલવા કહ્યું હતું. ગાઇડ પ્રા. ડો. દિલેશ્વર નાયક સામે અભ્યાસમાં તેમના હેડ ઉપર પણ માનસિક ત્રાસ આપતા હોવાનો મેસેજ કર્યો પણ તેઓએ કાર્યવાહી કરી ન હતી.
તા.28/7/2019ના રોજ ચિરાગે આખરે કંટાળી પિતાને ફોન પર થિયરીની પરીક્ષાના દિવસે જ તેમના ગાઇડે પ્રેઝન્ટેશન ક્લાસમાં હાજરી આપવાનું જણાવ્યું હતું, જેથી હું મારા ગાઇડના ત્રાસથી કંટાળી ગયો છું અને મારે ભણવું નથી તેમ પિતાને જણાવ્યું હતું. પિતાએ તું ચિંતા ન કર ઘરે આવી જા તેવુ આશ્વાસન આપ્યું હતું. જોકે બીજા દિવસે 29/7/19ના રોજ ચિરાગે બોયઝ હોસ્ટેલના રૂમ ન.116માં ચાદર વડે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. ડો.સવજીભાઈ વઘાસીયાએ જણાવ્યું હતું કે, ચિરાગ અમને વારંવાર ફોન કરી ગાઇડ દ્વારા સતત માનસિક ટોર્ચર કરતા હોવાનું જણાવતો હતો અને જેના કારણે જ ચિરાગે આ પગલું ભર્યું હતું. આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપનાર ગાઇડ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ આપી પણ તેઓએ એફઆઇઆર નોંધી ન હતી. જેથી ન્યાય મેળવવા હાઈકોર્ટમાં ગયા અને 6 વર્ષની કાનૂની લડત બાદ કોર્ટે પોલીસને ફરિયાદ નોંધવા માટે આદેશ આપ્યો છે. હવે મારા દીકરાને ન્યાય મળશે.