બાળકો વચ્ચેની લડાઈ બાદ બે સમુદાયના લોકો સામ-સામે આવી ગયા
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
દિલ્હીના વેલકમ વિસ્તારમાં બાળકો વચ્ચેની લડાઈ બાદ બે સમુદાયના લોકો સામ-સામે આવી ગયા હતા. વિવાદ એટલો વધી ગયો હતો કે, બંને સમુદાયના લોકોએ એક-બીજા પર પત્થરમારો કર્યો હતો. આ ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને લગભગ 20 લોકોને કસ્ટડીમાં લીધા હતા. દિલ્હી પોલીસનું કહેવું છે કે, કડક સંદેશ આપવા માટે પોલીસે આ મામલે રમખાણોની ધારાઓ હેઠળ FIR નોંધી છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
બુધવારે રાત્રે દિલ્હીના વેલકમ વિસ્તારના એક પાર્કમાં બે સમુદાયના બાળકો રમી રહ્યા હતા તે દરમિયાન કોઈ વાતને લઈને બાળકો વચ્ચે ઝઘડો થઈ ગયો હતો. જોકે, આ વિવાદ કઈ બાબતને કારણે થયો હતો તે હજુ સ્પષ્ટ નથી થયું. વિવાદ વધ્યા બાદ બાળકોના પરિવારજનો પણ સ્થળ પર એકઠા થઈ ગયા હતા અને થોડીવાર બાદ બંને સમુદાયો વચ્ચે પથ્થરમારો શરૂ થઈ ગયો હતો.
આ વચ્ચે કોઈકે દિલ્હી પોલીસને રાત્રે 10 વાગ્યે સૂચના આપી હતી કે પાર્કમાં બાળકો વચ્ચે ઝઘડો થયો છે. સૂચના મળ્યા બાદ પોલીસની એક ટીમને ઘટના સ્થળ પર મોકલવામાં આવી હતી.