ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથના ગોરખમઢી ખાતે સરસ્વતી વિદ્યામંદિર હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષાના 74માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ફોરેસ્ટ ઓફિસર્સ તેમજ પદાધિકારીશ્રીઓ અને ગ્રામ્યજનોની પણ બહોળા પ્રમાણમાં હાજરી રહી હતી. 74મા તાલુકાકક્ષાના વન મહોત્સવ ઉજવણી નિમિત્તે મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું અને ઓક્સિજનરથને પણ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
આ તકે ઉપસ્થિત તમામને સંબોધન કરતા ફોરેસ્ટ અધિકારી રસીલાબહેન વાઢેરે જણાવ્યું હતું કે, અહીં ઉપસ્થિત તમામ લોકો જો એક છોડનું પણ વાવેતર કરી જતનની જવાબદારી લે તો પૃથ્વીને લીલીછમ બનાવવામાં પોતાનો સિંહફાળો આપ્યા બરાબર છે.વૃક્ષારોપણને નૈતિક જવાબદારી ગણાવતા શ્રી રસીલાબહેન વાઢેરે જણાવ્યું હતું કે, ક્લાયમેન્ટ ચેન્જને કારણે થતી અસરોને ઘટાડવામાં વૃક્ષારોપણ અગત્યનો ભાગ ભજવે છે. જેથી આપણે સૌએ એક સંકલ્પ લેવાની પણ જરૂર છે કે આપણે આજે જે છોડ વાવી રહ્યા છીએ તેને દત્તક લઇને તેનું સાવધાની પૂર્વક અને જવાબદારી નિભાવી જતન કરીએ.