ગિરનાર પર આવતા પ્રવાસીઓને મુશ્કેલીઓ નહીં પડે
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ગિરનાર દર્શને આવતા ભાવિકોને મુશ્કેલીઓ ન પડે તે માટે ગિરનાર સીડી પરના ધંધાર્થીઓ હડતાળ સમેટી પોતાનો વ્યવસાય પુન: શરૂ કરે તે માટે કલેકટરના માર્ગદર્શનમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા વાટાઘાટોથી પ્રયાસ કરી રહ્યા હતા. તેને આજે સફળતા મળી છે. જેથી ગિરનાર પર આવતા પ્રવાસીઓને પણ રાહત મળશે.
હડતાળ પર રહેલા ગિરનાર સીડી પરના ધંધાર્થીઓ સાથે નિવાસી અધિક કલેકટર, પ્રાંત અધિકારી, એસીએફ અરવિંદ ભાલીયા સહિતના અધિકારીઓએ બેઠક યોજી, ગિરનાર પ્લાસ્ટિક મુક્ત રહે તે માટે જરૂરી વાટાઘાટો કરી હતી. પીવાના પાણીના વેચાણ માટે બાયો ડિ ગ્રેડેબલ ટેટ્રાપેક વ્યવસ્થા અમલી બને તે માટે પણ જરૂરી ચર્ચા વિચારણા કરી હતી. પ્રવાસીઓને પણ દુકાનદારો દ્વારા બાયો ડીગ્રેડેબલ ટેટ્રાપેક મળી રહે તે માટે તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે અને ટૂંક જ સમયમાં આ પીવાના પાણી માટેના ટેટ્રાપેક ઉપલબ્ધ કરાવવામાં આવશે.
ગિરનાર સીડી પરના ધંધાર્થીઓએ તંત્રને સહયોગ આપતા અને પ્રવાસીઓને અગવડતા ન પડે તે માટે હડતાળ સમેટવા આજે સહમત થયા હતા. ઉલ્લેખનીય છે કે, પ્રવાસીઓને પીવાના પાણી માટે ગિરનારની નવી સીડી નજીક ગ્લાસની બોટલનો પોઇન્ટ પણ ઊભો કરવામાં આવશે અને 5 નવી ટાંકી પણ વન વિભાગ દ્વારા મૂકવામાં આવી છે.



