ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.30
રાજકોટના શીતળાધાર 25વારીયા મેઈન રોડ હનુમાન મંદિર પાસે રાજકોટ ખાતે કોઈપણ જાતની મેડિકલ ડીગ્રી વગર દવાખાનું ખોલી લોકોની સારવાર કરવાના કેસમાં આરોપી નિપુ કુમોદરંજન મલીકને નિર્દોષ છોડી મૂકવા કોર્ટે હુકમ કર્યો છે.
આ કેસની વિગત મુજબ તા. 8-4-2022ના રોજ રાજકોટ આજી ડેમ પોલીસને બાતમી મળેલી કે આરોપી ડોકટર ન હોવા છતાં શીતળાધાર 25વારીયા મેઈન રોડ હનુમાન મંદિર પાસે રાજકોટ દવાખાનું ખોલી દર્દીઓની સારવાર કરી તેઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતાં હોય જે બાબતની હકીકત પોલીસને મળતાં બનાવવાળી જગ્યાએ પંચોને સાથે લઈ જઈ રેડ કરતાં આરોપી નિપુ કુમોદરંજન મલીક ડોકટરનું રૂપ ધારણ કરી દર્દીઓને એલોપેથિક દવા આપવાનું ઈન્જેકશન આપવાનું તથા બાટલા નજરે પડતાં પોલીસે આરોપી ડોકટરની પાસેથી મેડિકલ પ્રેક્ટિસ કરવાનો આધાર માગતા આરોપી પોતે ડોકટર નથી તેવી વિગત જણાવતા આરોપીની ધરપકડ કરી ફરિયાદ દાખલ કરેલી હતી, ત્યારબાદ આ બોગસ ડોકટર વિરુદ્ધ પૂરતો પુરાવો મેળવી લાગતા-વળગતા સાહેદોના નિવેદનો લઈ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કર્યા બાદ કેસ ચાલતા ફરિયાદી તરફે પંચ સાહેદોને તપાસતા તેના દ્વારા ફરિયાદને લેશમાત્ર સમર્થન મળેલું નહીં તેમજ ઉલટ તપાસમાં ખુદ પોલીસ દ્વારા સ્વીકારવામાં આવેલું કે આરોપી બોગસ ડોકટર બની દર્દીની સારવાર કરે છે તેવી કોઈ ફરિયાદ મળેલી નથી, આજુબાજુના કે સારવાર લીધેલા દર્દીઓના નિવેદનો લીધેલા નથી તેમજ એ વાત સ્વીકારેલું કે આ બોગસ ડોકટર અંગેની જાણ પોલીસે ઓથોરિટીને કરેલી નથી. આમ કે ચાલી ગયા બાદ બંને પક્ષોની દલીલોને ધ્યાને લઈ નામદાર કોર્ટે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કરેલો છે.
આ કામમાં આરોપી વતી રાજકોટના એડવોકેટ હિતેષ આર. ભાયાણી, જયમીન જરીયા તથા લીગલ આસિસ્ટન્ટ તરીકે દર્શીત પાડલીયા, રોનિત ભાયાણી રોકાયેલા હતા.