ભાજપે 195 બેઠકોના ઉમેદવાર જાહેર કર્યા છે જયારે કોંગ્રેસ હજુ 39 પર જ અટકી છે :
દિલ્હીમાં ગુજરાતના 11 નામો પર આજે મહોર લાગે તેવી શક્યતા
- Advertisement -
આગામી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા તેજ બની છે અને આજે ભારતીય જનતા પક્ષની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક ફરી એક વખત મળશે અને તેમાં ગુજરાતની 11 સહિતની દેશની બાકીની 200 બેઠકો માટે ભાજપ ઉમેદવારોની પસંદગી કરે તેવી શકયતા છે. આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે અને તેમની વિદાય બાદ ગુજરાતના નામોની જાહેરાત થાય તેવી ધારણા છે ખાસ કરીને જે રીતે વિપક્ષ દ્વારા આખરી ઘડીના ગઠબંધનો અને ઉમેદવારોની જાહેરાત થઇ રહી છે તે વચ્ચે હવે ભાજપ પર સૌની મીટ છે
પક્ષે મહારાષ્ટ્ર, ઓડિસા, આંધ્રપ્રદેશ, બિહાર, કર્ણાટક, હરિયાણામાં તેના સાથી પક્ષો સાથે બેઠક સમજુતી કરી લીધા હોવાના સંકેત છે. જોકે મહારાષ્ટ્ર હજુ કોકડુ ગુચવાયું છે પરંતુ તે પણ આજે સાંજ સુધીમાં ઉકેલી લેવાશે અને તેમાં નામોની પસંદગી પણ થઇ જશે. ભાજપે 370 બેઠકોનો ટાર્ગેટ રાખ્યો છે અને પક્ષ દ્વારા હજુ 195 બેઠકોના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. ખાસ કરીને અનેક કેન્દ્રીય મંત્રીઓના ભાવિ અનિશ્ચિત છે. પક્ષ દ્વારા હવે આખરી નિર્ણય લેવાશે તેવા સંકેત છે.
બીજી તરફ વિપક્ષોમાં કોંગ્રેસે અત્યાર સુધીમાં ફકત 39 બેઠકોના ઉમેદવારો જાહેર કર્યા છે અને આ પક્ષની પણ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક દિલ્હીમાં મળશે. ગઇકાલ સુધી ગુજરાતમાં ભારત જોડો ન્યાય યાત્રામાં વ્યસ્ત રાહુલ ગાંધીએ આજે એક દિવસનો વિરામ લીધો છે અને તેઓ દિલ્હીમાં પક્ષની ચૂંટણી સમિતિની બેઠકમાં હાજરી આપશે તેવા સંકેત છે. ખાસ કરીને પક્ષે કર્ણાટક, રાજસ્થાન, છતીસગઢ, હરિયાણા, તામિલનાડુ અને મધ્યપ્રદેશ તેમજ ગુજરાત અને મહારાષ્ટ્ર સહિતના તમામ મોટા રાજયોમાં તેના ઉમેદવારો નકકી કરવાના બાકી છે જે 39 ઉમેદવારો જાહેર કર્યા છે તેમાંથી 16 કેરળમાંથી છે, 7 કર્ણાટક, 6 છતીસગઢ અને 4 તેલંગણામાંથી છે.
- Advertisement -
તામિલનાડુમાં તેણે ડીએમકે સાથે ચૂંટણી સમજુતી કરી લીધી છે અને હવે જે રીતે ચૂંટણી જાહેર થવામાં દિવસો ગણાય રહ્યા છે તે સમયે કોંગ્રેસ પક્ષે તેના ઉમેદવારો જાહેર કરવામાં ઝડપ દર્શાવવી પડશે તે નિશ્ચિત બની ગયું છે. અન્ય રાજયોમાં પણ વિપક્ષોએ તેના ઉમેદવારો હજુ મોટા ભાગે જાહેર કર્યા નથી અને તે સ્થિતિમાં ચૂંટણી જાહેર થયા બાદ પણ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ચાલુ રહેશે તેવું માનવામાં આવે છે.
પક્ષે પ્રથમ યાદીમાં 1પમાંથી પાંચને કાપ્યા હોવાથી તે રેશીયો બાકીની યાદીમાં પણ જળવાશે ? મહિલાઓમાં કેટલાને ટીકીટ : અમરેલીના આગેવાન પુરૂષોતમ રૂપાલાને રાજકોટના ઉમેદવાર બનાવાયા હોવાથી આ ક્ષેત્રમાં કોઇ બહારીને પણ તક : ભાવનગરમાં ‘આપ’ના ઉમેદવારના જોર સામે ટકી શકે તેવા મજબુત ઉમેદવાર ગોતવા પડશે
મહેસાણા સહિતની ગુજરાત વિસ્તારની બેઠકોમાં પણ અનેક દાવેદારો મહેસાણા, વડોદરા, સુરતમાં જબરી ટકકર : ત્રીજી વખત ચૂંટણી લડવા માંગતા સાંસદો માટે કદાચ વિદાય જેવી સ્થિતિ : મુખ્યમંત્રી તથા પ્રદેશ પ્રમુખે દિલ્હીમાં રીપોર્ટીંગ કરી દીધુ
આગામી લોકસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની આજે પસંદગી થનાર છે. ગુજરાતની બાકી રહેલી 11 બેઠકો માટે પણ ભાજપ હવે કોને પસંદ કરશે તેના પર સૌની મીટ છે પ્રથમ તબકકામાં 15 બેઠકોમાંથી પાંચ સીટીંગ સાંસદોને પડતા મૂકવામાં આવ્યા હતા અને તેથી હવે બાકીની 11 બેઠકોમાં કોનો ચાન્સ લાગે છે તેના પર મીટ છે. જે બેઠકોના ઉમેદવાર જાહેર થવાના છે.
જુનાગઢ, ભાવનગર, સુરેન્દ્રનગર, અમરેલીનો સમાવેશ થાય છે. જયારે અમદાવાદ પૂર્વ, વડોદરા, સુરત, મહેસાણા, વલસાડ, છોટા ઉદેપુર અને સાબરકાંઠાના ઉમેદવાર નિશ્ચિત થશે. સૌરાષ્ટ્રમાં કેન્દ્રીય મંત્રી મહેન્દ્રભાઇ મુંજપરાને પક્ષ ફરી ટીકીટ આપે છે કે કેમ તેના પર નજર છે. તેની સામે આ બેઠક પર કોળી સમાજના કોઇ અન્ય ઉમેદવારને તક મળશે તેવી અટકળો છે.
જેમાં અનેક નામો પણ સંભળાઇ રહ્યા છે. આ બેઠકમાં કુંવરજીભાઇ બાવળીયાનું સૂચન મહત્વનું બની રહેશે. જુનાગઢ બેઠકમાં પક્ષના વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમા પણ કોળી સમાજમાંથી આવે છે અને ભાવનગરમાં પણ ભાજપને કોળી અથવા ક્ષત્રિય સમાજમાંથી ઉમેદવાર પસંદ કરવાના રહેશે. આમ ત્રણ બેઠકોમાં પક્ષ બે કોળી સમુદાય અને એક ક્ષત્રિય સમુદાયને ફાળવે તેવી ધારણા છે. ભાવનગર માટે સૌથી વધુ કસ્મકસ દેખાઇ રહી છે. જયાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશભાઇ મકવાણાએ લાંબા સમયથી પોતાનો પ્રચાર શરૂ કરી દીધો છે અને તેઓ કોળી સમુદાયમાંથી આવે છે.
બોટાદના ધારાસભ્ય તરીકેની તેની કામગીરી પણ આસપાસના વિસતારોમાં અસર કરી રહી છે અને તેથી ભાજપ આ બેઠક પર મહિલા સાંસદ અને પક્ષના સંગઠનના પદાધિકારી ડો.ભારતીબેન શિયાળને ફરી અજમાવે છે કે કેમ તેના પર નજર છે. જોકે એક નામમાં રાજુલાના ધાસરાભ્ય હીરાભાઇ સોલંકીની ચર્ચા છે. જયારે વિકલ્પમાં રાજયના મંત્રી પુરૂષોતમ સોલંકીના પુત્રી દિપા સોલંકી ઉપરાંત નીમુબેન બાંભણીયા કે જેઓ પૂર્વ મેયર છે. તે ઉપરાંત પૂર્વ ધારાસભ્ય ભાવનાબેન મકવાણા અને જો આશ્ચર્ય સર્જાય તો વડાપ્રધાનની નજીક રહેલા બાબુભાઇ જેબલીયાનું નામ ચર્ચામાં છે. અમરેલી બેઠક માટે પક્ષ પાટીદાર સમુદાય માટે કોઇને પસંદ કરી શકે છે.
સુત્રોના જણાવ્યા મુજબ આ બેઠક લડવા માટે છેક સુરતથી પણ જબરૂ લોબીંગ થઇ રહ્યું છે. તે સમયે આ જિલ્લાના એક નેતા પરસોતમભાઇ રૂપાલાને રાજકોટ સંસદીય મત વિસ્તારમાં ચૂંટણી લડાવતા હવે અમરેલીમાં કોઇ બહારના ચહેરાને પણ ટીકીટ આપે તો શકયતા નકારાતી નથી. જયારે સુરતમાં વર્તમાન સાંસદ દર્શનાબેન જરદોશ ઉપરાંત પૂર્વ મેયર હેમાલીબેન બોઘાવાલા ભાજપ પ્રમુખ નીતિનભાઇ ભજીયાવાલા, રણજીતભાઇ ગીલીટવાલા, પૂર્વ ધારાસભ્ય ઝંખનાબેન પટેલે દાવેદારી કરી છે.
મહેસાણામાં પૂર્વ મંત્રી રજની પટેલ સૌથી ફેવરીટ ગણાય છે. ઉમીયા ધામના અનેક અગ્રણીઓ પણ ચૂંટણી લડવા આતુર છે તે સમયે કે.સી.પટેલ પોતાની ટીકીટ બચાવી શકે કે કેમ તે પ્રશ્ન છે. આ બેઠક ઉપર પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પોતાની ઉમેદવારી પાછી ખેંચવી પડે તે દર્શાવે છે પક્ષે ઉમેદવારી નકકી કરી લીધી છે. વડોદરામાં વર્તમાન સાંસદ રંજનબેન ભટ્ટ મુખ્ય દાવેદાર છે. વલસાડ અને છોટા ઉદેપુરમાં પણ જબરી કસ્મકસ છે.