ધોરાજીની બેઠક ભાજપનાં હાથમાંથી ફરી એક વખત સરકી રહી હોય તેવો માહોલ
ધોરાજીમાં ભાજપનાં ઉમેદવાર મહેન્દ્ર પાડલિયાને કોઈ ઓળખતું સુદ્ધાં નથી!
- Advertisement -
સભા ફ્લોપ કરાવીને પાડલિયાએ મહાનેતા મોદીનું પણ કર્યું અપમાન
ખાસ-ખબર સંવાદદાતા
ગતરોજ ધોરાજી ખાતે યોજાયેલી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જનસભામાં ખુરશીઓ ખાલી રહી હોવાનો વિડીયો સામે આવ્યો છે. ભાજપ ઉમેદવાર મહેન્દ્ર પાડલીયા માટે નરેન્દ્ર મોદી પ્રચાર કરવા માટે ધોરજીમાં આવ્યા હતા. ધોરાજીમાં નરેન્દ્ર મોદીની જનસભામાં અહી એક લાખ લોકોને ભેગા કરવાનો ટાર્ગેટ હતો પરંતુ વાસ્તવિકતામાં દસ હજાર જેટલા જ લોકો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સભામાં આવ્યા હતા. આ અંગે એવું ચર્ચાઈ રહ્યું છે કે, ધોરાજીની જનતા આયાતી ભાજપ ઉમેદવાર મહેન્દ્ર પાડલીયાને સ્વીકારવા તૈયાર નથી. નરેન્દ્ર મોદીની જનસભામાં ખાલી ખુરશીઓથી ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. નરેન્દ્ર મોદીનું ભારે અપમાન થયું છે એટલું જ નહીં જનસમર્થન મેળવવામાં મહેન્દ્ર પાડલીયા નિષ્ફળ રહ્યા છે. ગત વિધાનસભા ચૂંટણીની જેમ આ વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપના ઉમેદવારની ધોરાજીમાંથી હાર નિશ્ચિત છે એવું ચર્ચાઈ રહ્યું છે.
મહેન્દ્ર પાડલીયાએ સંગઠનને એક લાખ લોકો ભેગા કરવાનું સપનું બતાવ્યું હતું
ધોરાજીમાં નરેન્દ્ર મોદીની સભામાં એક લાખ લોકો એકઠા થશે એવું સપનું ધોરાજીના ભાજપ ઉમેદવાર મહેન્દ્ર પાડલીયાએ સંગઠનને બતાવ્યું હતું અને મોટા ઉપાડે ધોરાજીમાં નરેન્દ્ર મોદીની જનસભા ગોઠવાવી હતી પરંતુ ધોરજીમાં મહેન્દ્ર પાડલીયાને કોઈ ઓળખતું નહોય, નરેન્દ્ર મોદીની જનસભા વખતે 2 ટ્રકો ભરીને ખુરશીઓ તો રિટર્ન મોકલાઈ હતી. એવી ચર્ચા એ છે કે આઈબીના રિપોર્ટ પ્રમાણે માત્ર દસેક હજાર લોકો જ સભામાં હાજર હતા. ખાલી ખુરશીઓની લાઈનો જોઈને જ મોદી અકળાઈ ગયા હતા.
- Advertisement -
ખુરશીઓ ખાલી રહેવા પાછળ આયાતી ઉમેદવાર મહેન્દ્ર પાડલિયા જવાબદાર
ધોરાજીમાં નરેન્દ્ર મોદીની જનસભામાં આમ તો શરૂઆતથી જ ખુરશીઓ ખાલી હતી. છેલ્લે સુધી એવું કહેવાતું હતું કે, મોદી આવશે એટલે જનમેદની ઉમટી પડશે પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આવ્યા બાદ અને સંબોધન શરૂ થયા બાદ પણ મંડપના પાછલા ભાગમાં રીતસરના કાગડા ઉડતા હતા. કહેવાય છે કે, નરેન્દ્ર મોદીની આ જનસભામાં ઉડીને આંખે વળગે એવી જનતાની ગેરહાજરી પાછળ એકમાત્ર મહેન્દ્ર પાડલીયા જવાબદાર છે.