ભાવનગર: દેશભરમાં ખેડૂતો દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા અમલી બનાવાયેલા 3 કૃષિ બીલનો ભારે વિરોધ કરી રહ્યા છે. ત્યારે ભાવનગર માર્કેટિંગયાર્ડ ખાતે આજે કિસાન મોરચા દ્વારા કૃષિ બીલના સમર્થનમાં સહી ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો તેમજ ભાજપ શહેર પ્રમુખ સહિતના કાર્યકરો પણ જોડાયા હતા.

કેન્દ્ર સરકારે અમલી બનાવેલા કૃષિ બીલનો વિવિધ રાજકીય પક્ષો દ્વારા અપપ્રચાર કરતા દેશભરના વિવિધ રાજ્યોના ખેડૂતો ગેરમાર્ગે દોરાઈ જઇ આંદોલન પર ઉતરી આવ્યા છે અને દિલ્લીની સરહદ પર આંદોલન કરી રહ્યા છે. ત્યારે આજે ભાવનગર ખાતે કેન્દ્ર સરકારના કૃષિ બીલના સમર્થનમાં સહી ઝુંબેશના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કિસાન મોરચા દ્વારા આયોજિત આ સહી ઝુંબેશમાં મોટી સંખ્યામાં જિલ્લામાંથી ખેડૂતો ઉમટી પડ્યા હતા અને બેનર પર સહી કરી કેન્દ્રના કૃષિબીલને ખેડૂતોના હિત માં છે તેમ જણાવ્યું હતું.સહી ઝુંબેશના આ કાર્યક્રમમાં ભાજપ શહેર પ્રમુખ સહિતના લોકો પણ જોડાયા હતા