ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ પરંપરાગત ચિકિત્સા પ્રણાલીને પ્રોત્સાહન મળે અને લોકો યોગ-આયુર્વેદ અપનાવે તેવા આશય સાથે જૂનાગઢમાં આયુષ મેળો યોજાયો હતો.જેમાં આયુર્વેદ, હોમિયોપેથી પદ્ધતિથી નિદાન સારવાર કેમ્પ રાખવામાં આવ્યો હતો. જેનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. શહેરના ભૂતનાથ મહાદેવ મંદિર પરિસરમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમરની અધ્યક્ષતા સ્થાને આયોજિત આયુષ મેળામાં યોગ, આયુર્વેદ, હોમિયોપેથી, આહાર, દિનચર્યા ઋતુચર્યા, પંચકર્મ વગેરે બાબતોને આવરી લેતું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું.આ પ્રસંગે હરેશભાઈ ઠુંમરે જણાવ્યું હતું કે, પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણના પરિણામે ભારતના લોકોના આરોગ્યને વિપરીત અસરો થઈ છે, ત્યારે આરોગ્ય પ્રત્યે વિશેષ સજાગ બનવાની જરૂર છે. આપણા ખાનપાનમાં ફેરફાર કરીને પ્રણાલીગત આહાર અપનાવવાની જરૂરિયાત છે. ખાનપાનની ખરાબ આદતો અને વ્યસનોના લીધે લોકો ગંભીર રોગોના ભોગ બન્યા છે. ત્યારે આરોગ્ય માટે કાળજી લેવી ખૂબ આવશ્યક છે. આ સાથે તેમણે વેદ સાથે જોડાયેલા આયુર્વેદને પ્રવર્તમાન ભારત સરકાર ખૂબ પ્રોત્સાહન આપી રહી છે તેમ ઉમેર્યું હતું.
જૂનાગઢમાં આયુર્વેદ, હોમિયોપેથી પદ્ધતિનો નિદાન કેમ્પ યોજાયો
