લતીપર રોડ ઉપર બિલ્ડરો લાંબા સમયથી પાણી ચોરી કરતા હોવાના દાવા સાથે જન આક્રોશ: પાણી ચોરીના મહત્વના મુદ્દે હજુ પાલિકાના જવાબદારો અસમંજસમા, પગલાં લેવામાં પાલિકાનો પન્નો ટુંકો પડે તો નવાઈ નહીં
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.23
- Advertisement -
ટંકારા શહેર છતે પાણીએ કાળઝાળ ઉનાળાના દિવસોમા પાણી માટે બોકાસા પાડી રહ્યુ છે. ત્યારે આજે (ગુરૂવારે) ટંકારા નગરપાલિકાના વોટરવર્કસ સ્ટાફે દરોડો પાડી શહેરના લતીપર રોડ પર તાલુકા પંચાયત સામે વિકસેલી ઈન્દ્રપ્રસ્થ -3 સોસાયટીમા બિલ્ડરો એ રાજકીય જોરે મોરબી થી જામનગર જતી નર્મદા ની મુખ્ય પાઈપલાઈન માથી ટંકારા શહેરને પીવાનું પાણી પુરૂ પાડતી લાઈનમા ભંગાણ કરી ગેરકાયદેસર 3 ઈંચ નુ જોડાણ લઈ લાંબા સમયથી પાણી ચોરી કરી રહ્યાનુ અને પાણી ચોરી કરાતી હોવાની હકીકત પાલિકા સામે આવી હોવાનુ જાણવા મળેલ છે. પાણી ચોરી ના વાવડ મળતા શહેરભરમાંથી લોકો સ્થળે પહોંચી ભારે આક્રોશ ઠાલવી રહ્યા નુ જાણવા મળ્યુ છે. જાણવા મળ્યા પ્રમાણે હાલ પાલિકાએ ગેરકાયદેસર જોડાણ કટ કરી ડટ્ટો મારી દીધો છે. હવે જોવાનુ એ રહ્યુ કે, તંત્ર આકરા પગલા લેશે કે માત્ર રોજકામ કરી ઘુંટણીયા ટેકવી દેશે એ આગામી સમયમા જાણવા મળશે.
ટંકારામા છેલ્લા એક વર્ષથી નગરપાલિકા કાર્યરત છે. અહીંયા તળમા મીઠુ પાણી ન હોવાથી વર્ષોથી નર્મદા આધારીત પાઈપ લાઈન વાટે ટંકારા ને પાણી વિતરણ થાય છે. હાલ ઉનાળાની કાળઝાળ સિઝન હોવાથી પાણી નો વપરાશ વધવો સ્વભાવિક છે. હાલ આખા નગરમા પાંચ -છ દિવસે એક વખત માત્ર 30 મિનીટ પાણી અપુરતા ફોર્સ થી મળતુ હોવાથી દરરોજ ની પ્રજાજનો ની કાગારોળ થી વોટરવર્કસ સ્ટાફે ચેકીંગ હાથ ધરી શહેરના લતીપર રોડ પર તાલુકા પંચાયત સામે વિકસેલી ઈન્દ્રપ્રસ્થ -3 સોસાયટી માથી પસાર થતી મોરબી થી જામનગર જતી નર્મદા ની પાઈપલાઈન મા એરવાલ્વ પાસેથી ટંકારા શહેરને પાણી વિતરણ કરતી મુખ્ય પાઈપલાઈન મા ભંગાણ કરી ગેરકાયદેસર રીતે બાકોરૂ પાડી સોસાયટી ના બિલ્ડરો એ રાજકીય જોરે જોડાણ લઈ લીધુ હોવાનુ અને તપાસમા તથ્ય હોવાનુ જાણવા મળેલ છે. જાણવા મળ્યા પ્રમાણે જયા પાણી ચોરી થઈ રહી છે ત્યા જમીન ખોદી ચેક કરાતા લાંબા સમયથી પાણી ચોરી થતી હોવાનો પડદો ચિરાયો હોવાનુ સામે આવ્યુ હોવાનુ બહાર આવ્યુ છે. પાણી માટે વલખા મારતા નગરજનોને ખબર પડતા અનેક લોકો સ્થળ પર જોવા દોડી ગયા હતા.
ટંકારાના હિસ્સાનુ પાણી બારોબાર પગ કરી જતુ હોવાથી લોકો ભારે આક્રોશ વ્યક્ત કરી રહ્યા હતા. હાલ, પાલિકાએ સોસાયટી ના ગેરકાયદેસર જોડાણ ને કાપી ડટ્ટો મારી દેવાયા નુ પાલિકાના સુત્રો માથી જાણવા મળ્યું છે. અને પંચો સાથે રોજકામ કરવા તૈયારી બતાવી છે. આ મુદ્દે નગરપાલિકા ના એન્જીનિયર વિવેક ગઢીયા નો સંપર્ક કરાતા તેઓએ હાલ ભંગાણ થયુ છે. સોસાયટી નો વાલ્વ મળ્યો હોવાનુ કહી ખોદકામ કર્યે હકીકત સામે આવવા નુ કહી વધુ માહિતી પછી આપવાનુ કહી વાત ટાળી દેતા એનો પન્નો ટુંકો પડી રહ્યા નુ પામી શકાયુ છે. હાલ જવાબદોરો સ્પષ્ટતા થી આ મુદ્દે વાત ન કરતા હોવાથી હવે, સવાલ એ ઉઠે છે કે, અહીંયા પાલિકા પાણી ચોરી માટે કડક વલણ દાખવી ફરીયાદ નોંધાવશે કે ઘુંટણીયા ટેકવી દેશે? એ ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની છે.