શહેરમાં બાળકો પર કાકાના દીકરાએ એસિડ એટેક કર્યો હતો. જેમાં ત્રણ નાના બાળકો સહિત ચાર લોકો દાઝી ગયા છે. એસિડ મોઢા પર ઉડતાં બે બાળકીઓ અને બાળકના ચહેરા અત્યારે ખૂબ જ ખરાબ થઈ ગયા છે. પરિવારની હત્યાના ઇરાદે બાળકો પર એસિડ એટેકની ગંભીર ઘટના હોવા છતાં માધવપુરા પોલીસ સ્ટેશનના પીઆઇ મહાવીરસિંહ બારડ અત્યારે આરોપીઓ સુધી પહોંચી શક્યા નથી અને પોતાની કેબીન બંધ કરી અને અન્ય કેસોની સ્ટડી કરવા લાગ્યા છે. બાળકો પર એસિડ ફેંકવાની ઘટનાને તેઓ એકદમ સરળ રીતે લીધી છે અને 48 કલાક બાદ તેઓ આરોપી સુધી પહોંચ્યાં નથી.

માધવપુરા વિસ્તારમાં આવેલા લાખાજી કુંવરની ચાલીમાં રહેતા દંતાણી પરિવારના ઘરના ઝઘડામાં બાળકો પર એસિડ એટેકની ઘટના બની છે. માધવપુરા પોલીસ સ્ટેશનથી માત્ર 100 મીટર દૂર ચાલીમાં બનેલી ઘટનામાં બાળકોના ચહેરા એસિડ ઉડતાં ખરાબ થઈ ગયા છે. છતાં માધવપુરા પીઆઇ મહાવીરસિંહ બારડ ઘટનાને ગંભીરતાથી લીધી ન હતી અને બે દિવસ વીતી ગયા છતાં તેઓ બે આરોપી સુધી પહોંચવા રસ દાખવ્યો નથી. પોતાની ચેમ્બર બંધ કરી અને પોતે અન્ય કેસની સ્ટડી કરવા માટે બેસી ગયા છે જો કે બપોરે આરામનો સમય હોય સ્ટડી કરવા બેસયા હોય તે વાત ગળે ઉતરતી નથી. એકતરફ જ્યારે આવી ઘટના બને તેમાં આરોપી સુધી પહોંચવાની જરુર છે ત્યારે પોલીસ માત્ર હાથ પર હાથ ધરીને બેઠી છે.

માધવપુરામાં આવેલા મહેંદીકુવા વિસ્તારમાં મકાન ખાલી કરાવવા બાબતે નાના બાળકો અને મહિલા પર એસિડ એટેકની ઘટના બની હતી. કૌટુંબિક ભાઈઓએ મકાન ખાલી કરાવવા બાબતે બોલાચાલી ઝઘડો કર્યા બાદ વહેલી સવારે બારીમાંથી એસિડ ફેકયું હતું. જેમાં પાંચ અને આઠ વર્ષની બંને બાળકીના ચહેરા પર એસિડ ઉડતા તેઓના ચહેરા અને આંખ પર દાઝી ગઈ હતી. અન્ય એક બાળક અને તેની માતા પર પણ એસિડ ઉડતા તેઓન દાઝી જતા તમામને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એસિડ એટેક થતા બંને બાળકીના ચહેરા અત્યારે બગડી ગયા છે.

કૌટુંબિક ઝઘડામાં બંને માસુમ બાળકોના ચહેરા બગડ્યા હતા
લક્ષ્મીબેન, તેમની પાંચ અને આઠ વર્ષની દીકરી તેમજ 10 વર્ષના દીકરા પર એસિડ ઉડયું હતું. તમામના ચહેરા પર એસિડ ઉડતા તેઓ દાઝી ગયા હતા. બે નાની છોકરીઓના ચહેરા પર એસિડ વધુ ઉડતા તેઓના ચહેરા ખરાબ થઈ ગયા હતા. કૌટુંબિક ઝઘડામાં બંને બાળકીઓને ચહેરા બગડ્યા હતા. તમામને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. માધવપુરા પોલીસે આ મામલે હત્યા પ્રયાસ સહિતનો ગુનો નોંધ્યો છે. જો કે હજી સુધી એકપણ આરોપીની પોલીસ ધરપકડ કરી શકી નથી.