ખાસ-ખબરનો વિશેષ અહેવાલ (ભાગ-2)
ધંધામાં રાજકારણનો પગપેસારો થતાં જ ભેળસેળ કૌભાંડ શરૂ થયું
- Advertisement -
સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતા કોલસાના ગેરકાયદે ખનન વર્ષ 1995થી શરૂ ત્યાં બાદ વર્ષ 2000માં રાજકારણનો પ્રવેશ થયો આ સમયે થાનગઢ પંથકમાંથી કૂવા મારફતે કાઢવાના આવતો કોલસો 500 રૂપિયા પ્રતિ ટનના ભાવે વેચાણ થતો હતો. ગુજરાત ઇલેક્ટ્રીસિટી બોર્ડમાં પાવર ઉત્પન્ન કરવા માટે વિદેશી કોલસાની આયાત કરવામાં આવતી આ વિદેશી કોલસો મુખ્યત્વે મોરબીના નવલખી બંદર પર ઉતરતો હતો અને ત્યાંથી ટ્રાન્સપોર્ટ મારફતે પુરવઠો ઉત્પન્ન કરવા માટે અન્ય સ્થળો પર ખસેડાયો હતો. પરંતુ જેમ કોઈપણ સરકારી સહાય અથવા યોજનામાં રાજકારણીઓના પ્રવેશથી જ કૌભાંડની શરૂઆત થાય છે તેમ થાનગઢ ખાતેથી ગેરકાયદે કોલસા ખનન પ્રકરણમાં પણ રાજકારણની એન્ટ્રી થતાં જ કોલસામાં ભેળસેળ થવા લાગી હતી હૈ થાનગઢના કોલસાને ગેરકાયદે ખનન કરી તેને માળિયા આજુબાજુ લઇ જવામાં આવતો અને નવલખી બંદર પરથી આવતા મોંઘભાવના વિદેશી કોલસાને વાહનમાંથી કાઢી તેના બદલે થાનગઢનો કોલસો ભેળસેળ કરી વીજ પુરવઠો ઉત્પન્ન કરવા મોકલવામાં આવતો હતો. જોકે આ કોલસાના ભેળસેળ કૌભાંડ આખરે ઝડપાયું અને ધારાસભ્યના પુત્ર સહિતનાઓ નામ આ કૌભાંડમાં સામે આવ્યા હતા.
વર્ષ 2004માં સરકારના નિયમો બદલાયા અને કૂવા મારફતે ચાલતા કોલસાની ખાણોને બંધ કરી ઓપન કટિંગ કરવા તથા કોલસાની લીઝ ધારકોએ દર વર્ષે હેકટર દીઠ રૂપિયા 50 હાજર સરકારને ભરવાના આદેશ થયો આ સમયે કોલસાની લીઝ ધારકો દ્વારા સરકારના કડક નિયમો સામે વિરોધ પર કર્યો અને કેટલાક લીઝ ધારકો પોતાની લીઝ સરકારને પરત પણ કરી હતી. પરંતુ નવા નિયમો સામે વિરોદ્ધ દર્શાવતા લીઝ ધારકો સામે સરકારે જરાપણ કૂણું વલણ દાખવ્યું નહિ. જેના લીધે લગભગ 20થી 25 લીઝ ધારકો દ્વારા પોતાની લીઝ તંત્રને સુપ્રત કરી હતી. જોકે આ સમયે લીઝ પરત કરનાર તમામે લીઝ રાખીને સરકારી નિયમો અનુસાર ચાલવું તેના કરતાં લીઝ પરત કરી કોલસાનું ગેરકાદેસર ખનન કરવું વધુ પસંદ કર્યું હતું.
લીઝ ધારકો દ્વારા લીઝ પરત કરી શરૂ સરકારી નવા નિયમો મુજબ કૂવા અને સુરંગ થકી કોલસા ખનન પર પ્રતિબંધ અને ઓપન કતિંગથી ખનન શરૂ કરવાના નિયમોનું પણ ઉલંઘન થવા લાગ્યું જોકે આ સુરંગો જ ગેરકાયદેસર ચાલતી હોવાથી ગેરકાયદેસર કોલસા ખનન પ્રક્રિયામાં અનેક વખત દરોડા પણ થયા જેમાં દરેક દરોડા દરમિયાન રાજકીય નેતાઓના ફોન ગાજતા અને મહામહેનતે ઝડપી પાડેલા ભૂમાફિયાઓ સ્થળ પર જ છોડી મૂકવા પડતાં હતા. જેથી તંત્ર પણ સમજી ગયું હતું કે મહેનત કરી રાજકીય ભલામણો રાખવી તેના કરતા વહીવટનો ખેલ પડવો વધુ સારો રહેશે જેથી એક બાદ એક કોલસાની ગેરકાયદેસર ખાણોના માલિકો સાથે બેઠકોનો દોર શરૂ થયો હતો. કોલસાનું ગેરકાદેસર ખનન કરતા ભૂમાફિયા અને તંત્ર વચ્ચે હવે રાજકારણ પણ હતું. જેથી દિવસેને દિવસે કોલસાની માંગ સાથે ગેરકાયદે ખાણો પણ વધવા લાગી હતી. એક સમયે આંગળીના ટેરવે ગણી શકાય એટલી કોલસાની ગેરકાયદે ખાણો દિવસો અને મહિનાઓ વીત્યાં બાદ તમામ આંગળીના વેઢા ઓછા પડે એટલી વધવા લાગી હતી.