જુગારીયાને છોડાવવા બાબતે ભાજપના આગેવાનોએ કરેલી માથાકૂટ બાદ PIની બદલી કરાતા લોકોમાં ઉગ્ર રોષ
અનુ. જાતિના લોકોને રેલી યોજીને મામલતદારને આવેદન આપ્યું
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
હળવદ તાલુકાના રણમલપુર ગામેથી ઝડપાયેલ જુગારના આરોપીને તાત્કાલિક છોડવા મામલે થયેલ રકઝક બાદ ભાજપના આગેવાનો અને તેમના સમર્થકો પીઆઈ વિરૂદ્ધ રજૂઆત કરવા ગાંધીનગર ગૃહમંત્રી પાસે દોડી ગયા હતા ત્યારે મોરબી જિલ્લા પોલીસ વડાએ પીઆઈ છાસિયાની હળવદથી લીવ રિઝર્વમાં બદલી કરી નાખતા હળવદ પંથકમાં ગરમાવો જોવા મળ્યો છે અને હળવદ તાલુકાના અનુસૂચિત જાતિના લોકોએ ભારે રોષ સાથે બદલી રોકવા મામલે ડોક્ટર આંબેડકર સર્કલથી રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. હળવદના રણમલપુરમાં થોડા સમય પહેલા એલસીબીએ જુગારની રેડ કરી હતી જેમાં 10 જુગારીઓ પકડાયા હતા અને ત્રણ શખ્સો ભાગવામાં સફળ રહ્યાં હતા જે જુગારીઓને છોડાવવા માટે ભાજપના આગેવાનોએ પીઆઈ કે એમ છાસિયા સાથે માથાકુટ કરી હતી ત્યારે પીઆઈ દ્વારા ભાજપ નેતાઓની ભલામણની લાજ નહીં રાખવામાં આવતા આખરે ભાજપના આગેવાનોએ પીઆઈની બદલી માટે ગૃહમંત્રી સુધી તાર લંબાવ્યા હતા જોકે એ રજૂઆત પંદર દિવસ બાદ ફળી અને મોરબી જીલ્લા પોલીસ વડાએ હળવદ પીઆઈ કે. એમ. છાસીયાને હળવદથી બદલી કરીને લીવ રિઝર્વમાં મૂકી દીધા છે અને હળવદ પીઆઈનો ચાર્જ એલસીબી પીઆઈ ડી એમ ઢોલને સોંપવામાં આવ્યો છે ત્યારે જુગાર બાબતે ભલામણ નહીં રાખતા રાજકીય કિન્નાખોરી રાખીને હળવદ પીઆઈની બદલી થતા હળવદ તાલુકા અનુસૂચિત જાતિના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને ડોક્ટર બાબાસાહેબ આંબેડકર સર્કલથી મામલતદાર કચેરી સુધી રેલી યોજીને મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને બદલી રોકવા રજૂઆત કરી હતી તેમજ આગામી દિવસોમાં માંગ સંતોષવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી.