2014માં સંતકબીર રોડ ઉપર ચિકિત્સાલયમાં દર્દી બની આવેલા શાર્પ શૂટરે પોઈન્ટ બ્લેન્કથી ફાયરિંગ કર્યું હતું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આસારામ બાપુ વિરુદ્ધ નોંધાયેલા કેસના સાક્ષીની હત્યા કર્યાંના ગુનામાં આરોપીને 10 વર્ષ બાદ રાજકોટ ક્રાઈમ બ્રાંચે કર્ણાટક સ્થિત આશ્રમમાંથી દબોચી લઈ વધુ તપાસ માટે સીઆઇડી ક્રાઈમને સોંપી દીધો છે જે તે સમયે આરોપી કિશોર આસારામ વિરુદ્ધ બોલનાર પર હુમલા કરતો હતો સુરતમાં વર્ષ 2014માં તેના વિરુદ્ધ હત્યાની કોશિશના બે સહિત 3 ગુના દાખલ થયા હતા. આસારામ વિરુદ્ધ બયાનબાજી કરનાર ઉપર એસીડ એટેક અને છરીથી હુમલો કર્યો હતો કિશોરે હત્યાને અંજામ આપી વડોદરા, સુરત, મહારાષ્ટ્ર અને કર્ણાટકના આશ્રમમાં આશરો લીધો હતો આસારામ બાપુ વિરુદ્ધ નોંધાયેલા કેસોમાં સાક્ષીઓની હત્યા થઈ હતી જે પૈકી રાજકોટમાં અમૃત પ્રજાપતિનું મર્ડર થયું હતું. જે ગુનામાં 10 વર્ષથી નાસતો ફરતો મહારાષ્ટ્રનો આરોપી કિશોર બાલકૃષ્ણ બોડકે ઉ.37 કર્ણાટકના આશ્રમ ખાતે છુપાયેલો હોવાની બાતમી મળતા રાજકોટ શહેર ક્રાઈમ બ્રાંચની ટીમે કર્ણાટક પહોંચી સાધક – સેવક બની આશ્રમમાંથી જ આ આરોપીને દબોચી લીધો હતો.
- Advertisement -
પોલીસે જણાવ્યું કે, રાજકોટ શહેરમાં સને વર્ષ-2014માં બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ હોય જે મર્ડરના ગુનાની તપાસ તપાસ સી.આઇ.ડી.ક્રાઈમ, ગાંધીનગર ખાતે ચાલુ હોય જે ગુનાનો આરોપી વોન્ટેડ હતો. જે આરોપી ગુજરાતમાં તથા અન્ય રાજયમાં આવેલા આશારામના આશ્રમમાં રહેતો હતો. તે પૈકી કર્ણાટકમાં આવેલ આશારામ આશ્રમ ખાતે હોવાની હકિકત મળેલ હોય જેથી ડી.સી.બી. પોલીસની અલગ અલગ ટીમો બનાવી કર્ણાટક ખાતે રવાના કરી હતી કર્ણાટક ખાતે ટીમના માણસો એ.એસ.આઇ. જલદિપસિંહ વાઘેલા, હેડ કોન્સ. સુભાષભાઈ ઘોઘારી, વિજયરાજસિંહ જાડેજા, કોન્સ્ટેબલ અર્જુનભાઇ ડવ, સંજયભાઈ ખાખરીયાએ અલગ અલગ વિસ્તારમાં ફરી પ્રથમ આશ્રમ શોધી કાઢ્યો હતો જે આશ્રમમાં સેવા કરતા માણસો રહેતા હોવાની માહિતી મેળવી હતી. આરોપી આશ્રમમાં હાજર હોવાની ખાત્રી કરવા પોલીસ કર્મીઓએ આશ્રમમાં સેવક તરીકે જોડાઇ આરોપીની ખરાઇ કરી અને ત્યારબાદ આશ્રમમાં વોન્ટેડ આરોપીને શોધી કાઢ્યો હતો તેને આશ્રમમાંથી પકડી તેના વિરૂદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે રાજકોટ શહેર ખાતે લાવવામાં આવ્યો હતો. આ આરોપી વિરૂદ્ધ હત્યાનો ગુનો રાજકોટ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયો હતો. પણ આ ગુનાની તપાસ સી.આઇ.ડી. ક્રાઈમ દ્વારા કરવામાં આવી રહી હોવાથી આરોપીને સી.આઇ.ડી. ક્રાઈમમાં સોંપવા તજવીજ કરવામાં આવી હતી આ કામગીરી ડીસીપી ક્રાઈમ ડો. પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ પીઆઇ એમ.આર. ગોંડલીયા, એલ.એલ. ડામોર, સી.એચ. જાદવ, પીએસઆઈ એ.એન.પરમાર, એમ.કે. મોવલીયા, એ.એસ.આઇ.જલદિપસિંહ વાઘેલા, પો.હેડ કોન્સ. સુભાષભાઈ ઘોઘારી, વિજયરાસિંહ જાડેજા, કોન્સ. અર્જુનભાઇ ડવ, સંજયભાઈ ખાખરીયા દ્વારા કરવામાં આવી હતી.
આશ્રમમાં મોબાઈલ કાઢવો પણ મુશ્કેલ હતો : ઓળખ છુપાવવા પોલીસે મરાઠીમાં વાતો કરી
રાજકોટ શહેર ક્રાઈમ બ્રાંચની ટીમ પાંચ દિવસ સુધી કર્ણાટકમાં આસારામના આશ્રમમાં વેશ પલટો કરી સેવક બનીને રહી હતી. આશ્રમમાં મોબાઈલ કાઢવો પણ મુશ્કેલ હતો. જેથી કોઈ ફોટો પાડવો અતિ મુશ્કેલ હતો. એમાં પણ સૌથી મોટી મુશ્કેલી ઓળખ થઈ ન જાય તેની હતી. જો કોઈ સાધકને ખબર પડી જાય કે, આ પોલીસની ટીમ છે અને ગુજરાતથી આવેલ છે. તો આરોપીને પકડવાનો પ્લાન તો નિષ્ફળ જાય સાથે અન્ય સાધકો શું વ્યવહાર કરે તે પણ નક્કી નહોતી. જીવના જોખમે સાહસ પૂર્ણ રીતે ક્રાઈમ બ્રાન્ચની ટીમે કામગીરી કરી. પોલીસ કર્મી મરાઠી ભાષામાં જ વાતો કરતા હતા.
અમૃત પ્રજાપતિ આશ્રમમાં જ વૈદ્ય હતા, યૌન શોષણ કેસમાં આસારામ વિરુદ્ધ જુબાની આપી હતી
હત્યાનો ભોગ બનનાર વૈધ અમૃત પ્રજાપતિની જે દિવસે હત્યા થઇ તે દિવસે શુક્રવાર હતો. આસારામ આશ્રમમાં સેવા આપનાર વૈધ દર મહિનાના બીજા અને ચોથા શુક્રવારે અમદાવાદથી રાજકોટ સેવા આપવા આવતા હતા. રાજકોટમાં સંતકબીર રોડ ઉપર આવેલ ઋષિ ભવન નામના ચિકિત્સાલયમાં 25 મેં 2014ના રોજ આશારામ યૌન શોષણ કેસના સાક્ષી અમૃત પ્રજાપતિની હત્યા થઈ હતી. મૃતક વૈધ હોવાથી આરોપી દર્દીનો સ્વાંગમાં આવ્યા હતા અને શાર્પ શુટરે પોઈન્ટ બ્લેન્ક રેંજથી ગોળી ધરબી દીધી હતી.