ખાસ-ખબર સંવાદદાતા
કોરોનાકાળે વિશ્ર્વને માસ્ક પહેરવાની ફરજ પાડી હતી અને આ માસ્કના કારણે વ્યક્તિ ઓળખાય પણ નહી તેવું બનતું હતું પણ કોરોનાકાળ એ બાળકોને વધુ સ્માર્ટ પણ બનાવ્યા છે.
હાલમાં જ એક અભ્યાસમાં રસપ્રદ રીતે જણાવ્યું કે માસ્ક પહેર્યો હોવા છતાં નાના બાળકો તેના માતા-પિતા કે અત્યંત નજીકના કુટુંબીજનનો ચહેરો યાદ રાખવામાં સફળ રહ્યા હતા. કેલિફોર્નિયા યુનિ.ના ડો. ડેવિસ તથા તેના સહયોગીઓએ કરેલા અભ્યાસમાં જણાવ્યું કે થોડા સમજણા જ નહી પણ છ થી નવ માસના બાળકો પણ માસ્ક લગાવ્યા છતા તેના માતા-પિતાને ઓળખી લેતા હતા.
આ માટે આઈ ટ્રેકીંગ ટેકનોલોજીનો ઉપયોગ થયો હતો. રીસર્ચ-સાયકોલોજીના ક્ષેત્રમાં પીએચડી કરી રહેલા મિશેલા ડિબોલ્ટએ આઈ-ટ્રેકીંગ સીસ્ટમનો ઉપયોગ કર્યો. ડિસેમ્બર 2021થી માર્ચ 2022 સુધી કરાયેલા આ અભ્યાસમાં 58 શિશુઓને સામેલ કરાયા હતા અને તેઓને માતા-પિતાની ગોદમાં કે એક ઉંચી ખુરશી પર બેસાડાયા.કોમ્પ્યુટર સ્કીન પર તેના માતા-પિતાના માસ્ક અને માસ્ક વગરના ફોટા પારખવાનો પ્રયોગ હતો. જેમાં અનેક ચહેરાઓ વચ્ચે માતા-પિતાનો માસ્ક સાથેનો ચહેરા આવતા જ આ બાળકના આંખમાં ચમકારો થયો હતો. આ સમગ્ર પ્રક્રિયામાં વિડીયો રેકોર્ડીંગ કરી તેના પરથી આ તારણ અપાયું છે.