‘વાઈબ્રન્ટ ગુજરાત, વાઈબ્રન્ટ મોરબી’ કાર્યક્રમને મોરબીમાં જબ્બર પ્રતિસાદ
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીમાં તા. 9 અને 10 ઓક્ટોબરના રોજ ‘વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ મોરબી’ નામના ભવ્ય કાર્યક્રમનું આયોજન થયું છે. આ કાર્યક્રમનું આયોજન ગુજરાતમાં વધુમાં વધુ રોકાણ થાય તેવા ઉમદા હેતુથી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કરવામાં આવી રહ્યું છે. આ હેતુ મોરબીમાં સાર્થક થયો છે.
- Advertisement -
વાઈબ્રન્ટ મોરબી કાર્યક્રમને જબ્બર પ્રતિસાદ સાંપડી રહ્યો છે, જ્યાં આ કાર્યક્રમના ભાગરૂપે વિવિધ વિભાગોમાં સેક્ટર વાઈઝ વિવિધ ઉદ્યોગો દ્વારા રૂ. 2800 કરોડના 91 જેટલા એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે.
રાજ્ય કક્ષાએ યોજાતા વાઈબ્રન્ટ કાર્યક્રમને સરકાર દ્વારા જિલ્લા કક્ષાએ લઈ જવાનો એક જન કલ્યાણનો ઉમદા નિર્ણય લેવામાં આવ્યો છે જે થકી જિલ્લા કક્ષાએ વિવિધ સેગમેન્ટ પેદાશોને આંતરરાષ્ટ્રીય કક્ષાએ લઈ જવા માટે તેમજ રોકાણ માટે નવી દિશા મળી રહી છે. મોરબી સિરામિક, ઘડિયાળ સહિતના મોટા ઉદ્યોગોનો જિલ્લો છે ત્યારે મોરબીમાં વિવિધ રોકાણો લાવવા માટે વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ ડીસ્ટ્રીક્ટ હેઠળ વાઇબ્રન્ટ મોરબી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના ભાગરૂપે વરમોરા ગૃપ દ્વારા 1000 કરોડના એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે. આ એમ.ઓ.યુ. સહિત 2800 કરોડના 91 એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ઉદ્યોગકારો તેમજ સ્ટાર્ટ અપ કરતા લોકો માટે વિવિધ વિષયો પર સેમિનાર અને પ્રેઝન્ટેશન, ઉદ્યોગકારો તેમજ ઉચ્ચ અધિકારીઓ સાથે ઓપન હાઉસ વગેરે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિવિધ પેદાશો માટે પ્રદર્શન સહ વેચાણ સ્ટોલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.