ખાલિસ્તાની એજન્ડાને સમર્થનના કારણે ભારતે વિઝા આપવાનો ઇન્કાર કર્યો હતો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.14
વિદેશ મંત્રાલયે શુક્રવારે કેનેડિયન મીડિયા પર ભારતને બદનામ કરવાનો આરોપ લગાવ્યો હતો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કેનેડિયન મીડિયાના અહેવાલોને ફગાવી દીધા છે. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારતે કેટલાક કેનેડિયન નાગરિકોને વિઝા આપ્યા નથી.
- Advertisement -
હકીકતમાં, તાજેતરમાં કેનેડિયન મીડિયામાં આક્ષેપો કરવામાં આવ્યા હતા કે ભારત વિઝા નીતિનો દુરુપયોગ કરીને કેનેડાના મામલામાં દખલ કરી રહ્યું છે. ખાલિસ્તાની એજન્ડાને સમર્થન આપવાને કારણે ભારતે ઘણા કેનેડિયન નાગરિકોને વિઝા આપવાનો ઇનકાર કર્યો હતો. તેના પર ભારતે કેનેડિયન મીડિયા પર ખોટી માહિતી દ્વારા દેશના આંતરિક મામલામાં હસ્તક્ષેપ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. જયસ્વાલે કહ્યું કે, અમે કેનેડાના મામલામાં દખલ નથી કરી રહ્યા, પરંતુ તેઓ અમારી બાબતોમાં દખલ કરી રહ્યા છે. વિશ્ર્વમાં સૌથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ કેનેડામાં છે. લગભગ સાડા ચાર લાખ ભારતીય વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરે છે. અમે તેમને કેનેડામાં બગડતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વચ્ચે સતર્ક રહેવા અપીલ કરીએ છીએ. અમે કેનેડામાં રહેતા ભારતીયો માટે એડવાઈઝરી પણ જારી કરી છે.
જયસ્વાલે કહ્યું- અમારે કોને વિઝા આપવા અને કોને ન આપવા તે અમારો અધિકાર છે. કેનેડિયન મીડિયા ખોટા સમાચારો દ્વારા અમને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
ટોરોન્ટો, ઓટાવા અને વાનકુવરમાં કેનેડાના કોન્સ્યુલેટ માર્યા ગયેલા વિદ્યાર્થીઓના પરિવારજનોના સંપર્કમાં છે અને તેમને સંપૂર્ણ મદદ કરી રહ્યા છે.
આ સાથે જ ભારતે એવી પણ માગ કરી છે કે ત્યાંની સરકાર કેનેડામાં ભારત વિરુદ્ધ થઈ રહેલી ગતિવિધિઓ સામે પગલાં લે. ખાલિસ્તાનીઓને રાજકીય આશ્રય મળતો બંધ કરવો જોઈએ.
ઓક્ટોબર 2025માં કેનેડામાં સંસદીય ચૂંટણી છે. ખાલિસ્તાન સમર્થકોને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની પાર્ટીની મોટી વોટ બેંક માનવામાં આવે છે. જો કે, ગયા મહિને જ ખાલિસ્તાન સમર્થક જગમીત સિંહની એનડીપી પાર્ટી, જે ટ્રુડો સરકારનો ભાગ હતી, તેણે પોતાનું સમર્થન પાછું ખેંચી લીધું છે.
જોડાણ તૂટવાને કારણે ટ્રુડો સરકાર લઘુમતીમાં આવી ગઈ હતી. જો કે, 1 ઓક્ટોબરે યોજાયેલી બહુમતી પરીક્ષણમાં ટ્રુડોની લિબરલ પાર્ટીને અન્ય પક્ષનું સમર્થન મળ્યું હતું. જેના કારણે ટ્રુડોએ ફ્લોર ટેસ્ટ પાસ કર્યો હતો.
2021ની વસતી ગણતરી મુજબ કેનેડાની કુલ વસતી 3.89 કરોડ છે. જેમાંથી 18 લાખ ભારતીયો છે. આ કેનેડાની કુલ વસતીના 5% છે. તેમાંથી 7 લાખથી વધુ શીખ છે, જે કુલ વસતીના 2% છે.