-સર્વોચ્ચ અદાલત દ્વારા નિષ્ણાંતોની કમીટી રચવા તૈયારી: હિમાલયન મથકોમાં સતત વધી રહેલી માનવ પ્રવૃતિ પર્યાવરણને પણ નુકસાન કરે છે
દેશના મહત્વના હિમાલયન પર્યટન સ્થળો પર સતત વધતી જતી સહેલાણીઓની ભીડ તથા જે રીતે ઉતરાખંડ, હિમાચલ પ્રદેશ સહિતના રાજયોમાં જમીનોમાં તિરાડ પડવાની તથા ધસી પડવાની ઘટનાઓ બની રહી છે તેમજ પર્યાવરણને પણ મોટુ નુકશાન થઈ રહ્યું છે તે સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે હવે ઉતરાખંડ અને હિમાચલ સહિતના રાજયોના હિલસ્ટેશનો પર સહેલાણીઓની ‘કેરીંગ કેપેસીટી’ અંગે અભ્યાસ કરવા એક કમીટી રચવાનો નિર્ણય લીધો છે.
- Advertisement -
ઉતરાખંડમાં જોશીમઠ સહિતના વિસ્તારોમાં છેલ્લા એક વર્ષમાં અનેક સ્થળોએ જમીનો ધસી પડતા હજારો મકાનોને નુકશાન થયું હતું અને અહી વસતા નાગરિકોને અન્યત્ર ખસેડવા પડયા હતા. આ ઉપરાંત બંને રાજયોમાં સતત વધતી જતી સહેલાણીઓ અને ધાર્મિક શ્રદ્ધાળુઓની ભીડને કારણે આડેધડ રીતે હોટેલો, રીસોર્સ અને અન્ય સહેલાણી સુવિધા સ્થળો ખડકાઈ ગયા છે. નવા માર્ગોના બાંધકામ તેમજ વિજળી, પાણી સહિતની વ્યવસ્થા માટે પણ ભારે ખોદકામ થયા છે અને વાહનોની સતત વધતી જતી સંખ્યાના કારણે આ વિસ્તારના પર્યાવરણને ભારે નુકસાન થઈ રહ્યું છે તેમજ અનેક વખત દુર્ઘટનાઓ બનતા મોટી સંખ્યામાં મૃત્યુ પણ થઈ રહ્યા છે જેના કારણે હવે સુપ્રીમ કોર્ટે
આ માટે દરેક સહેલાણી સ્થળોની ‘કેરીંગ કેપેસીટી’ નો તાગ મેળવવા ખાસ કમીટી રચશે જે પર્યાવરણ સહિતની ચિંતાઓ કરશે. મોટાભાગના હિલસ્ટેશનો સતત ઓવરક્રાઉડેડ રહ્યા છે. હોટેલો અને અન્ય સહેલાણી સ્થળોમાં બાંધકામ અંગેના કોઈ નિયમોનું પાલન થતુ નથી અને કુદરતી સ્ત્રોતો પણ ઘટી રહ્યા છે. વૃક્ષોનું મોટાપાયે છેદન થઈ રહ્યું છે. સુપ્રીમની કમીટીમાં પર્યાવરણ ઉપરાંત હાઈડ્રોલોજીકલ ઈકોલોજીકલ સહિતના નિષ્ણાંતોનો સમાવેશ કરાશે. વારંવાર જે ભેખડો ધસી પડે છે તથા ઓચિંતા ભારે વરસાદને કારણે પુર જેવી સ્થિતિમાં માનવ જાનહાની થાય છે તે તમામનો અભ્યાસ થશે અને તેના પરથી આ વિસ્તારોની ‘કેરીંગ કેપેસીટી’ નકકી કરી કેન્દ્ર તથા રાજય સરકાર સાથે સહયોગ કરીને તે અંગેના નિયમો નકકી કરાશે.