ખાસ-ખબર સંવાદદાતા
આજના ડિજિટલ યુગમાં તમામ કામ ઑનલાઇન થઇ રહ્યાં છે ત્યારે તેની સાથે જ તમારો કોઇ પણ ડેટા સુરક્ષિત નથી. દેશમાં દર મિનિટે 16 એકાઉન્ટ હેક થાય છે. જાન્યુઆરી-માર્ચ 2023 ક્વાર્ટર દરમિયાન દેશમાં કુલ 21 લાખ એકાઉન્ટ હેક થયાં હતાં. આ દરમિયાન દુનિયામાં 4.21 કરોડ એકાઉન્ટના ડેટાની ચોરી થઇ હતી, એટલે કે દરેક સેક્ધડે એક એકાઉન્ટનો શિકાર થયો હતો. સર્ફશોર્કના સ્ટડી રિપોર્ટ અનુસાર ભારત આ મામલે દુનિયામાં છઠ્ઠા નંબરે છે. રશિયા 66 લાખ લીક એકાઉન્ટ સાથે ટોચ પર છે. ત્યારબાદ અમેરિકા (50 લાખ), તાઇવાન (39 લાખ), ફ્રાન્સ (32 લાખ), અને સ્પેન (32 લાખ) છે.
આ સ્થિતિ ત્યારે છે, જ્યારે દુનિયાભરમાં ડિસેમ્બર ક્વાર્ટરની તુલનાએ ડેટા ચોરીની ઘટનાઓ 49% સુધી ઘટી છે. ભારતમાં પણ 75%નો ઘટાડો થયો છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં આપણા 85 લાખ એકાઉન્ટ હેક થયાં હતાં એટલે કે દર મિનિટે 65 એકાઉન્ટ લીક થયાં હતાં. તમારા પર્સનલ ડેટામાં સૌથી વધુ હેકિંગ ઇન્ટરમીડિયરીઝ મારફતે થાય છે. આ એવી સંસ્થાઓ છે જ્યાં તમે તમારો વ્યક્તિગત ડેટા શેર કરો છો અને ત્યારબાદ હેકર્સ તેના પર અટેક કરીને લાખો-કરોડો લોકોની જાણકારીઓ એકત્ર કરી લે છે. પછી તે બેન્ક હોય, સ્કૂલ હોય કે કંપની.
- Advertisement -
જ્યાં સુધી ડેટા પ્રોટેક્શન બિલ નહીં આવે ત્યાં સુધી આ સંસ્થાઓની પણ કોઇ જવાબદારી નક્કી નથી અને ન તેઓ કોઇ વળતર આપવા માટે બંધાયેલ છે. સાઈબર સુરક્ષા માટે વ્યક્તિગત રીતે તમે સોફ્ટવેર અપડેટ, એકાઉન્ટનું ટૂ સ્ટેપ ઓથેન્ટિકેશન, સાઇબર અટેક કવરેજ અને ક્રેડિટ-ડેબિટ કાર્ડની લિમિટ મર્યાદિત કરવા જેવા કામ કરી શકો છો. જો કે તેમ છતાં સાઇબર એટેકથી સુરક્ષાની કોઇ ગેરંટી નથી.
સાઇબર ક્રાઇમ, તેલંગાણા ટોપ, યુપી બીજા ક્રમે ગૃહમંત્રાલય અનુસાર વર્ષ 2021માં સાઇબર ક્રાઇમની 52,974 ઘટના નોંધાઇ હતી. તેમાં સૌથી વધુ તેલંગાણામાં 10,303, ત્યારબાદ યુપી (8,829) અને કર્ણાટક (8136)માં નોંધાઇ હતી. 2021માં 10,703 મહિલાઓ સાથે ઑનલાઇન ફ્રોડની ઘટના નોંધાઇ હતી. મહિલાઓથી જોડાયેલી સાઇબર ક્રાઇમની સૌથી વધુ ઘટના કર્ણાટક (2243), મહારાષ્ટ્ર (1697) અને યુપી (958)માં સામે આવી છે.