ચાર્લ્સ શોભરાજ તિહાડ જેલના ‘સુપ્રિમો’ જેવું સ્ટેટસ ભોગવતો હતો. જેલર નહીં, જેલ અધિક્ષક પણ તેનું ધાર્યું કરતાં યા ઈચ્છયું કરવા દેતાં. તેનું એક સેમ્પલ જ કાફી છે: તિહાડ જેલમાં ચાર્લ્સને તેની બેરેકમાં જ પોતાની રસોઈ બનાવી લેવાની છૂટ હતી!
2023ની
- Advertisement -
બોણીમાં જ ફરી ચાર્લ્સ શોભરાજ ચમક્યો કારણ કે આ બિકિનિ-કિલરને નેપાળની સુપ્રિમ કોર્ટે તેની મોટી ઉંમર (78 વર્ષ)ને ધ્યાનમાં રાખીને જેલમાંથી છોડ્યો અને તેને ફ્રાન્સ મોકલી આપ્યો. ચાર્લ્સ એવો ખેપાની અને સ્માર્ટ સિરીયલ કિલર હતો કે તેના પર વિદેશમાં વેબસિરીઝ અને ભારતમાં ફિલ્મ બની ચૂકી છે, પણ બહુ ઓછાં લોકોને ખબર હશે કે તે ભારતની ખ્યાતનામ તિહાડ જેલમાંથી પણ ભાગી છૂટ્યો હતો. એ 1986નું વરસ હતું અને મીડિયા સહિત બધા જાણતાં હતા કે ચાર્લ્સ શોભરાજ તિહાડ જેલનો ‘સુપ્રિમો’ જેવું સ્ટેટસ ભોગવતો હતો. જેલર નહીં, જેલ અધિક્ષક પણ તેનું ધાર્યું કરતાં યા ઈચ્છયું કરવા દેતાં. તેનું એક સેમ્પલ જ કાફી છે: તિહાડ જેલમાં ચાર્લ્સને તેની બેરેકમાં જ પોતાની રસોઈ બનાવી લેવાની છૂટ હતી! આ છૂટનો ગેરલાભ લઈને તેણે બર્થ-ડે પર મિઠાઈ બનાવીને તેમાં ઘેનની દવા ભેળવી દીધી. બધા ઘેનમાં અર્ધબેહોશ બની ગયા ત્યારે ચાર્લ્સ શોભરાજ તિહાડ જેલનો મુખ્ય ગેટ ખોલીને જ ભાગી ગયો, તેની સાથે (તિહાડના 900 કેદીમાંથી) ટોટલ બાર કેદીઓ છટકી ગયા હતા.
જોકે એ પછીના ત્રેવીસમાં દિવસે જ (ગોવામાંથી પકડાઈને) તિહાડ જેલમાં પાછો પહોંચી ગયો હતો અને એ પછી તિહાડ જેલ પ્રશાસન સહિત બધાને સમજાયું હતું કે ચાર્લ્સની ભારતની જેલમાં સજા પૂરી થતી હતી પણ તેને ભારત છોડવું નહોતું કારણ કે વિદેશમાં તો તેના પર અનેક હત્યાના ગુના બોલતાં હતાં… વિદેશની આકરી સજાથી બચવા માટે જ તે જેલમાંથી ભાગી ગયો હતો કે જેથી પકડાઈ ત્યારે નવી સજા હેઠળ વધુ સમય તિહાડ જેલમાં જ રહેવા મળે.
આ ગુનેગારનું માનસ છે અને ભારતની સૌથી મહત્ત્વની ગણાતી દિલ્હીની તિહાડ જેલમાં આવા જાણીતા અનેક અફઝલ ગુરુ, રંગા-બિલ્લા, નિર્ભયાકાંડના આરોપીઓ, તંદુરકાંડનો મનુ શર્મા, રાજન પિલ્લાઈ જેવા ‘નમૂના’ઓ આવતાં હતાં અને જેલ તોડીને ભાગવાના પરાક્રમો પણ કરતાં હતાં. ચાર્લ્સ શોભરાજ જેને તિહાડ જેલમાં નોકરી અપાવવામાં નિમિત્ત બનેલા એ તિહાડ જેલના જેલર સુનીલ ગુપ્તાએ સુનેત્રા ચૌધરી સાથે મળીને ‘બ્લેક વોરંટ’ નામથી લખેલાં પુસ્તકમાં ઉલ્લેખ છે કે અનેક વખત તેઓ (સુનીલ ગુપ્તા) ચાર્લ્સ શોભરાજ સાથે તિહાડ જેલમાં બેડમિંટન પણ રમ્યાં છે. તિહાડ જેલમાં રંગા-બિલ્લા, અફઝલ ગુરુ, મકબૂલ બટ અને ઈન્દિરા ગાંધીના હત્યારાઓને ફાંસી આપવામાં આવી ત્યારે જેલર તરીકે સુનીલ ગુપ્તા જ હતા. ‘બ્લેક વોરંટ’માં વાંચવા જેવું તો ઘણું જ છે પરંતુ અત્યારે ચાર્લ્સ શોભરાજ ચર્ચામાં છે તો તેની જેમ તિહાડ જેલ તોડીને ભાગવા માટેના કેવા-કેવા પેતરાં ભૂતકાળમાં થઈ ચૂક્યા છે, આપણે એ જાણીએ.
કટોકટી સમયની ઘટના
ઈન્દિરા ગાંધીએ કટોકટી લાદીને ‘મીસા’ના કાનુન હેઠળ વિજ્યારાજે સિંધિયા, નાનાજી દેશમુખ, ચૌધરી ચરણસિંહ, જ્યોર્જ ફર્નાન્ડિસ, અરૂણ જેટલી, પ્રકાશસિંહ બાદલ, લાલા હંસરાજ, પ્રેમસાગર ગુપ્તા જેવા મહારથીઓને જેલમાં નાખ્યા હતા, એ તિહાડ જેલ જ હતી. આટઆટલાં રાજનૈતિક માથાંઓ જેલમાં હોવાથી જેલ પ્રશાસનનું ફોક્સ તેમની પર વિશેષ રહેતું હતું ત્યારે આજીવન
- Advertisement -
ચાર્લ્સની ભારતની જેલમાં સજા પૂરી થતી હતી પણ તેને ભારત છોડવું નહોતું કારણ કે વિદેશમાં તો તેના પર અનેક હત્યાના ગુના બોલતાં હતાં… વિદેશની આકરી સજાથી બચવા માટે જ તે જેલમાંથી ભાગી ગયો હતો કે જેથી પકડાઈ ત્યારે નવી સજા હેઠળ વધુ સમય તિહાડ જેલમાં જ રહેવા મળે
કારાવાસની સજા ભોગવી રહેલાં બાર કેદીઓ બેરેકની વચ્ચેથી સુરંગ ખોદીને ભાગી ગયા હતા.
જે.એન.યુ.ના ભાગેડુ વિદ્યાર્થીઓ
1983માં દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના ઉપકુલપતિ પી. એન. શ્રીવાસ્તવ સામે વિદ્યાર્થીઓએ હિંસક આંદોલન કરેલું ત્યારે પોલીસે 170 વિદ્યાર્થીઓ અને 80 વિદ્યાર્થિનીઓને ગિરફતાર કરીને તિહાડ જેલમાં નાખ્યા હતા. આવા આંદોલનકારીની ગિરફતારી થઈ હોય તેમને સ્વજનો-વકીલોને (કોઈ આડશ વગર) મળવા દેવાતા હોય છે પણ બીજા દિવસે રોલ-કોલ વખતે ખબર પડી કે 125 વિદ્યાર્થી અને 55 વિદ્યાર્થિનીઓ જેલમાંથી ગાયબ છે!
તપાસ કરતાં ખબર પડી કે આવા આંદોલનકારીને મળવા આવનારાના હાથ પર સ્ટેમ્પ મારીને જેલમાં જવા દેવામાં આવતા હતા અને આ સ્ટેમ્પ ચકાસીને તેમને જેલની બહાર જવા દેવામાં આવતા હતાં. દિલ્હીની ગરમીને કારણે લગાવેલા સ્ટેમ્પની શાહી સુકાતી નહોતી એટલે એ સ્ટેમ્પ પર પોતાનો હાથ લગાવીને આંદોલનકારી યુવક-યુવતીઓ પણ છટકી ગયા હતા. (આ બનાવ પછી જેલમાં આ રીતે થતી મુલાકાતો બંધ કરી દેવામાં આવી) પણ એ સમયે તિહાડ જેલમાંથી ભાગી ગયેલાં એકસો એંસી વિદ્યાર્થીઓની ક્યારેય ભાળ મળી નહીં કારણ કે ગિરફતારી પછી બધાએ પોતાના નામ ખોટાં લખાવ્યાં હતા!
જેલ સુપ્રિરિટેન્ડટના સ્વાંગ સાથે છૂ
જેલના અધિકારીઓ પણ કેદીઓના (ગેર)લાભ લેતાં હોય છે અને એ કારણે એક કેદી ભાગી ગયો હતો. તિહાડ જેલના ડેપ્યુટી સુપ્રિરિટેન્ડટ એલ. પી. નિર્મલ દરરોજ બપોરે કેદી પાસે માલિશ કરાવતાં અને માલિશ દરમિયાન જ સૂઈ જતાં. એક દિવસ માલિશ કરનારો કેદી ડેપ્યુટી સૂઈ ગયા પછી તેમની વર્દી પહેરીને જેલના મુખ્ય દરવાજેથી નીકળી ગયો. બધા ગાર્ડે તેને સલામી આપી પણ કોઈ તેને ઓળખી શક્યું નહોતું.
જો કે બીજા દિવસે એ વર્દીમાં જ પોતાની બહેનના ઘેર સુતો હતો ત્યારે પકડાઈ ગયો હતો!
દીવાલ કૂદીને ભાગ્યો પણ…
જેલની અંદર જ જુદી-જુદી જેલના બિલ્ડિંગ હોય છે પણ જેલનો નકશો તરત મગજમાં આવતો નથી. નવા કે પ્રથમ વખત આવતા કેદીને એવું જ લાગે કે જો આ દીવાલ કુદાવી દઈએ તો આપણે જેલની બહાર પહોંચી જઈશું. 1988માં એક કેદીએ આવું જ કરેલું. તે એક નંબરની જેલમાં હતો. તે એક નંબરની જેલ કૂદીને બીજી તરફ ઉતરી ગયો. તેને એમ કે તે જેલની બહાર નીકળી ગયો છે એટલે એક ગાર્ડને પૂછયું કે બસ સ્ટોપ કઈ તરફ છે?
દરઅસલ, એ જેલનંબર બેમાં પહોંચી ગયો હતો!
જો કે 2015માં આ રીતે તિહાડની જેલ નંબર પાંચની દીવાલ પરથી કૂદીને અન્ય જેલના પ્રાંગણમાં પહોંચી ગયેલાં. બીજી દિવાલ કુદવી અસંભવ લાગતાં તેમણે દિવાલમાં બાકોરું પાડવાનું નક્કી કર્યું અને તેઓ તેમાં કામયાબ રહ્યા હતા.
ફૂલનદેવીના હત્યારાની તરકીબ
ડાકુરાણી ફૂલનદેવીની હત્યા કરનારા શેરસિંહ રાણા પણ અનોખી રીતે તિહાડ જેલમાંથી ભાગવામાં સફળ રહ્યો હતો. કેદીઓની બીજા એએરાજ્યોમાં પેશી હોય ત્યારે એ રાજ્યની પોલીસ તેને લેવા આવે, એવો ત્યારે કાયદો હતો. આવી જ રીતે એક વખત અદાલતની પેશીમાં લઈ જવા માટે પોલીસ વાન આવી અને તિહાડ જેલે શેરસિંહ રાણાને સોંપી દીધો. બધા રવાના થઈ ગયા પછી ફરી એક પોલીસ વાન શેરસિંહ રાણાને લેવા આવી ત્યારે ખબર પડી કે… શેરસિંહ રાણા તો ડુપ્લીકેટ પોલીસ બનેલાં પોતાના સાગરીતો જોડે ભાગી ચૂક્યો છે!