સગી માતા કે ખુદ્દાર પિતાના આશિર્વાદ કરતાં નિસ્વાર્થ સેવા જ જિંદગીમાં ચમત્કાર સર્જી શક્તી હોય છે
જીવનના બે સત્યો અફર છે. એક, ક્યારેક કોઈ જાદુ જેવો ચમત્કાર થઈ શકે છે અને બે, એ જાદુ કે ચમત્કાર જીરવી લેવો, એ કોઈ આસાન કામ નથી.
- Advertisement -
માની લો કે તમારા જીવનની કોઈ સબળી પળે ઈશ્વર કે કોઈના આશીર્વાદથી તમારા હાથમાં કે તમારી કિસ્મતમાં કોઈ ચમત્કાર સર્જાઈ તો તમે શું કરો ? વાતને જરા સરળ બનાવીએ, ધારી લો કે બે ચાર કલાક કે એકાદ દિવસ પછી બનવાની છે, એ ઘટનાની જાણ તમને વહેલી થવા માંડે તો ? બેશક, તમારી કૂકરી ગાંડી જ થઈ જાય. મહૌલ્લાના સુલભ શૌચાલયનો વહીવટ કરતાં કરતાં આખો દિવસ પેશાબ-ગૂની બદબુ વચ્ચે જીવતાં વસંત ગાવડે સાથે પણ આવો જ ચમત્કાર થાય છે : ઘટનાઓની તાઝા ખબર તેને વહેલી મળવા લાગે છે અને…
વસંત ગવાડેની જિંદગી બદલાઈ જાય છે પણ…
જયાં સંતોષ નથી યા જયાં લક્ષ્મણરેખા નથી ત્યાં કશુંય સુખદ પરિણામ આવતું નથી. અત્યધિક સુખ હોય કે પારાવાર પીડા, માણસનેે અનકંટ્રોલ્ડ બનાવી દેવા માટે એ પૂરતું છે અને આ બોધપાઠ આપણને સોની લીવ પરની વેબસિરિઝ તાઝા ખબર આપે છે, એ પણ એકદમ રોમાંચક શૈલીમાં.
મુંબઈની ચાલમાં આવેલાં સુલભ શૌચાલયના વહિવટ સંભાળતા વસંત ગાવડેના હાલાત પણ દયનીય છે. તેના પચ્ચીસમા જન્મ દિવસે કેક ખરીદવા અને શર્ટ ભેટ આપવા માટે તેની માતા, જયાં ઘરકામ કરે છે એ ઘરમાંથી જ, બે હજાર રૂપિયા ચોરતાં પકડાઈ જાય છે. ચોરટી માને પિતા જાહેરમાં ફટકારે છે ત્યારે સુલભ શૌચાલયના હિસાબના પૈસામાંથી પુત્ર વસંત બે હજાર રૂપિયા લાવીને પાછા આપે છે અને થોડાં પૈસા ગુસ્સાવાળા બાપના ગજવામાં મૂકે છે, દારૂ પીવા માટે.
તાઝા ખબરના પ્રથમ એપિસોડમાં જ આપણે સમજાય જાય છે કે એકદમ નિમ્ન સ્તરના લોકોની વાતનો આપણી સામે ઉઘાડ થઈ રહ્યો છે. અહીં મૂતરી (જાહેર જાજરૂ) સંભાળનારો યુવાન છે. વૈશ્યાલયની જ યુવતી મધુના તે પ્રેમમાં છે, એ મધુ, જેનો એક આશિક એરિયાનો માથાભારે કોર્પોરેટર છે. વૈશ્યાલયની માલકણ હસ્તક તે પોતાના સાચાખોટા વહીવટ ચલાવે છે. અહીં બેકાર-દારૂડીયો છતાં સ્વમાની પિતા છે તો તેનાથી દબાયેલી પણ પુત્રને ચાહતી માતા છે. ઓનલાઈન માર્કેટથી પરેશાન રેસ્ટોરાંનો માલિક અને તેની પુત્રી છે અને વસંત ગાવડેનો એક લંગોટીયો મિત્ર છે… ક્યાંય કશું નવું બનવાની શક્યતા નથી અને એ વસંત ગાવડેના જ એક સંવાદમાં વ્યક્ત થાય છે : આજે લોકોના પેશાબ-ગૂને દિવસભર સુંઘતો રહ્યો, કાલે પણ એ જ કરવાનો છું
પરંતુ એક દિવસ ચમત્કાર થાય છે. વયોવૃધ્ધ મહિલા જાહેર જાજરૂના ઉપયોગ દરમિયાન ફસડાઈને બેહોશ થઈ જાય છે. લોકોના મળ-મૂતરથી ખરડાયેલી આ મહિલાને વસંત ગાવડે માનવતાના ધોરણે ગંદા પાયખાનામાંથી કાઢી, ગૂ-મૂતર સાફ કરીને ઘરે પહોંચાડે છે. એટલું જ નહીં, વેશ્યા-પ્રેમિકા મધુએ બર્થ ડે ગિફટમાં આપેલું રૂપિયાનું ક્વર પણ વસંત પેલી વૃધ્ધાને આપી દે છે ત્યારે એ કૃશકાય મહિલા આશીર્વાદ આપે છે : તમે બધી વાતની ખબર (ઘટના બનતાં) પહેલાં જ મળી જશે. ખરેખર એવું જ બને છે. વસંત ગાવડે (ભુવન ભામ) આ ચમત્કારી શક્તિનો ઉપયોગ કરીને પ્રથમ વખતે જ પચાસ-સાઈઠ લાખ રૂપિયા કમાઈ લે છે. દરમિયાન, તેને ખ્યાલ આવે છે કે વહેલાં મળી જતાં તાઝા ખબર ને કારણે એ ક્રિકેટનું બેટિંગ કરીને કરોડો કમાઈ શકે છે. બસ, એ પછી વસંત ગાવડે, તેની પ્રેમિકા મધુ અને પાર્ટનરોની જિંદગીમાં કેવા વળાંક આવે છે,
તાઝા ખબરના પ્રથમ એપિસોડમાં જ આપણે સમજાય જાય છે કે એકદમ નિમ્ન સ્તરના લોકોની વાતનો આપણી સામે ઉઘાડ થઈ રહ્યો છે, અહીં મૂતરી સંભાળનારો યુવાન છે, વૈશ્યાલયની જ યુવતી મધુના તે પ્રેમમાં છે, એ મધુ, જેનો એક આશિક એરિયાનો માથાભારે કોર્પોરેટર છે
યુ ટયુબર ભુવન ભામની આ પ્રથમ કોમર્શિયલ વેબસિરિઝ છે પણ લખી રાખો કે, આ કોમેડિયન એકદમ લંબી રેસ કા ઘોડા સાબિત થવાનો છે
- Advertisement -
તેની કથા હિમાંક ગોર દિગ્દર્શીત અને હુસૈન દલાલ – અબ્બાસ દલાલ લિખિત વેબસિરિઝ તાઝા ખબરની છે. યુ ટયુબર ભુવન ભામ (એ પ્રોડયુસર પણ છે) ની આ પ્રથમ કોમર્શિયલ વેબસિરિઝ છે પણ લખી રાખો કે, આ કોમેડિયન એકદમ લંબી રેસ કા ઘોડા સાબિત થવાનો છે. તેની સાથે શ્રીયા પિલગાંવકર, શિલ્પા શુકલા, દેવેન ભોજાણી અને (સત્યા ફેમ) જે. ડી. ચક્રવર્તી પણ તાઝા ખબરમાં છે. વેબસિરિઝનું પાત્રાલેખન, લોકાલ, સંવાદો તેમજ અભિનય એટલાં સચોટ છે કે ચમત્કારની વિચિત્રતા ખટક્વાની બદલે તમે વાર્તા પ્રવાહમાં વહેવા લાગો છો.
આફટર ઓલ, વાત ચમત્કાર અને તેમાંથી સર્જાતી ચમત્કૃતિની છે. અહીં બે વાત તરફ ધ્યાન ખેંચવું છે. ચમત્કારમાં આપણને રસ એટલા માટે પડે છે કારણકે, એ અતિ સામાન્ય માણસના જીવનમાં થાય છે. ગર્ભ શ્રીમંત (માની લો મુકેશ અંબાણી) ના જીવનમાં ચમત્કાર થાય અને એ દરરોજ સો-બસ્સો કરોડ વધુ કમાવા લાગે તો તેમાં આપણને બિલકુલ રસ ન પડે. બીજી રસપ્રદ વાત છે કે વસંત ગાવડેમાં ચમત્કાર રોપતાં આશીર્વાદની. એ આશીર્વાદ સગી માતા કે ખુાર પિતાએ નથીઆપ્યા. ન એ અખૂટ ચાહતી વેશ્યા મધુએ આપ્યા. આ આશીર્વાદ વસંતને એક અજાણી, કૃશકાય વૃધ્ધા આપે છે, જેની વસંત ગાવડેએ દરકાર (નિસ્વાર્થ સેવા) કરી હતી. નિસ્વાર્થ સેવા જ જિંદગીમાં ચમત્કાર સર્જી શક્તી હોય છે, એ તાઝા ખબર વેબસિરિઝની સૌથી મોટી હાઈલાઈટસ છે, આઈ બાબત સમજ મેં..
લાલચ અને અસ્તિત્વની લડાઈમાં આર યા પાર…
તળપદી સંસ્કૃતિમાં કેટલી માણસાઈ છે અને સભ્ય સમાજના માણસમાં કેવી સ્વાર્થી લોલુપત્તા છે, એ ફિલોસોફીને થ્રિલર ફોર્મેટમાં બયાન કરતી ડિઝની-હોટસ્ટારની વેબસિરિઝ આર યા પારની ફલશ્રૃતિ છે. ભલે, આ વેબસિરિઝ પ્રગતિ, લાલચ, ક્રુરતા, બદલા અને એકશન પેકડ સિક્વન્સીઝની વાત કરીને આપણે ઉલટું એન્ટરટેઈન કરતી હોય પણ તેનો મેસેજ ઉમદા છે, પંકજ ત્રિપાઠીની ફિલ્મ શેરદિલ જેવો. લુપ્ત થતી જતી આદિવાસી જેવી દેગોહાટી જનજાતિ જંગલમાં જયાં રહે છે ત્યાંની પ્રાકૃતિક સંપદા પર સભ્ય સમાજના ઉદ્યોગપતિનો ડોળો સ્થિર થાય છે પરંતુ શહેરીકરણથી અભડાયેલી, છેતરાયેલી દેગોહાટી જનજાતિ પોતાના વિસ્તાર ખાલી કરવા તૈયાર નથી. સમાજની સિસ્ટમ અને મોટિવેશનલ લવારા-કારોએ આપણને (સભ્ય સમાજને) શામ, દામ, દંડ તેમજ ભેદની નીતિ અખત્યાર કરતાં શીખવાડી દીધું છે. પ્રાકૃતિક સંપદાવાળો પ્રદેશ મેળવવા માટે કેન્સરગ્રસ્ત ઉદ્યોગપતિ (આશિષ વિદ્યાર્થી), જેના પેશાબ અને નાકમાંથી લોહી નીકળતું રહે છે, એ તમામ પેંતરા અજમાવીને પછી દેગોહાટી જનજાતિનું નિકંદન નીકળી જાય એવી ક્તલેઆમ કરાવે છે. આ ખૂનામરકીમાંથી બચી ગયેલો દેગોહાટી જનજાતિનો યુવાન સરજૂ (આદિત્ય – પરેશ રાવલ) તેનો બદલો લે છે…
દેખીતી રીતે બદલાની કહાણી લાગતી આર યા પાર વેબસિરિઝ ખરેખર તો વિકાસ એટલે વિનાશ તેમજ પ્રગતિ એટલે પતન-ના વાસ્તવને બયાન કરે છે. વેબસિરિઝની ખાસિયત એ છે કે સૂફિયાણી સોચ પર થ્રિલર અને એકશનનું થયેલું કોટિંગ એટલું અસરકારક છે કે તમે અંત સુધી ધસડાતા રહો. આદિત્ય રાવલ, આશિષ વિદ્યાર્થી, પત્રલેખા, સુમિત વ્યાસ, દિવ્યાંદુ ભટ્ટાચાર્ય જેવી કાસ્ટ ધરાવતી આર યા પાર નો જંગલનો પાર્ટ બસ્તર (ચિત્રકૂટ) ના જંગલમાં ફિલ્માવાયો છે તો જ્યોર્જિયાની ધરતી પર પણ એ લઈ જાય છે. દેગોહાટી સમાજના સરજૂની ખડતલ લડાઈ હોય કે વિદેશની ધરતી પરની સિક્વસન્સ હોય, એ તમને રોમાંચિત કરે છે.
સિધ્ધાર્થ સેનગુપ્તાએ ક્રિએટ કરેલી આર યા પાર ચાર ડિરેકટર અને પાંચ રાઈટરે (અનાહિતા મેનન) લખેલી છે અને તેનો ચમકારો પણ વરતાઈ છે. વેબસિરિઝમાં એક અધિકારી બોલે છે કે, યે લોગ (આદિવાસીઓ) સારી દુનિયા કો જંગલ હી સમજતે હૈ
જવાબમાં સિનિયર પોલીસ અધિકારી સુમિત વ્યાસ કહે છે : ઐસા નહીં હૈ, યે લોગ જંગલ કો હી અપની દુનિયા સમજતે હૈ.
આર યા પાર વેબસિરિઝ અભિનેતા પરેશ રાવલના પુત્ર આદિત્ય રાવલની ડેબ્યુ સિરિઝ છે અને પિતાની જેમ પુત્રના લક્ષ્ાણ પણ પારણામાંથી વરતાયા વગર રહેતા નથી. આદિવાસી યુવક તરીકે તેણે અઘરી પરીક્ષ્ાા પાસ કરી છે. બીજા અદાકારો પણ ક્સાયેલા છે. વેબસિરિઝ માત્ર દેગોહાટી જનજાતિના શ્યો વખતે ધીમી પડતી હોય તેવું લાગે છે પણ… અન્યથા, એ એક સબક આપી જતી સાર્થક સિરિઝ છે.