હળવદના નવા માલણિયાદ ગામે વ્યાજખોરોના પાપે આપઘાત કરી લેનાર વૃદ્ધના પુત્રની રાજ્યપાલને અરજી
પોલીસ પગલાં ન લેતી હોવાનો આક્ષેપ
ખાસ-ખબર સંવાદદાતા
વ્યાજખોરોને કાબુમાં લેવા રાજ્ય સરકારે કાયદા તો કડક બનાવ્યા છે તેમ છતાં વ્યાજખોરો એટલી હદે બેફામ બન્યા છે કે આવા વ્યાજખોરોના કારણે એક હળવદ પંથકના એક વ્યક્તિએ આપઘાત કરતા મૃતકનો પરિવાર પોલીસ ફરિયાદ નોંધાવવા પોલીસ મથકે પહોંચ્યો હતો પરંતુ પોલીસે ફરિયાદ ન લેતા પરિવાર સાથે અન્યાય થયો હોય પરીવારે રાજ્યપાલને પત્ર લખીને ઈચ્છામૃત્યુની માંગ કરી છે. આ બનાવ અંગે જાણવા મળતી માહિતી અનુસાર હળવદ તાલુકાના નવા માલણીયાદ ગામે રહેતા જયંતીભાઈ જીવણભાઈ પરમારે થોડા દિવસો પહેલા ટ્રેક્ટરની ટ્રોલી આડે પડતું મૂકીને આપઘાત કર્યો હતો અને ત્યારબાદ તેના ખિસ્સામાંથી વ્યાજખોરોના નામ લખેલી ચિઠ્ઠી પણ મળી આવી હતી જે બાદ મૃતકના પરિવારજનોએ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ કોઈ કારણોસર પોલીસે પરિવારની ફરીયાદ ન લેતા પરિવારજનો રોષે ભરાયા હતા અને મૃતકના પુત્ર ગોપાલભાઇ જયંતિભાઇ પરમારે રાજ્યપાલને પત્ર લખી જયંતિભાઈના પત્ની લીલાબેન જયંતિભાઈ પરમાર,દીકરા ગોપાલભાઈ જયંતિભાઈ પરમાર અને હિતેશભાઇ જયંતિભાઈ પરમાર,પૌત્ર પ્રશાંત ગોપાલભાઈ પરમાર,યશ ગોપાલભાઈ અને જૈનિષ હિતેશભાઈ પરમાર તેમજ પુત્રવધૂ અસ્મિતાબેન ગોપાલભાઈ પરમાર અને સરોજબેન હિતેશભાઇ પરમારે એકી સાથે એક જ સમયે અને એક જ સ્થળે આત્મવિલોપન (ઈચ્છામૃત્યુ) કરવાની મંજૂરી માંગતા ખળભળાટ મચી જવા પામ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જયંતીભાઈએ આત્મહત્યા કરી ત્યારે સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો કે, વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરું છું તેમજ મૃતકના ભાઈ ભરતભાઈએ જ્યારે પોલીસ મથકે નોંધ કરાવી ત્યારે મૃતકના દેવા બાબતે કોઈ જાણ કરી ન હતી જ્યારે બે દિવસ પછી સુસાઈડ નોટ રજૂ કરવામાં આવતા પોલીસે સુસાઈડ નોટને એફએસએલમાં મોકલી હતી ત્યારબાદ લઈ હજુ સુધી એફએસએલ રીપોર્ટ આવ્યો ન હોય જેથી પોલીસે ફરિયાદ નોંધી ન હતી જેને લઈ પરિવારજનોએ પત્ર લખી ઈચ્છામૃત્યુની માંગ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
- Advertisement -
અંતે પોલીસને રેલો આવ્યો! નવ વ્યાજખોરો વિરૂદ્ધ ગુનો દાખલ
વ્યાજખોરોના ત્રાસથી રાજ્યપાલ સમક્ષ ઈચ્છામૃત્યુની માંગણી કરનાર પરીવારની ચીમકી બાદ વ્યાજખોરોની લાજ કાઢનાર હળવદ પોલીસને તાકીદે નવ વ્યાજખોર શખ્સો વિરુદ્ધ ગુન્હો દાખલ કરવાની ફરજ પડી છે. હળવદ પોલીસે મૃતકના પુત્રની ફરિયાદને આધારે આરોપી લાલો બુલેટના ગેરેજ વાળો, છગન રામજી ભુવો, ઘનશ્યામભાઇ ગઢવી, ચંદ્રેશ પટેલ, પટેલ પ્લાયવુડ, ભરતસિંહ નાડોદા રજપુત ક્રોસ રોડ, ડો. પી.પી. માલણિયાદ, અશ્વિન રબારી ધાંગધ્રા, ધીરૂભાઇ નાનજીભાઇ પટેલ લોટવાળા નીકોલ અમદાવાદ અનેં મહિપતસિંહ મૂળી વાળા વિરૂદ્ધ ફરીયાદ દાખલ કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.