રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરની જાહેરાત, ટેન્ડર પ્રસિદ્ધ કરાયા
બે અલગ-અલગ પ્લોટમાં પાંચ માળ અને અગીયાર માળની EWS ટાઇપની આવાસ યોજના આકાર લેશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ વોર્ડ નં.3માં પોપટપરા અને રેલનગર વિસ્તારમાં રૂ.112.67 કરોડના ખર્ચે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઇડબલ્યુએસ -2 ટાઇપના 1010 આવાસો બનાવવા મહાનગરપાલિકા દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે અને તેના માટે મહાનગરપાલિકા દ્વારા ઇ-ટેન્ડર પ્રસિધ્ધ કરી દેવાયા છે તેમ કમિશનર અમીત અરોરાએ જણાવ્યું હતું.
મ્યનિસિપલ કમિશનર અમીત અરોરાએ જણાવ્યું હતું કે સેન્ટ્રલ ઝોન વોર્ડ નં.3માં મહાનગરપાલિકા હસ્તકની ટીપી સ્કીમ નં.19ના ફાઇનલ પ્લોટ નં.12/એ અને 12/બીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 1010 આવાસો બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધરાયો છે.
બે બેડરુમ કિચનના અંદાજે 40 ચોરસમીટરના આવાસોની અંદાજિત કિંમત રુ.5.50 લાખ રખાશે. આ આવાસો પાર્કિંગ અને પાંચ માળ તથા પાર્કિંગ પ્લસ અગીયાર માળ તે મુજબના બનાવવામાં આવશે. ટીપી સ્કીમ હેઠળના આ બન્ને પ્લોટમાં ઘણા સમયથી ઝુપડપટ્ટીઓ ખડકાઇ હતી જે દબાણ દુર થતા આવાસ યોજના બનાવવા માટેનો માર્ગ મોકળો બન્યો છે.
આ બન્ને આવાસોના પ્રોજેક્ટ પોપટપરા જૂની જેલ નજીક રેલનગર પાસે છત્રપતિ શીવાજી આવાસ યોજના પાસે આવેલા બે પ્લોટમાં આકાર લેશે. ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ 19 જાન્યુઆરી રાખવામાં આવી છે અને ટેન્ડર ખોલવાની તા.27મી જાન્યુઆરી રાખવામાં આવી છે.