લગ્નમાં આવેલા દરેક મહેમાનોએ દિવંગતોને શ્રદ્ધાંજલી પાઠવી
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાને ઘણા દિવસો વીત્યા બાદ પણ હજુ એ ગોઝારી દુર્ઘટનાને લોકો ભૂલી શક્યા નથી ત્યારે મોરબીના એક ચોપડી ભણેલા વૃદ્ધે ઝૂલતા પુલની આબેહૂબ પ્રતિકૃતિ બનાવી પોતાના પૌત્રના લગ્નના માંડવામાં મૂકીને દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
- Advertisement -
મોરબીના સામાકાંઠે સો ઓરડી વિસ્તારમાં વરીયાનગરમાં રહેતા કાનજીભાઈ મોહનભાઈ બારેજીયા નામના વૃદ્ધે પોતાના પૌત્રના લગ્ન હોય ઝૂલતા પુલ દુર્ઘટનાને ધ્યાને લઈને ઝૂલતા પુલની અનોખી પ્રતિકૃતિ તૈયાર કરી હતી. તેમના વિસ્તારમાં એક જ પરિવારના ત્રણ સભ્યો આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હતા અને તેમને શ્રદ્ધાંજલિ આપવા રાજવી પરિવારે જેવો પુલ બનાવ્યો હતો તેવી કૃતિ બનાવવાનું કાનજીભાઈએ નક્કી કર્યું હતું. તેઓ વર્ષોથી કેબીન બનાવી લે વેચ તેમજ ભાડે આપવાનો ધંધો કરી રહ્યા છે ત્યારે ભંગારની ચીજવસ્તુઓનો સદુપયોગ કરી પોતાની કોઠાસૂઝથી ઝૂલતા પુલની પ્રતિકૃતિ તૈયાર કરી હતી.
ભંગારમાંથી મળેલ એલ્યુમીનીયમ, લોખંડ, પીત્તળ, તાંબુ વગેરેનો ઉપયોગ કરી ઝુલતા પુલની કૃતિ બનાવી હતી જેમાં બંને બાજુએ ટાવર, વચ્ચે કેબલ વાયર, લાકડા, બંને સાઈડમાં જાળી બનાવી સાત દિવસમાં ઝુલતા પુલની કૃતિ તૈયાર કરી હતી અને પૌત્ર ભૌમિકના લગ્ન વરિયા મંદિર વાડીમાં રાખવામાં આવ્યા હતા અને લગ્ન પ્રસંગે ગેટ પર આ કૃતિ રાખી હતી ત્યારે દરેક મહેમાનોએ પણ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી.