બિયારણ ખરીદવા ખેડૂતોની 18 હજાર અરજી ઓનલાઇન આવી :
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતનાં ખેડૂતો માટે વિવિધ સર્ટિફાઇડ અને ટ્રુથફૂલ બિયારણ તૈયાર કરવામાં આવે છે. આ બિયારણ ખરીદવા ખેડૂતોને ભારે ધસારો રહેતો હોય છે. બિયારણ વેચાણની જાહેરાત થતા જ ખેડૂતોે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ઉમટી પડતા અને બિયારણ ખરીદવા ખેડૂતોેની લાઈન લાગતી. ખેડૂતો રાત્રે પણ યુનિવર્સિટી ખાતે આવી જતા.ખેડુતોને લાઇનમાંથી મુક્તિ આપવા યુનિવર્સિટી દ્વારા છેલ્લા બે વર્ષથી બિયારણ ખરીદતા ખેડૂતો માટે ઓનલાઈન અરજીઓ મંગાવવાની સિસ્ટમ અમલી બનાવાઇ છે. બાદમાં તેનો ઓનલાઈન ડ્રો કરી ખેડૂતો તેમના મોબાઈલ પર જ મેસેજથી જાણ કરવામાં આવતી હતી. આથી ખેડૂતોને યુનિવર્સિટી ધક્કો ન થતો તેમજ લાઇનમાં ઉભા રહફવામાંથી છુટકારો મળ્યો છે. યુનિવર્સિટીનો મેસેજ મળતા ખેડૂત આવી નાણાં ભરી પોતાનું બિયારણ મેળવી પરત જાય છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કુલપતિ ડો. એન.ગોંટિયાના માર્ગદર્શન હેઠળ ટેકનિકલ વિભાગ તેમજ બિયારણ વિભાગના હેડ ડો. જે.બી. પટેલના પ્રયાસોથી છેલ્લા બે વર્ષથી ઓનલાઇન અરજીઓ મંગાવવાની સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. ઓનલાઈન અરજીઓની સિસ્ટમને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો અને સૌરાષ્ટ્રના ખેડૂતો જાગૃત થયા છે. આ વર્ષે મગફળીની વિવિધ જાત સોયાબીન ખરીદવા કૃષિ યુનિવર્સિટીને 18,868 ઓનલાઇન અરજીઓ મળી છે.