બે વર્ષે ગેંગરેપની ફરિયાદ ખોટી, યુવતીએ ફસાવ્યાનું ખુલ્યું
રાજકોટમાં બે વર્ષ પહેલા રણછોડનગરમાં એક ફ્લેટમાં યુવતીને બોલાવીને નટુભાઈ સોજીત્રા સહિત ત્રણ શખ્સોએ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ તેમાં આરોપીઓની ધરપકડ,ચાર્જશીટ, જામીનમુક્ત થયા બાદ નટુભાઈએ પોલીસમાં પોતાને હનીટ્રેપમાં ફસાવ્યાની ફરિયાદ કરતા તેમાં તથ્ય જણાતા મહિલા પોલીસ સ્ટેશને આજે અનિતા શીંગાળા નામની યુવતી સહિત ચાર શખ્સો સામે ત્રણ પ્રૌઢોને મોહજાળમાં ફસાવીને પછી ગેંગરેપની ફરિયાદ દાખલ કરાવી ખોટા પૂરાવા ઉભા કર્યાની ફરિયાદ નોંધાઈ છે. વિગત એવી છે કે અજાણ્યા નંબર પરથી કોઈ યુવતીનો જાતીય ઉત્તેજના જગાવતા ફોન આવવા સામાન્ય છે. તેમાં ઘણા ફોન બ્લોક કરીને નીકળી જાય છે પણ અનેક ફસાઈ જાય છે.
આજે મહિલા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મૂજબ આરોપી (1) અનિતા કાંતિભાઈ શીંગાળા લોહાણા (ઉ. 36 રહે.ખોડપરા શેરી નં.15, જેતપુર જિ.રાજકોટ), (2) નુરમા ઈકબાલભાઈ સિપાઈ (ઉ. 38 રહે.ભૂતનથ મંદિર બાજુમાં, પાણીના ટાંકા પાસે ધોરાજી) (3) ઈમ્તિયાઝ હબીબભાઈ (રહે.જુનાગઢ) અને (4) રજાક ઈકબાલભાઈ (રહે.જુનાગઢ) અને (5) નુરમાબેનની ભત્રીજી વગેરે આરોપીઓ સિનિયર સિટીઝનોને યુવતી મારફત ફોન કરાવી હની ટ્રેપ ગોઠવી મોટી રકમનો તોડ કરવા અને તોડ ન કરી શકે તો કાનુની સલાહકારની મદદ લઈ ગેંગરેપની ફરિયાદ કરી બાદમાં ફરિયાદ પાછી ખેંચવા તોડ કરવાનું પૂર્વ યોજીત કાવત્રુ કર્યું હતું. આ અન્વયે નટુભાઈ સોજીત્રા પર એક અજાણ્યા નંબરથી અનિતાનો ફોન આવ્યો હતો . આ નંબર ઈમ્તિયાઝે યુવતીને આપ્યા હતા.
- Advertisement -
અનિતાએ મીઠી મીઠી જાતીય ઉત્તેજનાસભર વાતો કરી હતી અને પોતાનું નગ્ન શરીર દેખાડી શરીર સંબંધ બાંધવા લલચાવ્યા હતા અને એમ પણ કહ્યું કે જો અન્ય વધારે વ્યક્તિઓ (શરીર સંબંધ બાંધવા) સાથે હોય તો પણ ચાલશેે, તેમાં વાંધો નથી.
બાદમાં આ યુવતીએ ફોન કરીને પોતે રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડીએ ઉતરશે ત્યાંથી લઈ જજો તેમ કહ્યું હતું. તા. 1-3-2020ના રાજકોટના રણછોડનગર શેરી નં. 20માં આવેલા સંભવનાથ એપાર્ટમેન્ટમાં અનિતા તેની સ્વેચ્છાએ જુનાગઢથી આવી હતી. ફ્લેટમાં આવી નટુભાઈ અને તેના બે મિત્રો પરસોતમ મોહનભાઈ ઉમરેટિયા અને અશોકભાઈ મોહનભાઈ મોરાણીયાને મળી હતી અને રૂમ. 2000 લઈને સ્થળ પરથી ચાલી ગઈ હતી અને બાદમાં યુવતીએ ગેંગ રેપની ત્રણેય સામે ફરિયાદ કરી હતી. પોલીસે તુરંત જ ગેંગરેપના કેસમાં આરોપીઓની ધરપકડ કરી હતી, જેલહવાલે થયા હતા અને ચાર્જશીટ પણ થયું છે અને બાદમાં જામીન મુક્ત થયા છે.બાદમાં આ ગેંગે સમાધાન માટે વકીલ મારફત રૂમ. 30 લાખની માગણી કરી,નુરમાબેને રૂમ. 4 લાખ માંગ્યા તે પૈકી ફરિયાદી નટુભાઈ પાસેથી રૂમ.25 હજાર પડાવ્યાનું ખુલ્યું છે.
આમ આ ગેંગરેપ નથી પરંતુ, હનીટ્રેપમાં ફસાવાયા છે તેવી નટુભાઈના પુત્રે અગાઉ પોલીસ કમિશનરને કરેલી અરજીમાં તથ્ય જણાતા, પોલીસને અનિતાની ગેંગ સામે પૂરાવા મળતા અંતે આજે હનીટ્રેપનો ગુનો નોંધી મહિલા પોલીસ મથકના પી.આઈ.સેજલબેન આર.પટેલ દ્વારા આરોપીઓની ધરપકડ કરવા તજવીજ હાથ ધરાઈ છે.


