જિલ્લા વિકાસ અધિકારીએ રૂબરૂ મુલાકાત લેવાની જરૂર: કેટલાક નેતામાં દોડધામ મચી ગઈ
ખાસ-ખબર સંવાદદાતા
મેંદરડામાં નવા સીસી રોડનું કામ કરવામાં આવ્યું છે. આ કામમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ થતાં સ્થાનિક કેટલાક નેતાઓમાં દોડધામ મચી ગઈ છે. આ કામની યોગ્ય તપાસ કરવામાં આવે તો કોન્ટ્રાક્ટરથી લઈ અનેકના તપેલાં ચડી જાય તેમ છે. આ પ્રકરણમાં જિલ્લા વિકાસ અધિકારીએ રૂબરૂ મુલાકાત લેવાની જરૂર છે.
મેંદરડામાં ભગતસિંહની પ્રતિમાથી ગેબનશાપીરની દરગાહ સુધી નવો સીસી રોડ બનાવવામાં આવ્યો છે પરંતુ આ કામમાં લોટ પાણી ને લાકડા હોય તેવી ફરિયાદો ઉઠી છે. ગ્રામ પંચાયતનાં સરપંચ જયાબેન ખાવડુએ જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારીને ફરિયાદ કરી આ રોડના કામની તટસ્થ તપાસ કરવા માંગ કરી છે. મેંદરડામાં બનેલા રોડના કામમાં ભ્રષ્ટાચાર થયાની રજૂઆત થતાં ભારે ચર્ચા જાગી છે તેમજ લોકોનું માનવું છે કે આ કામની તટસ્થ તપાસ થાય તો અનેકના તપેલાં ચડી જાય તેમ છે. આ ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારીએ પણ રોડના કામની મુલાકાત લેવાની જરૂર છે. નવા બનેલા રોડમાં તિરાડો પડવા લાગી છે. કામની ગુણવત્તાને લઈ કોન્ટ્રાક્ટર સામે સવાલ ઉભા થયા છે.
- Advertisement -
કોન્ટ્રાકટરે કરેલા અન્ય કામ પણ તપાસો
મેંદરડામાં બનાવવામાં આવેલ રોડનું કામ જે કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યું છે તે કોન્ટ્રાક્ટરે અગાઉ કરેલા કામની પણ તપાસ થવી જોઈએ અને બાકી બિલની રકમ અટકાવી દેવી જોઈએ. બધા કામ નબળા થતા હોય તો કોન્ટ્રાક્ટરની એજન્સીને બ્લેકલિસ્ટમાં મૂકવી જોઈએ.
કોન્ટ્રાક્ટર સાથે સ્થાનિક નેતાની મિલીભગત?
- Advertisement -
મેંદરડાનાં મુખ્ય માર્ગનું કામ નબળું થયું છે ત્યારે કોન્ટ્રાક્ટર સાથે સ્થાનિક નેતાઓની મિલીભગત છે કે નહીં તેની પણ તપાસ થવી જોઈએ.