ગોપાલનગરમાં વર્ષ ૧૯૭૨થી આસો નવરાત્રીની ઉજવણી યથાવત્
૪૦થી વધુ નાની-મોટી બાળાઓ સોળંગા રાસ, દિવડા રાસ અને તાલી રાસની પ્રસ્તુતિથી આકર્ષણ જમાવે છે
- Advertisement -
શહેરના ગોપાલનગર વિસ્તારમાં આવેલા સૂર્યમુખી ચોક ખાતે છેલ્લા ૫૫ વર્ષથી આસો નવરાત્રીની ઉજવણી ભક્તિભાવ અને પરંપરાગત રીતે કરવામાં આવે છે. વર્ષ ૧૯૭૨માં શરૂ થયેલી આ પ્રાચીન ગરબી આજે પણ પોતાની આગવી ઓળખ અને સાંસ્કૃતિક વારસાને જાળવી રહી છે. આધુનિક ગરબાના માહોલ વચ્ચે અહીં પરંપરાગત રાસ-ગરબાની રમઝટ સાથે માતાજીની આરાધના કરવામાં આવે છે, જે શ્રદ્ધાળુઓ અને સ્થાનિક રહીશો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. સૂર્યમુખી ગરબી મંડળ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં નાની-મોટી મળી ૪૦થી વધુ બાળાઓ ઉત્સાહભેર ભાગ લઈ માતાજીની આરાધના કરે છે. નવરાત્રીના નવ દિવસ દરમિયાન બાળાઓ દ્વારા દરરોજ વિવિધ પરંપરાગત રાસ-ગરબાની પ્રસ્તુતિ કરવામાં આવે છે. તેમાં સોળંગા રાસ, દિવડા રાસ અને તાલી રાસ વિશેષ આકર્ષણ જમાવે છે. આ ગરબીની અન્ય એક વિશેષતા માતાજીની ફરતી માંડવી છે. માંડવીનાં દર્શન કરવા માટે આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને નાગરિકો ઉમટી પડે છે.
નવરાત્રીના નવ દિવસ દરમિયાન આયોજકો દ્વારા બાળાઓ માટે બંને સમય ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. ગરબી દરમિયાન લ્હાણી, પ્રસાદી અને નાસ્તાનું પણ આયોજન કરવામાં આવે છે. દાતાઓના સહયોગથી દરરોજ લ્હાણી અને પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે. સૂર્યમુખી ચોકની આ પ્રાચીન ગરબીની સૌથી મહત્ત્વની વિશેષતા એ છે કે છેલ્લા ૫૫ વર્ષથી પરિવારના સભ્યો પરંપરાગત રીતે તેનું સંચાલન કરતા આવ્યા છે. પેઢી દર પેઢી આગળ વધતી આ પરંપરા માત્ર ધાર્મિક ઉત્સવ પૂરતી સીમિત નથી, પરંતુ નવી પેઢીને સંસ્કૃતિ, ભક્તિ અને પરંપરાગત લોકકળા સાથે જોડવાનું માધ્યમ પણ બની છે.




