આરજે આકાશે માફી માંગીઃ ‘શબ્દો મારા મુખેથી બોલાયા, પણ એ મારો અંગત અભિપ્રાય નહોતો’
આદિત્ય ગઢવીનો ખુલાસોઃ ‘ગરબા કોઈની અટક પૂછતા નથી; સ્ટેજ કબજે કરી સંદેશ અપાયો’
- Advertisement -
અમદાવાદના એસ.પી. રિંગ રોડ પર જાણીતા લોકગાયક આદિત્ય ગઢવીના ‘રંગ મોરલા’ ગરબા મહોત્સવ દરમિયાન સ્ટેજ પરથી લઘુમતી સમાજના લોકોને બહાર નીકળી જવાની જાહેરાત કરવામાં આવતાં મોટો વિવાદ છેડાયો છે. ગરબા દરમિયાન બ્રેકના સમયે જાણીતા એન્કર આરજે આકાશે માઈક પરથી ખુલ્લેઆમ એલાન કર્યું હતું કે, “જો ગરબામાં કોઈ વિધર્મી હોય તો તે નીકળી જાય. જે કોઈ વિધર્મી જણાય તો હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરી શકો છો, વિશ્વ હિન્દુ પરિષદની ટીમ કાર્યરત છે.” આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભારે ચકચાર મચી ગઈ હતી અને લોકોમાં મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી હતી. સમગ્ર મામલો ગરમાતાં લોકગાયક આદિત્ય ગઢવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ શેર કરીને સમગ્ર વિવાદથી પોતાને સદંતર અળગા રાખ્યા હતા. આદિત્ય ગઢવીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, “હું એક કલાકાર છું અને ગર્વ અનુભવતો હિન્દુ છું. નવરાત્રિ મારા માટે વર્ષના સૌથી પવિત્ર દિવસો છે. મા અંબે સમક્ષ હજારો શ્રોતાઓ વચ્ચે ગાવું એ મારા માટે પરમ આશીર્વાદરૂપ છે. ગરબાએ ક્યારેય કોઈની અટક નથી પૂછી. જે કોઈ વ્યક્તિ માતાજી પ્રત્યે આદર અને પ્રેમભાવ સાથે ગરબામાં આવે છે, તે તમામનું સ્વાગત છે.’ તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે ઈવેન્ટના સ્થળે જે કંઈ પણ બન્યું તે તેમનો સંદેશ નહોતો. કેટલાક લોકોએ બેકસ્ટેજ પર કબજો જમાવી લીધો હતો અને તેમના મંચનો ઉપયોગ એવું કૃત્ય કરવા માટે કર્યો, જેનું તેઓ ક્યારેય સમર્થન ન કરી શકે. બીજી તરફ વિવાદ વકરતાં એન્કર આરજે આકાશે પણ સોશિયલ મીડિયા પર ખુલાસો કરતાં માફી માંગી હતી. તેમણે જણાવ્યું હતું કે નફરત ફેલાવવાનો તેમનો કોઈ ઈરાદો નહોતો. શબ્દો ભલે તેમના મુખેથી બોલાયા હતા, પરંતુ તે તેમનો અંગત અભિપ્રાય નહોતો અને પોતાના મુખેથી આવા શબ્દો શોભતા નથી તેમ કહી તેમણે દિલગીરી વ્યક્ત કરી હતી.



