દક્ષિણ ભારતમાં શિયાળું ચોમાસાનો વિધિવત પ્રારંભ; 21 ઓક્ટોબર સુધી વરસાદી રાઉન્ડની શક્યતા
2001 પછીનું ચોથું સૌથી નબળું ચોમાસું; કર્ણાટકમાં સૌથી વધુ 30% અને કેરળમાં 28 % ની ઘટ
- Advertisement -
ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે સમગ્ર દેશમાંથી નૈઋત્યના ચોમાસાએ વિદાય લઈ લીધી છે અને તેની સાથે જ દક્ષિણ ભારતમાં શિયાળુ (ઉત્તર-પૂર્વીય) ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. રસપ્રદ બાબત એ છે કે આ વર્ષે ચોમાસાનું આગમન વિલંબિત રહ્યું હોવા છતાં તેની વિદાય નિયત સમયમર્યાદામાં જ પૂર્ણ થઈ છે. સામાન્ય રીતે ૧૭ સપ્ટેમ્બરથી પશ્ચિમ રાજસ્થાનથી શરૂ થતી વિદાય પ્રક્રિયા ૧૫ ઓક્ટોબર સુધીમાં પૂર્ણ થતી હોય છે, જ્યારે આ વર્ષે ૧૯ સપ્ટેમ્બરથી શરૂ થયેલી પ્રક્રિયા ૧૬ ઓક્ટોબર સુધીમાં આટોપાઈ ગઈ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, શિયાળુ ચોમાસાના પ્રારંભ સાથે જ દક્ષિણ ભારતના રાજ્યોમાં ૨૧ ઓક્ટોબર સુધી વરસાદી માહોલ રહેવાની સંભાવના છે. તામિલનાડુ, પુડુચેરી, તટીય આંધ્રપ્રદેશ તેમજ કર્ણાટક અને કેરળના આંતરિક વિસ્તારોમાં મેઘમહેર શરૂ થઈ ચૂકી છે. ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન સક્રિય રહેતું આ શિયાળુ ચોમાસું સામાન્ય રહેવાની આગાહી છે, જે દક્ષિણ ભારતના વાર્ષિક વરસાદમાં ૩૦ ટકા અને ખાસ કરીને તામિલનાડુ-પુડુચેરીમાં ૪૮ ટકા જેટલો હિસ્સો ધરાવે છે. નૈઋત્યના ચોમાસાની એકંદર સ્થિતિ પર નજર કરીએ તો, જૂનથી સપ્ટેમ્બર દરમિયાન દેશમાં સરેરાશ કરતાં ૧૩ ટકા ઓછો વરસાદ નોંધાયો છે. આ ચોમાસું વર્ષ ૨૦૦૧ પછીનું ચોથું અને વર્ષ ૧૯૦૧ પછીના ઇતિહાસનું ૧૩મા નંબરનું સૌથી નબળું ચોમાસું સાબિત થયું છે. દક્ષિણ ભારતના રાજ્યોમાં નૈઋત્યના ચોમાસા દરમિયાન મોટો વરસાદી ખાધ જોવા મળી છે, જેમાં કર્ણાટકમાં ૩૦ ટકા, કેરળમાં ૨૮ ટકા, આંધ્રપ્રદેશમાં ૨૫ ટકા અને તામિલનાડુમાં ૨૦ ટકા જેટલી ઘટ નોંધાઈ છે. આ સ્થિતિ વચ્ચે શિયાળુ ચોમાસું સામાન્ય રહેવાના સંકેતોથી દક્ષિણના રાજ્યોને મોટી રાહત મળે તેવી આશા છે.




