રાજકોટમાં 11થી 19 ઓક્ટોબર 9 દિવસીય ભવ્ય પુષ્ટિ રાસોત્સવ ‘નવવિલાસ’નું ભવ્ય આયોજન
બહેનો અને ભાઈઓ માટે અલગ-અલગ હરોળની વ્યવસ્થા : નિ:શુલ્ક પ્રવેશ
- Advertisement -
રાજકોટમાં વૈષ્ણવ ભક્તિ અને સાંસ્કૃતિક પરંપરાનો વિશિષ્ટ માહોલ સર્જશે.
રાજકોટમાં પુષ્ટિ સંપ્રદાયની ભક્તિ પરંપરા અને રાસોત્સવની આધ્યાત્મિક ભાવનાને કેન્દ્રમાં રાખીને અનોખુ આયોજન કરવામાં આવ્યુ છે. વૈષ્ણવાચાર્ય શરદકુમારજી મહારાજ પોરબંદરના સર્વાધ્યક્ષ હેઠળ તથા મદનમોહનપ્રભુના અનુસ્થાને ‘પુષ્ટિ રાસોત્સવ નવવિલાસ’ યોજાશે. આ રાસોત્સવ સંસ્કાર સિટી પાછળ, મારવેલ હોસ્પિટલ, 80 ફૂટ રોડ, મવડી બાયપાસ પાસે કરવામાં આવ્યું છે. રાસોત્સવ સાથે ભક્તોની સુવિધા, સેવા અને ધાર્મિક પરંપરાનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે.આ પુષ્ટિ રાસોત્સવ તા. 11 ઓક્ટોબરથી 19 ઓક્ટોબર 2026 દરમિયાન દરરોજ રાત્રે 9થી 12 વાગ્યા સુધી યોજાશે. વલ્લભાશ્રય સેવા સંસ્થાન ટ્રસ્ટ, જતનબર ગ્રુપ દ્વારા આયોજિત આ રાસોત્સવની વિશેષતા એ છે કે અહીં ભક્તો માટે નિઃશુલ્ક પ્રવેશ રાખવામાં આવ્યો છે. રાસોત્સવ પૂર્ણ થયા બાદ ઉપસ્થિત વૈષ્ણવો માટે નિઃશુલ્ક અલ્પાહાર (કલેવો)ની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આમ, ભક્તિ સાથે સેવાભાવને જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ભક્તો રાસમાં જોડાઈને પ્રભુ આરાધનાનો આનંદ માણી શકે અને સાથે વ્રજની પરંપરાની અનુભૂતિ કરી શકે તે માટે વિશેષ માહોલ ઊભો કરવામાં આવી રહ્યો છે.
‘નવવિલાસ 2026’ દરમિયાન ગોવિંદભાઈ ડોબરીયા હાલારી રાસ તથા સાથીવૃંદ દ્વારા કીર્તનની રસમય પ્રસ્તુતિ કરવામાં આવશે. ધાર્મિક ભાવના, સંગીત અને રાસની પરંપરાને એકસાથે જોડતા આ આયોજનમાં શ્રદ્ધાળુઓને વ્રજધામની રમણરેતીના આધ્યાત્મિક વાતાવરણનો અનુભવ મળશે. આયોજકોના જણાવ્યા મુજબ, વ્રજરજની રમણરેતીનો સાક્ષાત અનુભૂતિ કરાવતું સુંદર અને વિશાળ નવવિલાસ તૈયાર કરવામાં આવ્યું છે. સમગ્ર આયોજન દરમિયાન બહેનો અને ભાઈઓ માટે અલગ-અલગ હરોળની વ્યવસ્થા કરવામાં આવશે, જેથી શ્રદ્ધાળુઓને સુવ્યવસ્થિત રીતે રાસોત્સવમાં ભાગ લઈ શકાય. આયોજકો દ્વારા મોટી સંખ્યામાં વૈષ્ણવો અને ભક્તો સહપરિવાર ઉપસ્થિત રહી આ ભક્તિ પર્વનો લાભ લે તેવી અપીલ કરવામાં આવી છે. પુષ્ટિ રાસોત્સવ ‘નવવિલાસ 2026’ને સફળ બનાવવા માટે નવવિલાસ સમિતિ અને સહકાર્યકર સમિતિના સભ્યો દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સમિતિમાં મીતભાઈ ઝાલવાડીયા, વિપુલભાઈ ભાલાળા, વિજયભાઈ ઠુંમર, રમેશભાઈ અજુડિયા, આશિષભાઈ અભંગી, વિષ્ણુભાઈ અકબરી, કુમનભાઈ વિરડીયા સહિતના કાર્યકરો તેમજ સહકાર્યકર સમિતિના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.
- Advertisement -
ખુલ્લા પગે રાસ લઈ આરાધના કરવાની પરંપરા
‘નવવિલાસ’ની સૌથી વિશિષ્ટ બાબતોમાંની એક એટલે વૈષ્ણવો દ્વારા ખુલ્લા પગે રાસ લઈ આરાધના કરવાની પરંપરા. આયોજકો દ્વારા વ્રજની ભક્તિ પરંપરાની અનુભૂતિ રાજકોટમાં કરાવવાના ઉદ્દેશથી આ વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તો રાસમાં સહભાગી બની પ્રભુ પ્રત્યેની પોતાની શ્રદ્ધા અને ભાવ વ્યક્ત કરી શકશે.




