આજે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસની ઉજવણી
ગિરનારમાં દ્વિઅંગી, ત્રિઅંગી અને બીજધારી વનસ્પતિઓનો મોટો ભંડાર
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.22
22 મે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ નિમિત્તે જૂનાગઢનો ઐતિહાસિક ગિરનાર પર્વત ચર્ચાના કેન્દ્રમાં છે. ગિરનાર માત્ર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર નથી, પરંતુ તે કુદરતી સંપદા અને અદ્ભુત જૈવ વિવિધતાનો પણ અણમોલ ખજાનો છે. આશરે 179 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા ગિરનાર અભયારણ્ય વિસ્તારમાં ગુજરાતનું ગૌરવ એવા એશિયાઈ સિંહોની સાથે 300થી વધુ પ્રકારના પક્ષીઓ, વિવિધ સરીસૃપો અને 600થી વધુ પ્રજાતિની વનસ્પતિઓ જોવા મળે છે. વન્યજીવોમાં સિંહ ઉપરાંત દીપડા, કીડીખાવ, ચિત્તલ, સાબર, હાયના (ઝરખ) અને નીલગાયનો પણ વસવાટ છે.
ગિરનાર ડુંગર દક્ષિણ રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર જી.પી. સુહાગીયાએ ગિરનારની ખાસિયતો જણાવતા કહ્યું કે, ગિરનારમાં દ્વિઅંગી, ત્રિઅંગી અને બીજધારી વનસ્પતિઓનો મોટો ભંડાર છે. અહીં જનાર્ધ નામની એક અત્યંત દુર્લભ માસભક્ષી (કીટાહારી) વનસ્પતિ પણ જોવા મળે છે, જે સંશોધકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. આપણું ભોજન, પાણી, હવા અને દવાઓ પ્રકૃતિ પર નિર્ભર છે. આહાર શૃંખલા અને ઇકો સિસ્ટમ ખોરવાય નહીં તે માટે વન્યજીવોના નૈસર્ગિક આવાસની જાળવણી ખૂબ જ જરૂરી છે. સુશ્રી જી.પી. સુહાગીયાએ જણાવ્યું હતું. તેમણે પ્રકૃતિ પ્રેમીઓને અપીલ કરી છે કે વન વિસ્તારમાં પ્લાસ્ટિકનું પ્રદૂષણ ન ફેલાવીએ. જૂનાગઢ વન વિભાગ જનસહયોગથી ગિરનારના સંરક્ષણ માટે સતત કાર્યરત છે. ગિરનારમાં વાર્ષિક 300 થી 1200 મીમી વરસાદ થાય છે, જે આ જંગલને હર્યુંભર્યું રાખે છે. સુશ્રી સુહાગીયાએ ગિરનારની ટેકરીઓ ખૂંદીને ગિરનારના વૃક્ષો નામનું એક વિશેષ પુસ્તક લખ્યું છે. વન વિભાગના ફિલ્ડ સ્ટાફ માટે ઉપયોગી એવા આ પુસ્તકમાં વૃક્ષોના સ્થાનિક, હિન્દી, અંગ્રેજી અને વૈજ્ઞાનિક નામોની સાથે તેમની ઋતુચર્યા અને ઔષધીય ઉપયોગોની સચોટ માહિતી આપવામાં આવી છે.



