પથ્થર ગાર્ડને આંખના ભાગે વાગતા ઇજા પહોંચી, ગોંડલ સ્ટેશને સારવાર અપાઈ; થોડા દિવસો પહેલા સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ પર પણ પથ્થરમારો થયો હતો
ખાસ-ખબર ન્યૂઝ ગોંડલ
- Advertisement -
ગોંડલ પંથકમાં આવેલા રિબડા રેલવે સ્ટેશન નજીક અસામાજિક તત્વોનો ત્રાસ ફરી એકવાર સામે આવ્યો છે. ગાંધીનગરથી વેરાવળ જતી ઇન્ટરસીટી એક્સપ્રેસ (ટ્રેન નં. 19119) પર 24મી નવેમ્બરના રોજ બપોરના સમયે ચાલુ ટ્રેને પથ્થરમારાની ગંભીર ઘટના બની છે.
આ પથ્થરમારામાં ટ્રેનના છેલ્લા ડબ્બામાં ફરજ બજાવતા ટ્રેન મેનેજર (ગાર્ડ) નિશાન બન્યા હતા. અજાણ્યા શખ્સ દ્વારા ફેંકાયેલો પથ્થર ગાર્ડને આંખના ભાગે વાગતા તેમને ઈજા પહોંચી હતી. ગાર્ડે તાત્કાલિક રેલવે કંટ્રોલને જાણ કરતા, ટ્રેન ગોંડલ રેલવે સ્ટેશન પહોંચતા જ મેડિકલ ટીમ દ્વારા તેમને જરૂરી સારવાર આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, રિબડા રેલવે ટ્રેક પર પથ્થરમારાની આ પહેલી ઘટના નથી. થોડા દિવસો અગાઉ જ વેરાવળ-બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ પર પણ અહીં જ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. વારંવાર બનતી આ ઘટનાઓને કારણે મુસાફરોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
- Advertisement -
રેલવે પ્રશાસને મુસાફરોને સતર્ક રહેવા અને શંકાસ્પદ હિલચાલ જણાય તો તાત્કાલિક આર.પી.એફ. (છઙઋ) નો સંપર્ક કરવાની અપીલ કરી છે.



