કલેક્ટર એન.વી.ઉપાધ્યાય સહિત 250 પર્યાવરણ પ્રેમીઓએ શ્રમદાન કર્યું
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.22
દર વર્ષે સપ્ટેમ્બરના ત્રીજા શનિવારને ‘આંતરરાષ્ટ્રીય તટસફાઈ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. ઉપરાંત ગીર સોમનાથ જિલ્લામાં ‘સ્વચ્છોત્સવ’ અંતર્ગત વિવિધ થીમ અંતર્ગત સફાઈ અભિયાન વેગવંતુ બન્યું છે ત્યારે, આ અભિયાન અંતર્ગત જિલ્લા કલેક્ટર શ્રી એન.વી.ઉપાધ્યાયની ઉપસ્થિતિમાં વહીવટી તંત્ર તેમજ ભારતીય તટરક્ષક દળ અને વિવિધ સંસ્થાઓના સહયોગથી વેરાવળ ખાતે ચોપાટી બીચ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
- Advertisement -
આ તકે, કલેક્ટરએ જણાવ્યું હતું કે, માનવીનું જીવનચક્ર ચલાવવા માટે હવા, પાણી, ખોરાક મહત્વનો ભાગ ભજવે છે. જો આ ચક્ર ખોરવાય તો મનુષ્યને મુશ્કેલી પડી શકે છે. દરિયો પણ મનુષ્ય અને પ્રાણીસૃષ્ટિના જીવનનો એક ભાગ છે. જો દરિયો સાફ હશે તો દરિયાઈ જીવસૃષ્ટિ સલામત રહેશે. આવા શુભ હેતુસર વેરાવળ બીચ ખાતે વહીવટી તંત્રના વિભાગો સહિત 250 જેટલા વિવિધ પર્યાવરણપ્રેમીઓએ સફાઈ કરી હતી. આ સફાઈ દરમિયાન પ્લાસ્ટિક, કાગળ, માછલી પકડવાની જાળના કટકા, થર્મોકોલ સહિતનો નકામો કચરો એકઠો કરવામાં આવ્યો હતો. આ નકામા કચરાનું વૈજ્ઞાનિક ઢબે નિરાકરણ કરવામાં આવશે. વેરાવળ ચોપાટી બીચ ખાતે સફાઈ અભિયાન દરમિયાન ઉપસ્થિત સર્વેએ સ્વચ્છતા શપથ લઈ અને ‘હું કચરો કરીશ નહીં અને કચરો કરવા દઈશ નહીં’ ની ભાવના દર્શાવી શહેરને સ્વચ્છ રાખવાની પ્રતિબદ્ધતા દાખવી હતી.



