જામનગરમાં રાજ પરિવારનો ઐતિહાસિક નિર્ણય
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
જામનગરના રાજ પરિવારે ઐતિહાસિક નિર્ણય લીધો છે. જામસાહેબ શત્રુશલ્યસિંહજીના વારસદાર તરીકે ભૂતપૂર્વ ક્રિકેટર અજય જાડેજાનું નામ જાહેર કર્યું છે. એક પત્ર દ્વારા જામસાહેબે આ જાહેરાત કરી છે. પત્રમાં તેમણે લખ્યું- ‘અજય જાડેજાએ મારા વારસદાર થવાનું સ્વીકાર્યું છે અને જામનગરની પ્રજાની સેવાની જવાબદારી ઉઠાવે તે ખરેખર પ્રજા માટે વરદાનરૂપ છે.’ અજય જાડેજાની ગણતરી ભારતીય ક્રિકેટના શ્રેષ્ઠ ઓલરાઉન્ડર ખેલાડીઓમાં થતી હતી. અજય જાડેજાનો જન્મ 1 ફેબ્રુઆરી 1970ના રોજ ગુજરાતના જામનગરમાં એક રાજવી પરિવારમાં થયો હતો. અજય જાડેજા રાજપૂત પરિવારમાંથી આવે છે અને ગુજરાતના જાડેજા રાજવી પરિવારમાંથી આવે છે. અજય જાડેજાની ક્રિકેટ કારકિર્દી 1992થી 2000 સુધી ચાલી હતી જેમાં તે ભારતના સ્ટાર બેટર પણ રહી ચૂક્યા હતા. અજય જાડેજાએ પોતાની વન-ડે કારકિર્દીમાં 196 મેચ રમી હતી. ભારતીય ક્રિકેટ ટીમના નિયમિત બેટર હોવા ઉપરાંત અજય જાડેજા પણ સારી બોલિંગ કરી શક્તા હતા.
શત્રુશલ્ય સિંહજી કોણ છે?
શત્રુશલ્યસિંહજી ભૂતપૂર્વ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર છે અને નવાનગરના મહારાજાનું બિરુદ ધરાવનાર છેલ્લા વ્યક્તિ છે. ક્રિકેટમાંથી નિવૃત્તિ પછી 1972 સુધી શત્રુશલ્યસિંહજી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના વડા હતા. તેમણે 1958-59ની સિઝનમાં બોમ્બે સામે સૌરાષ્ટ્ર તરફથી રમતા પ્રથમ-વર્ગમાં પ્રવેશ કર્યો હતો. તેણે 1959-60માં સૌરાષ્ટ્ર માટે ત્રણ, 1961-62માં ચાર અને 1962-63માં ચાર મેચ રમી હતી. શત્રુશલ્યસિંહજીએ 1966-67માં રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્રની કપ્તાની કરી હતી, જે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટની અંતિમ સિઝન હતી. તેમણે મોઇન-ઉદ-દૌલા ગોલ્ડ કપ ટુર્નામેન્ટની ફાઇનલમાં ભારતીય સ્ટારલેટ્સની કેપ્ટનશિપ કરી હતી. જામ સાહેબ એ નવાનગરના શાસક રાજકુમારનું બિરુદ છે જે હવે ગુજરાતમાં જામનગર છે. જામસાહેબ રાજપૂતોના જામ જાડેજા કુળના હતા. જામ રાવલજી 1540માં નવાનગરના પ્રથમ જામ સાહેબ હતા. તેમણે કચ્છમાંથી સ્થળાંતર કરીને હાલાર પ્રદેશમાં નવાનગરની સ્થાપના કરી હતી. તેમાં 999 ગામોનો સમાવેશ થાય છે.
મેચ ફિક્સિંગના ડાઘ અને પ્રતિબંધ
વર્ષ 2000 સુધીમાં જાડેજા વિવાદોમાં આવી ગયા. મેચ ફિક્સિંગમાં તેમનું નામ સામે આવ્યું હતું અને 29 વર્ષની ઉંમરે તેમના પર પાંચ વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જાડેજાએ તેની સામે લડત ચલાવી અને ત્રણ વર્ષ બાદ દિલ્હી હાઈકોર્ટ દ્વારા તેમના પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો. અજય જાડેજાએ ફરીથી ક્રિકેટના મેદાનમાં પ્રવેશ કર્યો પરંતુ રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવી શક્યા નહીં. ડોમેસ્ટિક ક્રિકેટમાં તે પહેલા રાજસ્થાનના કેપ્ટન અને કોચ બંને બન્યા. આ સિવાય તે હરિયાણાના કેપ્ટન પણ બન્યા હતા. આ સમયગાળા દરમિયાન તેમણે બોલિવૂડમાં પણ પોતાનું નસીબ અજમાવ્યું. સુનીલ શેટ્ટી અને સની દેઓલ સાથે ‘ખેલ’ નામની ફિલ્મ કરી. આ ફિલ્મ ખરાબ રીતે ફ્લોપ થઈ અને જાડેજાએ આ ક્ષેત્રમાં હાથ જોડી દીધા. હવે તે કોમેન્ટ્રી અને ક્રિકેટ એક્સપર્ટની દુનિયામાં સક્રિય છે.
- Advertisement -
અજય જાડેજાનો રાજપરિવાર સાથેનો સંબંધ
અજય જાડેજાને જામનગરના જામસાહેબ શત્રુશલ્યસિંહજી મહારાજે પોતાના વારસદાર બનાવવાની જાહેરાત કરી છે. જે શત્રુશલ્યસિંહજીના કૌટુંબિક ભત્રીજા થાય છે. જામસાહેબ શત્રુશલ્યસિંહજીના પિતા દિગ્વિજયસિંહજી જુવાનસિંહ જાડેજા અને અજય જાડેજાના દાદા કુમાર પ્રતાપસિંહ જુવાનસિંહ જાડેજા બંને સગાભાઈઓ થાય છે. મહારાજા જીવણસિંહજી જાલમસિંહજી જાડેજાના બે પુત્રો હતા જેઓના નામ જામ રણજીતસિંહજી અને રાજકુમાર જુવાનસિંહજી જાડેજા છે. જેમાં જામ રણજીતસિંહજી પોતે અપરણિત હતા તેમના દ્વારા પોતાના ભાઈ જુવાનસિંહના પુત્ર દિગ્વિજયસિંહજીને દત્તક લેવામાં આવ્યા હતા. દિગ્વિજયસિંહજી જાડેજાના પુત્ર જામ શત્રુશલ્યસિંહજી જે હાલના જામસાહેબ છે. જુવાનસિંહજી જીવણસિંહજી જાડેજાના અન્ય ત્રણ પુત્રો હતા જેમાં કુમાર પ્રતાપસિંહજી જાડેજા, દુલિપસિંહજી જાડેજા અને હિંમતસિંહજી જાડેજા હતા. પ્રતાપસિંહ જાડેજાના પુત્ર દોલતસિંહ જાડેજા થાય છે અને દોલતસિંહ જાડેજાના પુત્ર અજયસિંહ જાડેજા છે. અજય જાડેજાના પિતા સ્વ. દોલતસિંહ જાડેજા કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા. તેઓ જામનગર સંસદીય બેઠક પર વર્ષ 1971, 1980 અને 1984માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં સાંસદ તરીકે ચૂંટાયા હતા.