વરસાદનું પાણી પડતાં રોડ પર મસમોટાં ખાડાં પડ્યા
ખાસ-ખબર ન્યૂઝ દ્વારકા
કેન્દ્ર સરકાર દ્વારા સમુદ્ર વચ્ચે આવેલા ટાપુ પર વસેલા અને ભગવાન શ્રી કૃષ્ણના નિવાસસ્થાન તરીકે મનાતા અહીં નજીકના યાત્રાધામ બેટ દ્વારકાને આશરે 925 કરોડ રૂપિયાના ખર્ચે રાહ રસ્તે જોડાવા સુદર્શન સેતુ નામનો કેબલ બ્રિજ બનાવેલ છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા રાહ રસ્તે આવતા યાત્રિકોને ધ્યાને લઈ દ્વારકા આવતા યાત્રિકોને બેટ દ્વારકા આવવા જવા માટે સુવિધા મળી રહે અને ટ્રાફિકની વ્યવસ્થા હાલમાં જે ઓખા-દ્વારકા ટુ લેન સ્ટેટ હાઈવે નંબર 25 છે તેને સ્થાને ફોર લેન સ્ટેટ હાઈવે નંબર 69 જાહેર કરી આ રોડને 27 મીટરનો બનાવવાની કામગીરી ગત વર્ષે ચાલુ કરવામાં આવ્યા બાદ તેની પ્રાથમિક તબક્કાની કામગીરી સ્વરૂપે આ રોડની બંને બાજુની સાઈડો વધારવાની કામગીરી પણ હજુ ચાલુ છે.
- Advertisement -
ત્યાં ગત માર્ચ મહિનામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો બેટ દ્વારકાનો આ પુલ લોકાર્પણ કરવા માટે આવવાનો પોગ્રામ નક્કી થતા અને રાહ રસ્તે દ્વારકાથી ઓખા જવાનો પોગ્રામ થાય તો આ રોડની ખરાબ હાલતની વિગતો બહારના આવે તે માટે રાતોરાત હાલના આ ડબલ લેનના રોડ પર યુદ્ધના ધોરણે ડબલ લેયર બીટુમેન (ડામર)ના કોટિંગનું કામ જેમતેમ પૂર્ણ કરી રૂડો રૂપાળો બનાવી નાખવામાં આવ્યો હતો.
ત્યાર બાદ આ રોડને આઈ.આર.સી. (ઇન્ડિયન રોડ કોંગ્રેસ)ના ધારા ધોરણ પ્રમાણે સ્ટેટ હાઈવે હોય 11 મીટર પહોળો અને તેના સ્ટેન્ડર્ડ પ્રમાણેની ઊંચાઈ સાથે લાઈન લેવલનો બનાવવાની કામગીરી ચાલુ હતી તેને આગળ વધારી જ્યાં જ્યાં પૂરતી સાઈડની લંબાઈ અને ઊંચાઈ વધારવાનું કામ પૂર્ણ થવા લાગેલ ત્યાં ત્યાં ત્રણ મહિના પહેલા કરવામાં આવેલ બીટુમેન (ડામર) રોડ પર ફરીને ડબલ લેયર બીટુમેન કાર્પેટ કોટિંગનું કામ ચાલુ કરી 50% જેટલો રોડ પૂર્ણ કરી બાકીનું કામ દીપાવલીના તહેવાર પહેલા પૂર્ણ કરવાની જલ્દીમાં આ કામ દિવસ-રાત્રી અને તે પણ ચોમાસાના દિવસોમાં ચાલુ રાખી રોડની અને પ્રજાની હાલત ખરાબ કરી નાખી છે. જેમાં મહિના પહેલા બનાવેલા રોડ પર વરસાદનું પાણી પડતાં રોડમાં જ્યાં ત્યાં ખાડા પડવા અને ઉખડી જવા લાગ્યો હોય હાલ રોડ પર વાહનચાલકો માટે નીકળવું મુશ્કેલ પડી રહ્યું છે ત્યારે તંત્ર દ્વારા હવે આજ ખાડા પડી ગયેલા રોડને પાછા વરસાદ ચાલુ હોય ત્યારે રીપેર કરવામાં અને તેના પર બીટુમેન (ડામર) રોડ બનાવામાં આવતા પ્રજા મા આશ્ર્ચર્ય ફેલાવા પામ્યું છે.
જે કારણે રોડ પર ફ્ક્ત એક્ દિવસ માટે પણ જ્યાં પાણી ભરાયેલા પડ્યા રહે ત્યાં બીટોમેન (ડામર) રોડ ઉખડવા લાગે અને જ્યાં જ્યાં પાણી ભરાયેલ રહે ત્યાં ત્યાં તેટલી જગ્યા પર ઊંડા ખાડા પડી જતાં હોય માસ જુનથી સપ્ટેમ્બર સુધી બીટુમેન (ડામર) રોડ બનાવવાનું કામ કરવાની મનાઈ હોય છે આમ વરસાદ પડતાં રોડ તૂટી જતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.