પ્રાચીન યુરોપના અત્યંત રમણીય ઝરણાઓથી માંડીને ભારતના ગંદા ગામડાંઓ સુધીની રોમાંચક સફર!
વિશ્ર્વમાં કાર્બોનેટેડ સોડાના ઉત્પાદનની શરૂઆત જીનીવામાં પોણા બસ્સો વર્ષ પહેલા થઈ હતી
- Advertisement -
45 કે તેથી વધુ ઉંમરનો ભાગ્યે જ કોઈ એવો ભારતીય હશે જેણે ગોલી વાળી એટલે કે મારબલ સોડા નહી પીધી હોય. ભારતના નાના શહેરોના કેટલાક વિસ્તારોમાં અને અનેક ગામડાઓમાં હજુ પણ આ ગોલી વળી સોડાનું ચલણ છે. યાદ છે ને તમને એ અત્યંત જાડા કાચની અંદરના ભાગે ઉપર ખાંચ વાળી બોટલમાં કેદ સોડા લેમન ઓરેન્જ વીમટો જેવા પીણાઓ? અને એ જાડા કાચની બોટલની ટોચે પહેરો ભરતો કાચનો એક માર્બલ! આ માર્બલ તે બોટલમાં કેદ પીણાને બહાર નીકળી જવા ન દે અને તેના ગેસ્ટ્રીક પાવરને જાળવી રાખે! વાહ! શું જમાનો હતો! મેં આગળ કહ્યું તેમ ભાગ્યે જ કોઈ ભારતીય એવો હશે જે આ સોનેરી દિવસોના સ્વર્ગીય પીણાની મોજ નહી માણી હોય. આવી સોડા અને તે બોટલમાં મળતા અન્ય ઠંડા પીણા એ આપણા બાળપણનો એ બહુ મોટો આનંદ હતો. બાળકો તો શું મોટાઓ પણ બિન્દાસ આ સોડા પીવાની મોજ માણતા. સોડાના સ્પાર્કલિંગ લિક્વિડમાં થોડા મીઠું મરી અને એક લીંબુ!! જીવનનો આ એક અદભૂત આનંદ હતો. જોકે આપણાં માંહેથી બહુ ઓછાં લોકો એ વાત જાણે છે કે આપણે જેને દેશી સોડા માનીએ છીએ તેના મૂળ વિદેશી છે.
હા! માર્બલ વાળી આ સોડા ઇંગ્લેન્ડથી જાપાનની સફર ખેડ્યાં પછી ભારતમાં આવી છે. જેમાંથી ઇંગ્લેન્ડ અને ભારતમાં આ સોડાનું ખાસ ચલણ રહ્યું નથી પણ જાપાનમાં 2024ની આજની તારીખે પણ આ સોડા એટલી જ લોકપ્રિય છે. જાપાનીઝ લોકોનો તે પ્રેમ છે. જાપાનીઝ લોકો આ સોડા બોટલ અને તેમાં મળતા સાદી સોડા સહિતના પીણા માટે હજુ આજે પણ એટલી જ દીવાનગી ધરાવે છે. આ સોડા જાપાનની જૂની અને નવી પેઢીને એક સૂત્રે બાંધતો સેતુ છે. જાપાનીઝ લોકો એટલી વેરાઈટીમાં અને એટલી જ ડિઝાઇનમાં આ પ્રકારની સોડા બોટલ બનાવે છે કે તેનું એક આખું મ્યુઝિયમ બનાવી શકાય. જાપાનમાં આ સોડાને બહુ પ્રેમ અને આદરથી “રામુન” સોડા તરીકે સંબોધવામાં આવે છે.
જાપાનમાં રામુન સોડા એ સાંસ્કૃતિક ટચસ્ટોન છે. જાપાનના વૃદ્ધો માટે આ રામૂન સોડા વીતેલા યુગની મધુર સ્મૃતિઓ જગાડે છે. રામુનને જાપાનના રાષ્ટ્રીય પીણા તરીકે પણ વર્ણવવામાં આવે છે. તેના ગોળાકાર વળાંકો, અસંખ્ય સ્વાદો અને ચિત્તાકર્ષક આર્ટવર્ક સાથેની મોહક બોટલ – આ બધું લોકપ્રિય સૌંદર્યલક્ષી જાપાનીઝ કવાઈ સંસ્કૃતિ સાથે બંધબેસે છે.
પરંતુ આ સોડાની ઉત્પત્તિ ક્યાં થઈ? રામુનની શોધ કોણે કરી?
ચાલો રામુન સોડાના ઇતિહાસ વિશે તમારા બધા પ્રશ્ર્નોના જવાબ આપીએ.
કહેવાય છે કે સ્કોટિશ ફાર્માસિસ્ટ એલેક્ઝાન્ડર કેમેરોન સિમ (1840 – 1900) એ 1884માં આજે રામુન તરીકે ઓળખાતી આ સોડાની શોધ કરી હતી. લંડનની હોસ્પિટલમાં ફાર્માસિસ્ટ તરીકે કામ કર્યા પછી સિમ ઇંગ્લેન્ડની રોયલ નેવીમાં જોડાયા હતા અને 1869માં જાપાનના નાગાસાકી ખાતે તેમનું પોસ્ટિંગ કરવામાં આવ્યું હતું.
- Advertisement -
તે સમયે નાગાસાકી એક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય વેપાર બંદર હતું. સાકાકુના સમયગાળા દરમિયાન જાપાને પોતે જ સંપૂર્ણ વિશ્વથી અળગા થઈ જવાનો નિર્ણય કર્યો હતો. તે સમયે સામાન્ય રીતે વિદેશી વેપાર પર પ્રતિબંધ હતો, પરંતુ નાગાસાકી એક માત્ર બંદર હતું જે ત્યારે પણ આંતરરાષ્ટ્રીય સ્તરે વેપાર કરતું હતું. 1870માં દવા અને તબીબી સાધનોની આયાત કરવાનો પોતાનો વ્યવસાય શરૂ કરતા પહેલા, આ મી. એલેક્ઝાન્ડર સીમ આયાતના વ્યવસાય માટે કામ કરવા કોબે ગયા. 1884માં તેમણે કોલેરાને રોકવા માટે એક ગળ્યું કાર્બોનેટેડ પીણું બનાવ્યું. રેમુન બોટલને સપાટ બનાવવાની બદલે તેણે માર્બલ સીલવાળી કોડ-નેક બોટલનો ઉપયોગ કર્યો. આ બોટલની શોધ અંગ્રેજ હીરામ કોડ (1838 – 1887) દ્વારા કરવામાં આવી હતી. “મૈનીચી” અખબારમાં કોલેરાના નિવારક તરીકે બોટલ્ડ રેમુનની જાહેરાત કરવામાં આવતી હતી અને ટૂંક સમયમાં તેની ભારે માંગ ઊભી થઈ હતી. બાકી તો કહે છે તેમ ઇતિહાસ છે.
ગોળી વાળી સોડાનું જાપાનમાં છેલ્લાં 175 વર્ષથી ચલણ છે અને ત્યાં તે આજે પણ એટલી જ લોકપ્રિય છે!
ભારતમાં કાર્બોનેટેડ સોડાનું આગમન 1837માં મુંબઈથી થયું હતું
‘રામુન’નો ઉદભવ ક્યાં થયો?
રામુન સ્પષ્ટપણે જાપાની છે, પરંતુ તે સ્કોટ્સમેનની સર્જનાત્મકતા અને અંગ્રેજી શોધકની મૌલિક બોટલ ડિઝાઇનમાંથી ઉદ્દભવી છે. સિમે ઔષધીય હેતુઓ માટે કાર્બોનેટેડ પીણું બનાવ્યું હતું, આ પીણું લીંબુ આધારિત હતું. જાપાનીઝ ભાષામાં લીંબુ માટે જે શબ્દ છે તેનો ઉચ્ચાર રામુન જેવો થાય છે. આમ મૂળભૂત રીતે લીંબુ સોડા જેવું આ પીણાંનું નામ રામૂન સોડા પડ્યું. એલેકઝાન્ડર સીમે કોલેરા નિવારક દવા તરીકે કોબેમાં આંતરરાષ્ટ્રીય સમુદાયને પણ આ પીણું વેચ્યું હતું. એવું મનાય છે કે યુરોપ ઇંગ્લેન્ડ અને જાપાનમાં લીંબુ સોડા ની શરૂઆત અહીંથી થઈ હતી. જાપાનીઓએ પરંપરા તરીકે કોડ-નેક બોટલ હજુ જાળવી રાખી છે, પરંતુ આજે, લેબલ્સ પર સુંદર જાપાનીઝ આર્ટવર્ક જોવા મળે છે અને તેઓએ અનેક ફ્લેવર્સ પણ વિકસાવી છે. આગળ કહ્યું તેમ રામુન મૂળભૂત રીતે લીંબુ સોડાનું નામ છે. જાપાનમાં તેનો મૂળ સ્વાદ આજ સુધી જાળવી રાખવામાં આવ્યો છે, જાપાનીઝ લોકો આ લીંબુ સોડામાં થોડો ચૂનો પણ નાખે છે. આ મૂળ સ્વાદ હજુ પણ ખૂબ જ લોકપ્રિય છે, પરંતુ હવે તેમાં યૂઝુ અને લીચી રેમ્યુન જેવા તરસ છીપાવનારા ફ્રુટી ફ્લેવરની વિશાળ શ્રેણી ઉપલબ્ધ છે. આજે ત્યાં “વસાબી અને તેરિયાકી” જેવા કેટલાક વિચિત્ર જણાતા સ્વાદોમાં પણ રામુન સોડા મળે છે. તેથી પણ આગળ જઈને ત્યાં આજે છે ‘કરી’ કે ‘ઓક્ટોપસ’ ફ્લેવર્સમાં પણ રામુન સોડા મળે છે.
મૂળ સોડાનો ઈતિહાસ પણ સ્પાર્કલિંગ
સોડાનો ઈતિહાસ સોડા જેવો જ સ્પાર્કલિંગ છે, તેમાં રોમાંચ છે અને સોડાના પ્રથમ ઘૂંટે અનુભવાતી ધ્રુજારી પણ તેમાં છે. તે ચટપટો પણ છે અને તેમાં મીઠાશ પણ છે. જગતની પ્રથમ સોડા 18મી સદીની શરૂઆતમાં બનાવવામાં આવી હતી. અલબત્ત તે વખતે તેનો સ્વાદ એટલો બધો સારો ન હતો. સોડા બનાવવાનું શરૂ થયાના પ્રારંભિક તબક્કામાં તેનો સ્વાદ પર્વતોમાંથી નીકળતા ઝરણાના અસલી પ્રાકૃતિક મિનરલ વોટર જેવો ચચરાટ પેદા કરનાર હતો. સોડાના સર્જકોએ કુદરતી મિનરલ વોટરના આવા સ્વાદની નકલ કરી હતી. આવું કરવા પાછળ એક કારણ હતું. સોડાનું નિર્માણ શરૂ થયા પહેલાના સમયમાં નૈસર્ગિક મિનરલ વોટરનો ઉપયોગ કેટલાક ઉપચાર માટે કરવામાં આવતો હતો. આ પ્રાચીન વિચાર રોમનોએ હજારો વર્ષ પહેલાં રોપ્યો હતો. નૈસર્ગિક મિનરલ વોટર જેવી અનુભૂતિ પેદા કરવા સોડાના ઉત્પાદકો શરૂઆતી ગાળા દરમિયાન સાદા પાણીમાં ચૂના અને એસિડનું મિશ્રણ નાખતા હતા. 18મી સદીના ઉત્તરાર્ધમાં કેટલાક બીજા સંશોધકો પણ સોડાના નામે નવા નવા મિશ્રણો લઈ લોકો સમક્ષ આવ્યા હતા. પરંતુ મૂળ કાર્બોનેશન તકનીકો 1760ના દાયકામાં વિકસાવવામાં આવી હતી. 1789માં જેકબ શ્વેપ્પે નામની વ્યક્તિએ શ્વેપ્પ્સ નામ સાથે જીનીવામાં સેલ્ટઝર સોડાનું વેચાણ શરૂ કર્યું હતું. 1798 માં, “સોડા વોટર” કાર્બોનેટેડ પાણી માટે વપરાતો મુખ્ય ચલણી શબ્દ બન્યો હતો.અમેરિકામાં આ સોડા છેક 1835માં પહોંચી હતી અને તે જ વર્ષે અમેરિકામાં સહુ પ્રથમ સોડા બોટલિંગ પ્લાંટની શરૂઆત થઈ હતી. ત્યારથી સોડામાં નવા નવા સ્વાદ રંગ રૂપ વિકસાવવાની શરૂઆત થઈ હતી. 18મી સદીના અંતમાં અને 19મી સદીની શરૂઆતમાં સેલ્ટઝરમાં સ્વીટનર અને ફ્લેવરિંગ્સ (જેમ કે વાઇન) ઉમેરવાનું ધીમે ધીમે લોકપ્રિય બન્યું હતું. 1865 સુધીમાં ફળમાંથી બનાવેલા ફ્લેવર્ડ સીરપની વિજ્ઞાપનો શરૂ થઈ ગઈ હતી. તે જ સમયમાં સોડા વોટરમાં પાઈનેપલ, બ્લેક ચેરી, ગૂસબેરી, પિઅર અને ટુટી ફ્રુટી જેવા ફળોના રસ ઉમેરવાની પરંપરા પણ શરૂ થઈ હતી. 1886માં જ્યારે જે.એસ.પેમ્બર્ટને આફ્રિકન કોલા નટ અને દક્ષિણ અમેરિકન કોકેઈનનું માદક કોમ્બિનેશન તૈયાર કરી કોકાકોલા નામનું એક પીણું તૈયાર કર્યું જે આજે વિશ્વભરમાં મશહૂર છે. સદભાગ્યે રેસીપીમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આજે કોલાની ઘણી જુદી જુદી નવીનતમ પરિકલ્પના આપણી સેવામાં છે, જેમાં ચિનોટ્ટોમાં વપરાતા મર્ટલ-લીવ્ડ સંતરા અર્ક જેવા વિવિધ પરંપરાગત ઘટકો મુખ્ય છે. 1800 ના દાયકાના મધ્યથી અંત સુધી ડો. પીપર થી પેપ્સી સુધી, કેટલાક બીજા પ્રખ્યાત પીણાંઓ પણ બજારમાં આવતા રહ્યા. આ વણથંભરી વણઝારે 1861 માં “પોપ” શબ્દને જન્મ આપ્યો. સોડાને વધુ લોકપ્રિય અને ચલણી બનાવવા માટે 1920 થી 1950 દરમિયાન મિલ્ક બાર અને દવાની દુકાનો ઉપર પણ વેચાણ માટે મૂકવામાં આવતી હતી. આ રીતે સોડાની દિવાની એવી એક આખી નવી પેઢી તૈયાર કરવામાં આવી. ખોલતી વખતે અવાજ થાય તેવી પોપ અપ સોડા થી લઈને, ક્રાઉન સોડા અને છેક આજની પ્લાસ્ટિક બોટલ તથા કેનમાં મળતી સોડાના ગ્રાહકોમાં એક વસ્તુ સર્વ સામાન્ય છે કે, તેઓ સોડાની અંદર જે દ્રાવણ નાખવામાં આવ્યું છે તે હેલ્ધી છે કે નહીં એ બાબતે બહુ જ સતર્ક છે.
તો ક્રાફ્ટ સોડા શું છે અને તે કેવી રીતે બને છે?
ક્રાફ્ટ સોડા એટલે એવી સોડા જેમાં એકદમ હેલ્ધી પ્રવાહીનો ઉપયોગ કરવામાં આવ્યો હોય. મોટાભાગે આવી સોડા કેટલાક ખાસ વિશેષ સ્વાદમાં વિશેષ ઘટકોનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે તે બહુ નાના લોટમાં નાના એવા સમૂહને લક્ષમાં રાખી તૈયાર કરવામાં આવતી હોય છે. ભારતમાં એક વખત આવી હજુરી સોડા ખુબ જ લોકપ્રિય હતી. અમેરિકામાં હવે ક્રાફ્ટ સોડાના ઉદભવે તાજેતરમાં તેની સૌથી મોટી બ્રાન્ડ્સને પાછળ ધકેલી દીધી છે. આનાથી અમેરિકામાં ક્રાફ્ટ સોડા 2016માં 541 મિલિયન જથ્થાબંધ વેચાણ પર પહોંચ્યો હતો, અને તે સમયે બાકીના કાર્બોરેટેડ પીણા ઉદ્યોગ ડાઉન હોવા છતાં તે જ વર્ષે દરમિયાન ક્રાફ્ટ સોડાનું વોલ્યુમમાં 5% વધ્યું હતું. આ જ રીતે ભારતમાં જીરા મસાલા સોડા વિદેશની બ્રાન્ડ અને આપણા દેશની અત્યંત સફળ બ્રાન્ડને આજે ટક્કર આપી રહી છે. ભારતમાં સ્થાનિક તારે બનાવવામાં અને વેચવામાં આવતી લીંબુ સોડાનું પણ બહુ મોટું માર્કેટ છે. લોકો આજે સ્વાસ્થ્ય પ્રત્યે વધુ જાગૃત બન્યા હોવાથી અને માર્કેટિંગ તથા એડવર્ટાઈઝિંગની અસરમાંથી થોડા ઘણા અંશે પોતાની જાતને અલગ કરીને જુના જમાનાની મોટી મોટી બ્રાન્ડના કાર્બોનેટેડ ઠંડા પીણા છોડી સ્થાનિક બ્રાન્ડના પ્રાકૃતિક ક્ધટેન્ટ ધરાવતા હેલ્ધી કાર્બોનેટેડ પીણાં અપનાવી રહ્યા છે. ક્રાફ્ટ સોડા ન કરી શકે એવું કંઈ નથી. તેમાં ખાંડનું પ્રમાણ ઘણી વખત ઓછું હોય છે. ઘટકો સ્થાનિક રીતે મેળવવામાં આવતા હોય છે. ઉપરાંત, ક્રાફ્ટ સોડા અનન્ય ચટાકેદાર સ્વાદો આપે છે. આજ રીતે તાજેતરમાં લીલા તીખા મરચા અને વાટેલા તાજા ફુદીનાની સોડા વધુને વધુ લોકપ્રિય થઈ રહી છે.
કોલેરા માટેનું લેમોનેડ ડ્રીંક બાદમાં ટ્રેડિશનલ ડ્રિન્ક બન્યું
પ્રથમ તો રામુનને કોલેરા રોકવા માટેના ઔષધીય પીણા તરીકે જોવામાં આવ્યું હતું, પરંતુ ટૂંક સમયમાં જ તે એક સ્વાદિષ્ટ, તાજગીદાયી પીણા તરીકે પ્રસ્થાપિત થઈ ગયું. હતુ.જાપાનમાં ખાસ કરીને ઉનાળાના મહિનાઓમાં સામાજિક મેળાવડાઓમાં તેનો ઉપયોગ વધવા લાગ્યો હતો. ત્યારથી રામુન પરંપરાગત રીતે ઉનાળાના તહેવારોનું અને ઉનાળાની રાતના પીણા તરીકે મશહૂર થવા લાગ્યું. હવે તે જાપાનમાં ઉનાળાનું પ્રતીક બની ગયું છે, પરંતુ, અલબત્ત, કોઈપણ હળવા પીણાની જેમ, તે વર્ષના કોઈપણ સમયે માણી શકાય છે. રામુન ખરેખર સારા સમયનું પ્રતીક છે. લગભગ 150 વર્ષ કરતા વધુ સમયથી તેની લોકપ્રિયતા ક્યારેય ઓછી થઈ નથી; આજે જાપાનમાં રામુન સોડાની 35 જેટલી ફ્લેવર અવેલેબલ છે. જાપાનીઝ હૃદય માટે તે હજુ પ્રિયપાત્ર રહ્યું છે. જાપાનમાં રામુન સોડાની લોકપ્રિયતા એટલી પ્રચંડ છે કે અત્યારે મેક ડોનાલ્ડને પણ જાપાનમાં આવી કોડનેક માર્બલ વાળી સોડા અને આ જ શૈલીમાં પોતાના ઠંડા પીણા મુકવાની ફરજ પડી છે.