3500 લિટર પેટ્રોલ-ડીઝલ કોણે, શા માટે સપ્લાય કર્યું?
TRPમાં નિયમિત ફ્યુઅલ પહોંચાડતા પેટ્રોલ પમ્પ ધારક કોણ?
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.27
હું કે તમે પેટ્રોલ પમ્પ પર ઈમરજન્સીમાં પેટ્રોલ-ડીઝલ બોટલમાં લેવા જઈએ- માત્ર એક લિટર ફ્યુઅલ જોઈતું હોય તો પણ મોટા ભાગનાં પમ્પમાંથી ના સાંભળવા મળશે. એક લિટર તો કોઈ આપી દે એવું પણ બને, પરંતુ જો આપણે દસ લિટરનું કૅન લઈને પેટ્રોલ લેવા જઈએ તો તેઓ શંકાની નજરથી આપણને તાકવા લાગશે. આપણે સૌ સામાન્ય લોકો છીએ. આપણી પાસે કોઈ સ્પેશિયલ પ્રિવિલેજ નથી.
શું તમને ખ્યાલ છે, રાજકોટના ટી.આર.પી. ગેમ ઝોનમાં આગ લાગી ત્યારે ત્યાં કેટલું ઈંધણ રાખેલું હતું? 3500 લિટર. લગભગ બે હજાર લિટર પેટ્રોલ અને 1500 લિટર ડીઝલ. કુલ સાડા ત્રણ હજાર લિટર ફ્યુઅલ.
સામાન્ય આગને અગ્નિકાંડમાં અને મોતની અગ્નિમાં ફેરવવામાં આ ઈંધણ સૌથી વધુ જવાબદાર છે. શું આટલું ફ્યુઅલ રાખવા માટે કોઈ પ્રકારનું લાયસન્સ હતું? ના. બિલકુલ નહીં. બાંધકામની મંજુરી અને ફાયર એન.ઓ.સી. જેવી પ્રાથમિક બાબતો પૂર્ણ કર્યા વગર આમ પણ આવી મંજૂરી મળી ન શકે. બીજું, સ્ટોરેજ-સેફ્ટીની વ્યવસ્થા પણ ફરજીયાત જોઈએ. ચાલે છે. હોતા હૈ. ચલતા હૈ. હુઆ તો હુઆ. કોઈને કશો ફરક પડતો નથી. પચાસ પ્રકારની તપાસનાં ડિંડક ચાલે છે, પાયાની વાત અંગે જ કોઈ ઈન્વેસ્ટિગેશન થતું નથી: આટલું ફ્યુઅલ છેવટે આવ્યું ક્યાંથી? ચાર-ચાર વર્ષથી ગેમ ઝોનમાં નિયમિત ફ્યુઅલ સપ્લાય કોણ કરતું હતું? કોણ હતાં એ પાપિયા પેટ્રોલ પમ્પવાળા? શું એનો ગુનો નાનો છે? એકપણ જવાબદાર બચવો ન જોઈએ. પછી એ નાનો અધિકારી હોય કે મ્યુનિસિપલ કમિશનર. આ ઘટના રાજકોટનાં ઈતિહાસની સૌથી મોટી કરૂણાંતીકા છે. અને આ ધ્રુજાવી દેતી દૂર્ઘટના માટે એક-બે નહીં, અનેક લોકો જવાબદાર છે. આ (બે)જવાબદાર લોકોમાંથી જો કોઈપણ છટકી જશે તો એ પણ એક મોટી દૂર્ઘટના ગણાશે.