હજી શ્વાસમાં આવ જા એ કરે છે,
જરી એમની યાદ ફર ફર કરે છે
વહાલી જિંદગી!
- Advertisement -
શિવલિંગ પર જળના અભિષેક વખતે જેમ હું શિવલિંગ પર અને જળની ધાર પર ચિત્ત રાખી પૂર્ણ શ્રદ્ધાથી શિવમય બની જાઉં છું એવી જ રીતે તારા પર પ્રેમાભિષેક કરતી વખતે સંપૂર્ણપણે જિંદગીમય બની મન વચન અને કર્મમાં તને ધારણ કરી વહાલથી તારી ભક્તિ કરું છું. મને ભક્તિનું આ સ્વરૂપ મોક્ષનો અધિકારી બનાવે છે. હું તારી દિવેટ છું, તું મારું દિવેલ છે. દિવેલ સાથે દિવેટ ભળી પ્રેમરૂપી જ્યોત પ્રગટે છે અને આપણી આજુબાજુ પ્રકાશ જ પ્રકાશ દેખાય છે. તું મારા જ્ઞાનને ચેતાવનાર અગ્નિનો એક તણખો છે.હું એ તણખાથી જ્ઞાનસભર થઈ આપણી પોતાની આગવી સૃષ્ટિની રચના કરું છું. તું સતત મારામાં ધબકી રહી છે. ગીતામાં જેને ભગવાને કર્મયોગ કર્યો છે એ વિશે હું કદાચ સાવ અજાણ હોઈશ પણ કર્મયોગને જ પ્રેમયોગ ગણી હું તને શ્વસી રહ્યો છું. આજ કારણ છે કે તું સદેહે હાજર ના હોય તો પણ હું એકલો નથી પડતો. તારી યાદ, તારું સ્મરણ મારામાં જાપ જેમ ચાલ્યાં કરે છે. હું તારા નામમાં – તારા સ્વરૂપમાં – તારી હયાતીમાં અને તારા કણે કણમાં એકરૂપ થઈ તારી મૂર્તિ કંડારું છું પછી એ મૂર્તિમાં પ્રાણપૂરી મારા જીવનનું દિવેલ વધારતો જાઉં છું. જિંદગી ! હું તારી સાધનામાં લીન થઈ જાઉં છું પછી મને મારા મનની શાંતિની કિંમત સમજાય છે. સઘળું શાંત છે.
દરિયાના મોજાઓ કિનારા પર ફીણ છોડી જાય એવી ધવલ ફીણવાળી, સાવ હલકી ફૂલકી, શાંત અવસ્થામાં બેસી હું તારા જાપ કરવામાં મગ્ન થઈ જાઉં છું. તારામાં ઊંડે ઊંડે ઉતરી, તારા દિલની કોમળ પથારી પર પાથરેલાં આપણાં પ્રેમના રંગબેરંગી ફૂલોની સુગંધ માણી તારી સુગંધમાં ગરકાવ થઈ, મને તારામાં ઓગાળી, પીગાળી, સાવ નીચોવી દઈ મારાં અસ્તિત્વને તારામાં રોપું છું. તારામાં રોપ્યાં પછી હું તારા જ અંગે અંગમાં ઊગી નીકળું છું. ચારેબાજુ, બધી જ જગ્યાએ હું જ દેખાઉં છું. આ રીતે અસ્તિત્વનો લોપ કરી મારું તારામાં આરોપણ એ જ મારું સાવ અને પૂર્ણ સમર્પણ છે. આપણું બંનેનું એકબીજામાં ભળીને ઊગી નીકળવું એ કોઈ સામાન્ય ઘટના નથી પરંતુ દૈવી સંયોગ છે એવું અનુભવાય છે. શ્રદ્ધા ક્યારેય નથી હારતી એ તું પણ જાણે છે અને હું પણ જાણું છું. મને તારા પર જેટલી શ્રદ્ધા છે એટલી જ શ્રદ્ધા મારા પ્રેમ અને સમર્પણ પર પણ છે. તારા હૃદયના ઊંડાણમાં મેં જે થોડી ઘણી જગ્યા બનાવી છે એ જગ્યા હજુ વધારે કેમ પ્રબળ બને? તારા દિલમાં હું પૂર્ણપણે ક્યારે સ્થાપિત થાઉં? એ વિચાર મને હંમેશા જાગતો રાખે છે. પણ મારુ આ જાગવું એ તારા હૃદયમાં સ્થાપિત થવાનું કર્તવ્યકર્મ ના રહેતા કર્મયોગ બની રહે છે. હું જિંદગીમાં સ્થિતપ્રજ્ઞ થયો છું… જિંદગીમાં મનપ્રજ્ઞ થયો છું…સતત જિંદગીમાં પ્રેમપ્રજ્ઞ બની જીવી રહ્યો છું. એક દિવસ મારું આ તપોબળ તારા હૃદયને ઝંકૃત કરી મને સંપૂર્ણપણે સ્થાપિત કરશે જ એની ખાતરી છે.
તને સતત શ્વસતો…
જીવ.
(શીર્ષકપંક્તિ:- કવિતા શાહ)