સ્થાનિક પોલીસ દેશી દારૂની બદી પર કાબૂ મેળવવામાં સંપૂર્ણ નિષ્ફળ: લીલા, હાથિયા અને લૂણાને ઝડપવામાં કોની શરમ નડી રહી છે ?
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.20
- Advertisement -
રાજ્યભરમાં અગણિત જગ્યાઓ પર દેશી દારૂનું વેંચાણ થઈ રહ્યું છે, ગાંધીના ગુજરાતમાં સેંકડો દેશી દારૂ બનાવવાના હાટડા ધમધમી રહ્યા છે. હાલ રાજકોટના શાપર-વેરાવળમાં પણ ધોળા દિવસે દેશી દારૂનું ધૂમ વેંચાણ થઈ રહ્યું છે. આ ઔદ્યોગિક વિસ્તારમાં લીલાભાઇ અજમલભાઇ ભાલાણી, હાથિયા લાલાભાઇ વિજાણી અને લૂણાભાઇ હાજાણી દ્વારા બેરોકટોક દેશી દારૂનું વેંચાણ કરવામાં આવી રહ્યું છે.
સ્થાનિક પોલીસની શંકાસ્પદ નિષ્ક્રિયતા વચ્ચે શાપર-વેરાવળના સમગ્ર વિસ્તારમાંથી દારૂની બદીને દૂર કરવા સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા જરૂરી હોવા સ્થાનિક કારખાનેદારોની માંગ છે.
શાપર-વેરાવળમાં દેશી દારૂનું ધૂમ વેંચાણ દરરોજ દિન દુગનું રાત ચોગનું થાય છે અને ખુલ્લેઆમ થાય છે તેવી ફરિયાદો વારંવાર ઉઠતી જ રહી છે, આ હકીકત પણ બધા જ જાણે છે. ઔદ્યોગિક વિસ્તાર હોવાથી પરપ્રાંતીય મજૂરો તેમજ કારીગરો દેશી દારૂનું દરરોજ નિયમિત રીતે સેવન કરે છે અને એમના માટે પાણી કરતા દેશી દારૂ વધુ જરૂરી છે જેનો ફાયદો લીલા, લૂણા, હાથિયા જેવા કેટલાક બુટલેગરો અને સપ્લાયરો દ્વારા ઉઠાવવામાં આવી રહ્યો છે.
- Advertisement -
લીલા મલાણી, હાથિયા વિજાણી અને લૂણા વિજાણી સહિતના બુટલેગર-સપ્લાયર શાપર-વેરાવળમાં દરરોજ 20થી 25 હજાર લિટર દેશી દારૂનું ગેરકાયદે વેંચાણ કરીને લાખો રૂપિયા કમાઈ છે જેમાંનો કેટલોક ભાગ તેઓ હપ્તા સ્વરૂપે પણ ચૂકવતા હોવાની ચર્ચા છે. આ સમગ્ર મામલે સ્થાનિક પોલીસ પીએસઆઈ ગોહિલની નિષ્ક્રિયતા જોતા ક્યાંક લઠ્ઠાકાંડ ન સર્જાય તેની દહેશત સેવાઈ રહી છે. આ દરમિયાન ફરી કોઈ લઠ્ઠાકાંડ ન સર્જાય તે માટે શાપર-વેરાવળ ઔદ્યોગિક વિસ્તારમાં ચાલતા દેશી દારૂના હાટડા પર એસએમસીના જાંબાઝ પોલીસ ઓફિસર નિર્લિપ્ત રાય અને તેમની ટીમ દ્વારા તવાઈ જરૂરી બની જાય છે.
SMC – નિર્લિપ્ત રાયના દરોડા જ શાપર-વેરાવળમાંથી દેશી દારૂની બદી દૂર કરી શકે
નિર્લિપ્ત રાય કડક અને પ્રામાણિક અધિકારી તરીકેની છાપ ધરાવે છે, જેના કારણે કેટલાક બુટલેગર-સપ્લાયર ભૂગર્ભમાં ઊતરી ગયા છે. નિર્લિપ્ત રાયની સ્ટેટ મોનિટરિંગ સેલમાં નિમણૂંક બાદ તેમણે રાજ્યભરમાં દરોડા પાડી કરોડો રૂપિયાનો દેશી-વિદેશી દારૂ સાથે અસંખ્ય બુટલેગરોને ઝડપયા છે. રાજકોટના શાપર-વેરાવળમાં ચાલી રહેલી દેશી દારૂની બદી ડામવા પણ નિર્લિપ્ત રાય અને તેમની એસએમસી ટિમના દરોડા જરૂરી બની ગયા છે.