- બે દિવસમાં પાંચમો ઝટકો લાગશે : રાજુલામાં પાટીલ સાથે ગુપ્ત બેઠક
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. અર્જુન મોઢવાડિયા બાદ સૌરાષ્ટ્રમાં વધુ એક કોંગ્રેસના ધારાસભ્ય રાજીનામું આપશે.
માણાવદરના કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણી આજે સાંજે પક્ષને રામરામ કરશે.
એક બાદ એક ધારાસભ્યના રાજીનામાના સમાચારથી કોંગ્રેસમાં સન્નાટો છવાઇ ગયો છે. કોંગ્રેસના સભ્યપદ અને ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યા બાદ લાડાણી ભાજપમાં જોડાશે. હાલ રાજુલામાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાથે ગુપ્ત બેઠક ચાલી રહી છે. અરવિંદ લાડાણી 3 દિવસથી કોઈના કોલ રિસીવ કરતા નથી.
- Advertisement -
લાડાણીના નજીકના લોકોએ કહ્યું છે કે, આજ સાંજ સુધીમાં જશે. સૂત્ર પાસેથી જાણવા મળતી વિગત મુજબ, અરવિંદ લાડાણી અર્જુન મોઢવાડિયાના નજીકના માનવામાં આવે છે. અરવિંદ લાડાણીને પણ ભાજપમાં જોડાવવા અર્જુન મોઢવાડિયાએ એપ્રોચ
કર્યા છે.
બે દિવસ પહેલાં ડેર અને મોઢવાડિયાએ રાજીનામું આપ્યું હતું
બે દિવસ પહેલાં અંબરીશ ડેરના કોંગ્રેસમાંથી રાજીનામા બાદ પોરબંદરના ધારાસભ્ય અને કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ પણ કોંગ્રેસને રામ રામ કરી દીધા હતા. અર્જુન મોઢવાડિયાએ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને મળીને ધારાસભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. આ મોઢવાડિયાનું રાજીનામું સ્વીકારવા માટે વિધાનસભા સ્પીકર શંકર ચૌધરી થરાદનો કાર્યક્રમ ટૂંકાવીને ગાંધીનગર પહોંચી ગયા હતા. આ બન્ને નેતા જ્યારે જાન્યુઆરીમાં કોંગ્રેસે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના આમંત્રણને નકાર્યું ત્યારે પાર્ટીના નિર્ણય સામે અવાજ ઉઠાવ્યો હતો. અર્જુન મોઢવાડિયા અને અંબરીશ ડેરે રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠાના વિરોધ કરવા બદલ કોંગ્રેસ છોડી હોવાનું જણાવ્યું હતું. બીજા દિવસે જ અંબરિશ ડેર અને અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાયા હતા.