ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.13
હોળી-ધુળેટીના તહેવારને ધ્યાનમાં રાખીને જૂનાગઢ એસટી ડિવિઝન દ્વારા એકસ્ટ્રા બસ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જૂનાગઢ ડિવીઝનના 9 ડેપોની મળી કુલ 90 થી વધારે બસ વધારાની દોડી રહી છે. આ સંચાલન આગામી તારીખ 19 માર્ચ સુધી શરૂ રહેશે એમ જણાવેલ છે. જૂનાગઢ એસટી વિભાગીય નિયામક એમ.બી. રાવલે જણાવ્યુ કે, હોળીના તહેવાર દરમિયાન લોકોની ફરવા લાયક સ્થળો અને પોતાના વતન જવા માટે અવર- જવર વધારે રહેતી હોય છે. એસટીમાં ટ્રાફીકની સમસ્યા ઉભી ન થાય તે માટે તહેવારને ધ્યાને રાખી જૂનાગઢ વિભાગના 9 ડેપો મળી કુલ 90 થી વધારે બસનુ એકસ્ટ્રા સંચાલન કરવામાં આવ્યુ છે. ખાસ કરીને મજૂર વર્ગ પોતાના વતન તહેવારના સમયમાં જતા હોવાથી વધારે બસ દોડાવવાનો નિર્ણય કર્યો છે. જૂનાગઢ, પોરબંદર, કેશોદ, વેરાવળ, જેતપુર, ઉપલેટા, ધોરાજી, માંગરોળ, બાંટવા એમ 9 ડેપો મળી રોજની કુલ 20 થી વધારે બસ દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, પંચમહાલ, મધ્ય પ્રદેશ વિસ્તારોના રૂટમાં ચાલી રહી છે.
જૂનાગઢ સહિત 9 ડેપો દ્વારા હોળી-ધૂળેટીમાં 90 બસનું એકસ્ટ્રા સંચાલન
