સોરઠમાં વરસાદનાં પગલે 22 ડેમ પૈકી 14 ડેમમાં નવા નીર આવ્યાં
ખાસ ખબરસંવાદદાતા
જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા સાત દિવસથી વરસાદ પડી રહ્યો છે. સોરઠમાં પડેલા ભારે વરસાદનાં પગલે બે જિલ્લામાં આવેલા 22 ડેમ પૈકી 14 ડેમમાં નવા નીર આવ્યાં છે. અને 4 ડેમ ઓવરફલો થઇ ગયા છે. ઓઝત નદી પર આવેલા 3 ડેમમાંથી હાલ 6591.66 ક્યુસેક પાણી વહી રહ્યું છે.તેમજ જૂનાગઢ જિલ્લાનાં માણાવદર અને વંથલીમાં રાત્રીનાં સમયે બે-બે ઇંચ વરસાદ થયો હતો. વિસાવદરમાં પણ એક ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો.
જૂનાગઢ જિલ્લામાં ગત શુક્રવારથી વરસાદની એન્ટ્રી થઇ હતી. બાદ આજદિન સુધી વરસાદ પડ્યો છે. ગઇકાલે ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ વિરામ લીધો હતો. પરંતુ ગઇકાલે જૂનાગઢ જિલ્લામાં ચાર ઇંચ સુધી વરસાદ વરસી ગયો હતો. જૂનાગઢ જિલ્લામાં ગતરાત્રીનાં પણ વરસાદ થયો હતો. ગતરાત્રીનાં જૂનાગઢ જિલ્લાનાં વંથલી અને માણાવદરમાં બે-બે ઇંચ અને વિસાવદરમાં એક ઇંચ વરસાદ થયો હતો.જૂનાગઢ શહેરમાં સતત વરસાદી ઝાપટા પડતા રહ્યાં હતાં. આ સપ્તાહ દરમિયાન જૂનાગઢ અને ગિર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો. સોરઠની જીવાદોરી સમાન નદીઓમાં પુર આવ્યાં હતાં.
- Advertisement -
તેમજ નદી ઉપર આવેલા ડેમમાં નવા નીર આવ્યાં હતાં. ખાસ કરીને ઓઝત નદી ઉપર આવેલા ડેમ ઓવરફલો થઇ ગયા છે.ઓઝત નદીઉપર આવેલા 3 ડેમમાંથી આજે 6591.66 ક્યુસેક પાણી વહી રહ્યું છે. આ ઉપરાંત બાંટવા ખારો ડેમનાં પણ 3 દરવાજા ખોલવામાં આવ્યાં છે. જૂનાગઢ અને ગિર સોમનાથ જિલ્લામાં કુલ 22 ડેમ આવેલા છે. આ 22 ડેમ પૈકી 14 ડેમમાં નવા નીરની આવક થઇ છે. ચોમાસાની સિઝનની શરૂઆતમાં જ ડેમમાં પાણી આવતા ડેમ વહેલા ભરાઇ જવાની શકયતા છે.આજે જૂનાગઢ જિલ્લામાં સવારથી વરસાદ વિરામ લીધો હતો. જોકે વિરામ વચ્ચે પણ જિલ્લામાં છુટાછવાયો વરસાદ પડ્યો હતો.