ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.20
જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગોની સુવિધાઓ વધારવા માટે ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અને કિસાન પથ યોજના હેઠળ કુલ 37 જેટલા રસ્તાઓના કામો અને 70 સ્ટ્રક્ચરના કામોને મંજૂરી આપવામાં આવી છે.
માર્ગ અને મકાન પંચાયતના કાર્યપાલક ઇજનેર નિલેશ સોલંકીએ જણાવ્યું હતું કે, જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓની દુરસ્તીકરણ અને રિસરફેસિંગની કામગીરી ઝડપી ગતિએ ચાલી રહી છે. આ સાથે જ, 5 નવા રસ્તાઓ, 32 રસ્તાઓનું રિસરફેસિંગ/આધુનિકીકરણ અને 70 સ્ટ્રક્ચરના કામોને મંજૂરી મળી છે. આ યોજના હેઠળ 24 રસ્તાના કામો આવરી લેવામાં આવ્યા છે, જેની લંબાઈ કુલ 89.60 કિલોમીટર છે. આ યોજના હેઠળ 13 રસ્તાના કામો આવરી લેવામાં આવ્યા છે, જેની લંબાઈ કુલ 57.15 કિલોમીટર છે. કુલ 37 રસ્તાઓના કામને આવરી લઈને 146.75 કિલોમીટરના રસ્તાઓનું નવીનીકરણ અંદાજિત રૂ. 11,081 લાખના ખર્ચે કરવામાં આવશે. જ્યારે 70 સ્ટ્રક્ચરના કામોને આવરી લઈને અંદાજિત રૂ. 6,036 લાખના ખર્ચે નવીનીકરણ થશે. આ તમામ મંજૂર થયેલા કામોના એસ્ટિમેટ લેવલની કામગીરી પૂર્ણ કરીને ટૂંક સમયમાં જ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.



