એક અઠવાડિયામાં ક્રાઈમ બ્રાન્ચનાં બે દરોડામાં 821 પેટી વિદેશી દારૂ પકડાયો
ખાસ-ખબર સંવાદદાતા
તાજેતરમાં જ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે કુવાડવા રોડ પરથી 396 પેટી દારૂ ઝડપી પાડ્યો હતો ત્યારે હીરાસર ગામ પાસે વાડી વિસ્તારમાં દારૂનું કટીંગ થવાનું છે તેવી બાતમીના આધારે શહેર ક્રાઈમ બ્રાન્ચે વોચ ગોઠવી દારૂનું કટીંગ થાય તે પહેલાં જ દરોડા પાડી 425 પેટી વિદેશી દારૂ ભરેલા ક્ધટેનર સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડી આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
વાંકાનેર તાલુકાના હીરાસર ગામ પાસે વાડી વિસ્તારમાં દારૂનું કટીંગ થવાનું છે તે અંગેની બાતમી રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચને એ.એસ.આઈ. સી. એમ. ચાવડા તથા પોલીસ કોન્સ્ટેબલ કરણભાઈ મારુને મળતાં પી.એસ.આઈ. યુ. બી. જોગરાણા અને પી.એસ.આઈ. એમ. વી. રબારીએ બે ટીમ બનાવી બાતમીવાળી જગ્યાએ વોચ ગોઠવી દરોડા પાડયા હતા જેમાં બે ક્ધટેનર અને એક મહીન્દ્રા કંપનીની બોલેરો પિકઅપની તલાશી લેતાં એક ક્ધટેનરમાંથી મેકડોવેલ્સ નં. 1ની 4523 બોટલ, રોયલ ચેલેન્જ ક્લાસીક પ્રીમીયમ વ્હીસ્કી 575 બોટલ મળી કુલ 425 પેટી દારૂ જેની કિંમત રૂા. 1995125, એક મોબાઈલ ફોન, બે કેન્ટેનર અને એક મહીન્દ્રા બોલેરો પિકઅપ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી ખીયારામ બેનીવાલ (રહે. રાજસ્થાન), પ્રવીણ નાથાભાઈ ગાંગડીયા (રહે. મોરબી), સલીમ ઈકબાલભાઈ શેખ (રહે. ચંદ્રપુર) સહિતનાની અટકાયત કરી આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.