ગેરકાયદે ધાર્મિક સ્થાનો દૂર કરવા જિલ્લા-કોર્પોરેશન સ્તરે કમિટિઓની રચના
458ને દબાણોને નોટિસ અપાઇ: હાઈકોર્ટમાં પટેલ સરકારનો જવાબ
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ, તા.13
રાજ્યભરમાં જાહેર રસ્તા સહિતના સ્થળોએ અડચણરૃપ ધાર્મિક સ્થાનો હટાવવા અંગેની સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ અમલીકરણ માટે થયેલી સુઓમોટો પીઆઇએલમાં રાજય સરકાર તરફથી રજૂઆત કરાઈ હતી કે, ગેરકાયદે ધાર્મિક સ્થાનો દૂર કરવા મામલે સુપ્રીમકોર્ટના નિર્દેશના ઝડપી અમલીકરણના ભાગરૃપે જિલ્લા સ્તરે અને કોર્પોરેશન સ્તરે કમીટીઓની રચના કરાઇ છે. રાજયના દરેક જિલ્લાઓમાં આવી કમીટીની રચના થઇ ચૂકી છે. જેમાં 458 જેટલા આવા દબાણોને નોટિસ અપાઇ છે, તો, 2607 કિસ્સામાં સ્થાનિક અખબારોમાં નોટિસ જારી કરવામાં આવી છે. ગેરકાયદે ધાર્મિક સ્થાનો દૂર કરવાની પ્રક્રિયા એ સતત ચાલતી પ્રક્રિયા છે અને તે માટે તંત્ર અને સત્તાવાળાઓ કટિબધ્ધ છે. હાઇકોર્ટે કેસની વધુ સુનાવણી તા.4થી માર્ચે રાખી હતી.
- Advertisement -
બીજી બાજુ એડવોકેટ જનરલએ ગુજરાત હાઇકોર્ટમાં એક અહેવાલ રજૂ કરીને જણાવાયું કે, તા.21-11-2024થી તા.31-1-2025 સુધી રાજયમાં કુલ 156 જેટલા ગેરકાયદે અને અવરોધરૃપ ધાર્મિક સ્થાનો દૂર કરવામાં આવ્યા છે. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે જરૃર પડયે આવા કેસોમાં લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ પણ દબાણકર્તાઓ સામે કાર્યવાહી કરવા સરકારપક્ષને તાકીદ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ગત 03 ડીસેમ્બરની સુનવણીમાં કોર્ટને જણાવાયુ હતું કે, 11 સપ્ટેમ્બર 2024 થી 20 નવેમ્બર, 2024 સુધીના બે મહિનામાં 261 ગેરકાયદે ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા છે. જે પૈકી 236 જિલ્લા અને 25 કોર્પોરેશન વિસ્તારમાંથી દૂર કરાયા છે. 56ને રિલોકેટ કરાયા છે અને 25 ધાર્મિક દબાણને નિયમિત કરાયા છે. મોટાભાગના દબાણો જાહેર સ્થળો, માર્ગ અને બગીચાઓની જગ્યાએથી દૂર કરાયા છે. હાઈકોર્ટે ગૃહ વિભાગના સચિવને સોગંદનામું કરવા અને આ મામલે પ્રગતિ અહેવાલ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આદેશ કર્યો હતો. આજરોજ થયેલી સુનાવણીમાં રજૂ કરવામાં આવેલા અહેવાલ બાદ હાઇકોર્ટે રાજયના ગૃહવિભાગને પણ આવા ધાર્મિક સ્થાનો હટાવવાના સમયે તેઓને પૂરતો અને યોગ્ય પોલીસ બંદોબસ્ત આપવા પણ નિર્દેશ કર્યો હતો.
હાઇકોર્ટે ધાર્મિક સ્થાનોની સમીક્ષા અને તેને દૂર કરવા મુદ્દે જિલ્લા સ્તરે રચાયેલી કમીટીઓ દ્વારા છેલ્લા ત્રણ મહિના દરમ્યાન હાથ ધરાયેલી કામગીરીનો રિપોર્ટ પણ સરકાર પાસેથી માંગ્યો છે. રાજયમાં ગેરકાયદે ધાર્મિક સ્થાનો હટાવવા અંગેની કામગીરીનો રિપોર્ટ રજૂ કરતાં સરકારપક્ષ તરફથી જણાવાયું કે, રાજયમાં ઉપરોકત સમયમર્યાદામાં હટાવાયેલા કુલ 156 ધાર્મિક સ્થાનો પૈકી 127 ધાર્મિક સ્થાનો જિલ્લા વહીવટી તંત્રના કાર્યક્ષેત્રમાં આવતા હોય તેવી જગ્યામાંથી દૂર કરાયા છે, જયારે 29 ધાર્મિક સ્થાનો મહાનગરપાલિકા હસ્તકની જગ્યામાંથી દૂર કરાયા છે. આ સિવાય કેટલાક ધાર્મિક સ્થાનોને તેમના મૂળ સ્થાનેથી હટાવી અન્ય સ્થાને રિલોકેટ પણ કરાયા છે. સરકારપક્ષ તરફથી અદાલતનું ધ્યાન દોરાયું કે, ગેરકાયદે ધાર્મિક સ્થાનો દૂર કરવા મામલે સુપ્રીમકોર્ટના નિર્દેશાના ઝડપી અમલીકરણના ભાગરૃપે જિલ્લા સ્તરે અને કોર્પોરેશન સ્તરે કમીટીઓની રચના કરાઇ છે.રાજયના દરેક જિલ્લાઓમાં આવી કમીટીની રચના થઇ ચૂકી છે. જેમાં 458 જેટલા આવા દબાણોને નોટિસ અપાઇ છે, તો, 2607 કિસ્સામાં સ્થાનિક અખબારોમાં નોટિસ જારી કરવામાં આવી છે. ગેરકાયદે ધાર્મિક સ્થાનો દૂર કરવાની પ્રક્રિયા એ સતત ચાલતી પ્રક્રિયા છે અને તે માટે તંત્ર અને સત્તાવાળાઓ કટિબધ્ધ છે.