રા.લો. સંઘમાં ઢાંકેચા જૂથની ‘ગેમ’ કરી નાખવા રૂપિયા 30 લાખની ઓફરની ચર્ચા

સહકારી ક્ષેત્રમાં ભાગ્યે જ જોવા મળતું હોઈ તેવું નૈતિક પતન રાજકોટ-લોધીકા સહકારી સંઘની ચૂંટણીમાં અને ચૂંટણી પછી જોવા મળી રહ્યું છે. રા.લો સંઘમાં દસકાઓથી આધિપત્ય ધરાવતા નીતિન ઢાંકેચાના ગ્રુપની ગેમ કરી નાખી ને ચેરમેનપદ મેળવવા કેટલાક લોકોએ જબરા ધમપછાડા શરુ કર્યાં છે. ચર્ચા તો ત્યાં સુધીની છે કે, ઢાંકેચા જૂથના એક સભ્યને ‘હિટ વિકેટ’ થવા માટે ત્રીસ-ત્રીસ લાખ રૂપિયા સુધીની ઓફર થઇ છે! અગાઉ એવું મનાતું કે, સહકારી ક્ષેત્રના રાજકારણમાં ’મની પાવર’ બહુ પ્રચલિત નથી પણ, ધીમે -ધીમે આ માન્યતા ખોટી પુરવાર થતી જાય છે. આવું જ વરવું ઉદાહરણ રા.લો સંઘની ચૂંટણીમાં જોવા મળી રહ્યું છે. ઢાંકેચા જૂથના ચૂંટાયેલા એક સભ્યને પોતાની તરફ કરવા ભાજપનું જ અન્ય એક જૂથ ઉંધામા કરી રહ્યું છે.નીતિન ઢાંકેચા ખુદ પણ ભાજપ સાથે સંકળાયેલા છે.તેથી એક રીતે જોવા જઈએ તો આ ભાજપ વિરુદ્ધ ભાજપનો જંગ છે. યાદ રહે, પ્રદેશ ભાજપ પ્રમુખ ચંદ્રકાન્ત પાટીલે તાજેતરમાં સૌરાષ્ટ પ્રવાસ દરમિયાન શિસ્ત વગેરેની બહુ વાતો કરી હતી.કાર્યકરો સમક્ષ તેમણે એવી છાપ ઉપસાવી હતી કે,તેઓ શિસ્તના આગ્રહી છે. હજુ એમની મુલાકાતને બે અઠવાડિયા પણ પસાર નથી થયાં ત્યાં ભાજપની અંદર જ મહાભારત ચાલું થઇ ગયું છે અને પ્રદેશ પ્રમુખ આ બાબતે મૌન ધારણ કરીને બેઠા છે.