21 સપ્ટેમ્બરથી ધાર્મિક, રાજકીય કાર્યક્રમોમાં 100 લોકો સામેલ થઈ શકશે

દેશભરમાં વધી રહેલા કોરોનાના કહેર વચ્ચે સરકાર દ્વારા અનલોક -4ની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેમાં 30 સપ્ટેમ્બર સુધી સ્કૂલ – કોલેજો હજુ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તદઉપરાંત સ્વિમીંગ પુલ અને થીયેટરો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે 21 સપ્ટેમ્બરથી ઓપન એર થીયેટર ખોલવાની પરમિશન આપવામાં આવી છે. ગૃહ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા માર્ગદર્શિકા અનુસાર 21 સપ્ટેમ્બરથી સામાજિક, રાજકીય, મનોરંજન, રમતગમત વગેરેથી સંબંધિત કાર્યક્રમોને મંજૂરી આપવામાં આવશે, પરંતુ એક છત હેઠળ મહત્તમ 100 લોકો ઉપસ્થિત રહી શકશે.સિનેમા હોલ, સ્વિમિંગ પુલ, આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ (કેટલાક ખાસ કેસો સિવાય) હજી પણ બંધ રહેશે. તે જ સમયે, ક્ધટેનમેન્ટ ઝોનની બહાર 9 થી 12 વર્ગના વિદ્યાર્થીઓ તેમના પરિવારની સંમતિ મળ્યા પછી શાળાએ જઈ શકશે. સરકારે 30 સપ્ટેમ્બર સુધી શાળા-કોલેજ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.