હળવેથી રોજ તમે વરસ્યા કરો છો
હવે ધોધમાર વરસો તો કેવું ?
બારી ઉઘાડીએ તો આવે અજવાળું
હવે, બારણું ઉઘાડો તો કેવું ?
વ્હાલી જિંદગી,
- Advertisement -
તારા વિરહને સહન કરવા હું લગાતાર તારામાં ખોવાયેલો રહું છું. તારામાં સાવ ઓળઘોળ થઈ હું સતત તને મહેસૂસ કર્યાં કરું છું. તું મારી વહેલી સવારનું ખુશનુમા શમણું છે… તું મારી પાછલી રાતનું ઝાકળભીનું પારિજાત છે… હું તને લાગણીઓમાં ઝબોળી મારાં હૈયામાં એવી સિફતથી ભરું છું કે તને સહેજ પણ અડચણ ના થાય. જિંદગી! તું મારાં આત્માના અધિકારનો અમરપટો લઈને આવી છે. બસ, એટલે જ તું મને અતિશય વહાલી છે. હૈયાની હરિયાળી ખેતીમાં પ્રેમી ખૂબ આરામ અને રાહત અનુભવતો હોય છે, કારણ કે ખૂલ્લી ધરતી અને અનંત આકાશ પ્રેમની વ્યાપકતાના પૂરક છે. તારી આંખોમાંથી નીકળતો નજરનો કેફ મારાં હૈયાનાં ખેતરમાં કબજો જમાવી આખા ખેતરને લીલુંછમ રાખે છે. તું મારામાં લીલીછમ ચાદર ઓઢીને પોઢેલી છે એટલે હું લહેરાઈ શકું છું… મહેંકી શકું છું. તારા કાજળની કાળાશમાં મેં પણ મારાં આછેરા અંધારને છૂપાવી રાખ્યો છે. તારા વાળની દરેક લટમાં મેં આપણાં મહામૂલા સમયને ગૂંથી લીધો છે. તારા હોઠની નમણી લાલિમા વચ્ચે મેં મારાં શ્વાસ વહેતા મૂક્યાં છે. તારા સ્નેહ નીતરતાં અધરના ગોખલામાંથી જયારે શબ્દોની સેર ફૂટી નીકળે છે ત્યારે હું શબ્દે શબ્દે પરોવાતો જાઉં છું.
જિંદગી! તું મારાં જીવનના દરેક પ્રશ્નાર્થની વચ્ચે રહેલું આશ્ચર્યચિન્હ છે. તારો પ્રેમ અને છેવટ સુઘીનો સંગાથ એ મારું પૂર્ણવિરામ છે. ઘણાં બધાં વિઘ્નો હોવા છતાં પૂર્ણનિષ્ઠા અને શ્રદ્ધા દ્વારા મુશ્કેલીઓને પાછળ છોડીને આપણે સામે કિનારે પહોંચી જ જઈશું એની ખાતરી છે. મેં તારામાં ફકત ડૂબકી જ નથી મારી પરંતુ સાવ વિલીન થઈ ગયો છું. તારામાં ઓગળીને હું નવા નવા વિસ્મયોના સરવાળા કરતા શીખ્યો છું. તારા હૈયામાં ઉભરાતા પ્રેમનાં ઉભરાને હું મારી ભીતર ઉતારતા શીખ્યો છું. તારી આંખોમાંથી વ્યક્ત થઈ અવિરત વહેતાં પાવકપ્રેમને હું સતત મારી ભીતર ભેળવતો રહું છું. તારા સ્પર્શની અસરથી મારામાં એક રોમાંચક ફેરફાર થાય છે. તું જ્યારે જ્યારે મને સ્પર્શે છે ત્યારે એવું લાગ્યાં કરે છે કે ભગવાન મારા અસ્તિત્વ ઉપર પીંછી ફેરવી રહ્યાં છે. હું ચૂપચાપ તારા સ્નેહની પીંછીમાં ઘૂંટાતો જાઉં છું અને તું મને આકારિત કરી દે છે. જિંદગી! તેં મને અઢળક આપ્યું છે… નિરંતર આપતી રહી છે. તું મારાં આત્માની સાથે અવતરેલું અમૃતબિંદુ છે. હું હર ક્ષણે એની મીઠાશ માણી આત્મસાત કરું છું. તું જે ક્ષણે મારી આસપાસ કે મારી સાથે ના હોય ત્યારે હું સહેજ પણ જીવતો નથી. સતત હિજરાઉં છું, સતત વલોવાઉ છું. તારું સાંનિધ્ય મારાં જીવનનો ઉત્સવ બનીને મહેકે છે, તો તારી સદેહે ગેરહાજરી મારામાં ઉજ્જડતામાં અઢળક ઉમટેલી વેરાની ફેલાવી જાય છે. મારે સતત તને શ્વસવી છે. તારા દરેક રંગોને જોવા, જાણવા છે. હું ખૂબ ખુશ છું કે ભગવાનના આશીર્વાદરૂપે તું મને મળી છે. હું તને ભરપૂર જીવી જઈશ.
સતત તને શ્વસતો,
જીવ.