છેલ્લા ચાર વર્ષમાં સાઇબર હુમલાથી દુનિયાને 5.3 લાખ કરોડ ડોલરનું નુકસાન, વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત ભ્રષ્ટાચાર, જાતિવાદ, સાંપ્રદાયિક્તાથી મુક્ત હશે : મોદી
ખાસ-ખબર સંવાદદાતા
ભારતનું અર્થતંત્ર ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. દેશમાં હાલ અમૃતકાળ ચાલી રહ્યો છે અને 2047માં ભારતની સ્વતંત્રતાના શતાબ્દી પૂરી થશે ત્યાં સુધીમાં દેશ વિકસિત રાષ્ટ્ર બની ગયો હશે. આ વિકસિત રાષ્ટ્રમાં ભ્રષ્ટાચાર, જાતિવાદ અને સાંપ્રદાયિક્તાનું આપણા રાષ્ટ્રીય જીવનમાં કોઈ સ્થાન નહીં હોય તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જણાવ્યું હતું. દેશમાં જી-20ની શિખર મંત્રણાની તૈયારીઓ પૂરી થવાના આરે છે ત્યારે આ બેઠક પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીટીઆઈને મુલાકાત આપી ભારતની સિદ્ધિઓ અને વૈશ્વિક પડકારો સહિત અનેક મુદ્દાઓ પર વાત કરી હતી.વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ભારત હાલ અમૃતકાળની ઊજવણી કરી રહ્યું છે. આ અમૃતકાળ વર્ષ 2047 સુધી ચાલશે જ્યારે ભારતની આઝાદીના 100 વર્ષ પૂરા થઈ જશે. આ સમય સુધીમાં ભારત વિકસિત રાષ્ટ્ર બની જશે. આ સમયમાં માત્ર ભારત જ નહીં વૈશ્વિક સ્તરે પણ અનેક પરિવર્તન આવ્યા છે.
- Advertisement -
આજના સમયમાં દુનિયાનો જીડીપી કેન્દ્રિત દૃષ્ટિકોણ બદલાયો છે અને હવે તે માનવકેન્દ્રિત થયો છે. ભારત તેમાં ઉત્પ્રેરકની ભૂમિકા ભજવી રહ્યું છે. ’સબકા સાથ, સબકા વિકાસ’ વિશ્વ કલ્યાણ માટે પણ એક માર્ગદર્શક સિદ્ધાંત બની શકે છે. ભારતે આર્થિક વિકાસમાં એક દાયકાથી ઓછા સમયમાં પાંચ ક્રમની છલાંગ લગાવી છે. આ સિદ્ધિનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, નજીકના ભવિષ્યમાં જ ભારત દુનિયાના ટોચના ત્રણ અર્થતંત્રમાં સામેલ થઈ જશે. આજે ભારતીયો પાસે વિકાસનો પાયો મૂકવાની મોટી તક છે, જેને આગામી 1,000 વર્ષ સુધી યાદ કરાશે. ભારતને લાંબા સમય સુધી એક અબજ ભૂખ્યા લોકોના દેશ તરીકે ઓળખવામાં આવતો હતો, પરંતુ આજે તે 100 કરોડ મહત્વાકાંક્ષી મગજ અને 200 કરોડ કુશળ હાથોવાળા દેશ તરીકે ઓળખાય છે. વડાપ્રધાન મોદીએ કાશ્મીર અને અરૂણાચલ પ્રદેશમાં જી-20 બેઠકોના આયોજન સામે પાકિસ્તાન અને ચીનના વાંધાઓને નકારી કાઢતા કહ્યું કે, ભારતના દરેક ભાગમાં બેઠક યોજાય તે સ્વાભાવિક છે.
કાશ્મીર-અરૂણાચલ પ્રદેશ ભારતના જ અભિન્ન અંગ છે. તેથી ભારત નિશ્ચિતરૂપે ત્યાં જી-20 બેઠકનું આયોજન કરી શકે છે. જી-20માં અમારા શબ્દો અને દૃષ્ટિકોણને દુનિયાએ માત્ર વિચારોનારૂપમાં જ નહીં, પરંતુ ભવિષ્યની રૂપરેખા તરીકે પણ જોયા છે. આધુનિક દુનિયામાં વધતા સાઈબર ગુનાઓનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, સાયબર ગૂનાઓ સામે લડવા માટે વૈશ્વિક સહયોગ જરૂરી જ નહીં પરંતુ અનિવાર્ય પણ છે. વિશ્વ બેન્કના અંદાજ મુજબ વર્ષ 2019થી 2023 દરમિયાન સાયબર હુમલાઓના કારણે દુનિયાને 5.3 લાખ કરોડ યુએસ ડોલરનું નુકસાન થયું છે. સાયબર ક્ષેત્રએ ગેરકાયદે નાણાકીય પ્રવૃત્તિઓ અને આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં એક નવું પાસું રજૂ કર્યું છે.